પોરબંદરમાં માત્ર દશ મહિનાની બાળકીને શ્વાસની તકલીફ થતા ટ્રસ્ટની હોસ્પિટલે સારવાર માટે લવાઇ હતી. જયાં તેનું સુગર ચકાસતા ૫૮૩ સુગર આવ્યું હતું. તેથી તેને સઘન સારવાર બાદ જીવ બચી ગયો છે.
પોરબંદરમાં અશ્વિન ભરાણીયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આશા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે સેવા આપતા એમ.ડી. પિડીયાટ્રીક ડો. જય બદિયાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે તેને ત્યાં ૧૦ મહિનાની બાળકી ગંભીર હાલતમાં શ્વાસની તકલીફ સાથે લાવવામાં આવી હતી. ત્યારે તેનું સુગર માપતા ૫૮૩ જેટલું આવ્યું હતું. તેના લીધે તેને ડાયાબીટીક ક્રિટોએસિડોસીસ નામની જીવલેણ સ્થિતિ ઉભી થઇ હતી. જેમાં બાળકને શ્વાસની તકલીફ તથા કોમામાં જઇ શકે છે. આથી ડો. જય એ તાત્કાલિક ડાયાબીટીક ક્રીટોએસિડોસિસની સારવાર કરતા બાળકી પાંચ દિવસીય સઘન આઇ.સી.યુ. સારવાર બાદ સ્વસ્થ થતા અને સુગર નોર્મલ થતા હોસ્પિટલ ખાતેથી ડિસ્ચાર્જ કરવામાં આવી હતી.
તબીબે જણાવ્યું હતું કે ડાયાબિટીસ ક્રિટોએસિડોસીસ એ બાળકોમાં થતા ટાઇપ-૧ ડાયાબિટીસમાં જોવા મળતી જીવલેણ કંડીશન છે. જેમાં શરીરમાં એસિટોનનું પ્રમાણ ખૂબ વધી જાય છે. તેનાથી લોહી એસિડીક થઇ જાય છે. અને બાળકને શ્વાસની તકલીફ થાય છે. અને કયારેક વેન્ટીલેટરની જરૂર પડે છે. તથા મગજ ઉપર અસર થાય તો બાળક કોમામાં સરી શકે છે. આવા કેસમાં તાત્કાલિક અને યોગ્ય સારવાર મળે તો બાળકનો જીવ બચી શકે છે.