આદિત્યાણા નજીક વૃદ્ધ પર આઠ વર્ષ પૂર્વે હુમલો કરનાર શખ્સ ને કોર્ટે એક વર્ષ ની સાદી કેદ ની સજા ફટકારી છે.
ભરત આત્યાભાઈ ખુંટીએ ગત તા.૦૩/૦૮/૨૦૧૫ નાં રોજ પોતાનુ પલ્સર મોટરસાયકલ લઈને આદીત્યાણા તરફના રસ્તા ઉપર ડંકીકડી નેશ નજીક પહોંચતા સામેથી ફરીયાદી દાનાભાઈ હીરાભાઈ મોરી તથા તેના પિતાજી તથા પત્ની અને કાકાનો દિકરો ભેંસો લઈને ચરાવવા જતા હતા. તે વખતે આરોપી ભરત ના મોટરસાયકલના અવાજથી ભેંસો ભડકતા મોટરસાયકલમાં અડી ગયેલ. જેથી આરોપીએ આ બાબતનું મનદુ:ખ રાખી દાનાભાઈ તથા તેના પિતા હીરાભાઈને ગાળો કાઢી, મારી નાખવાની ધમકી આપી અને કહેલ કે, ‘હું હમણા આવુ છું’ તેમ કહી જતો રહેલ.
અને તુરંત હીરાભાઈ કારાભાઈ મોરીની પાછળ બોરીચા ગામની ખારા સીમમાં જઈ તેમને ગાળો કાઢી, મારી નાખવાની ધમકીઓ આપી લાકડી વતી માથામાં ઈજા કરેલ તેમજ બંને હાથે તેમજ ડાબા પગે ફેકચરની ઈજાઓ કરેલ હતી. તે મુજબનો ગુનો રાણાવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતો. જે કેસ રાણાવાવ કોર્ટમાં ચાલી જતા દસ્તાવેજી પુરાવા તથા નજરે જોનાર સાહેદોના પુરાવાના આધારે આ કામે એ.પી.પી. જયેશ એલ.ઓડેદરા ની દલીલનાં આધારે આ કામનાં આરોપીને, આઈ.પી.સી. કલમ-૩૨૫ મુજબ ૧ (એક) વર્ષની સાદી કેદની સજા અને રૂા.૧૦૦૦/- નો દંડ આઈ.પી.સી. કલમ-૩૨૩ મુજબ ૬ (છ) માસની સાદી કેદની સજા અને રૂા. ૫૦૦/- નો દંડ કરવાનો હુકમ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ, રાણાવાવનાંઓ દ્વારા હુકમ કરવામાં આવેલ હતો અને આ કામના આરોપી ભરત આત્યાભાઈ ખુંટીનાંઓને જેલ વોરંટ ભરી પોરબંદર ખાસ જેલ હવાલે કરવામાં આવેલ હતા.
આ કામે આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીકયુટર તરીકે જયેશ લાખણશીભાઈ ઓડેદરા રોકાયેલા હતા.