પોરબંદર
પોરબંદર ના યુવા સંશોધક નિશાંત બઢે આપેલ માહિતી મુજબ આજથી ૭૭ વર્ષ પહેલા આજના દિવસ તા ૨૬ ઓક્ટોબર ૧૯૪૩ ના દિવસે ધનતેરસ હોવાથી તેની ઉજવણી ચાલી રહી હતી.પોરબંદર અને લીમડી બંને શહેરની પ્રજા અને રાજવંશ તહેવારની તૈયારી અને ઉજાણી ખુશખુશાલ હતા.એકાએક આવેલા આઘાતજનક સમાચારે આ પ્રકાશપર્વ પર સમગ્ર શહેરને જાણે અંધકારમાં ધકેલી દીધું.જાણે પુરજોશથી કોઈ વંટોળ ફુકાયો અને પોતાની સાથે બધી ખુશાલી લઈ ગયો.
રમણીય સમુદ્ર ના કિનારે આવેલ હઝુર પેલેસ અને પોતાના વહાલસોયા એન.પોરબંદરી ના નામ થી ઓળખાતું પોરબંદર હજારો દીવડાથી જે ઝળહળતું રહેતું.તે આ એક જ ક્ષણમાં જાણે ગમગીનીની ખાઈ માં ધકેલાઈ ગયું હતું.આ સમાચાર હતા. પોરબંદરને નાના બાળકની જેમ ઉછેરવામાં,શહેર ના વિકાસ ને વેગ આપવામાં હરહમેશ રાણા સાહેબની પડખે ઊભા રહેનાર પોરબંદરના મહારાણી સાહેબના સ્વર્ગવાસ થયાના.
તા. ૦૫/૦૨/૧૯૨૦ પોરબંદરના રાજવી મહારાણા નટવરસિંહજી સાહેબના લગ્ન લીંબડી સ્ટેટના ઠાકોર દોલતસિંહજી જસવંતસિંહજી સાહેબના પુત્રી મહારાણી શ્રી રૂપાળીબા સાથે થાય હતા.સમગ્ર પોરબંદરમાં પોતાના રાજવીના રાજ્યતિલક અને ત્યાર પછી લગ્નના શુભ પ્રસંગે પોરબંદરની સમગ્ર પ્રજા એ હરખભેર પ્રસંગોને વધાવ્યા અને મનાવ્યા હતા. પોતાના પ્રેમાળ રાજવી માટે પ્રજા ઉત્સાહ ઘેલી રહેતી.
મહારાણી શ્રી રૂપાળીબા સાહેબ ઇન્ટીરીયર ડીઝાઇનર, કલાના પ્રેમી, અને એક તજજ્ઞ નારી હતા.તેઓ ને ૦૧/૦૧/૧૯૧૯ ના રોજ Member Of The Order Of the British Empire ના એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા, પોરબંદર અને પોતાની પ્રજાની એક નાના બાળક માફક માવજત અને કાળજીથી સાર – સંભાળ લેતા.
લગ્નના ટૂંકા સમગાળામાં મહારાણી રૂપાળીબા સાહેબ અને મહારાણા નટવરસિંહજી પોતાની પ્રજાની સુખ સવલતો અને સમસ્યા અંગે જાગૃત અને સતત પ્રયત્નશીલ રહેવા લાગ્યા હતા.પોરબંદર અને અહીંના પ્રજાજનો પણ પોતાના રાણા સાહેબ અને રાણીબા સાહેબ સાથે આત્મીયતા કેળવવા લાગ્યા હતા.
લગ્ન ના ૫ વર્ષ બાદ ૧૯૨૫ માં વિલાયત પ્રવાસ કર્યા બાદ પોરબંદર પરત આવ્યા ત્યારે પ્રજાજનો મહારાણી સાહેબને સ્ત્રીઓના અલગ સુવાવડ ખાનાની વ્યવસ્થા અંગે અરજ કરી હતી,અને મહારાણી સાહેબે સ્ત્રીઓના સ્વાથ્ય અને સુખાકારી માટે અલગ અને વિશાળ પરિસર વાળા અલગ મહિલા ના હોસ્પિટલ ની આજના સર હેન્કોંક મેમોરીયલ મિડલ સ્કુલમાં કાર્યરત “લેડી હોસ્પિટલ” ને હનુમાન ફુવારે ૧૯૩૬ માં એક વિશાળ પરિસર વાળા અને માત્ર સ્ત્રીઓના અલગ હોસ્પિટલ તરીકે નું નિર્માણ કરાવ્યું હતું. જે આજે “મહારાણી રૂપાળીબા મેટરનિટી હોસ્પિટલ” થી પ્રચલિત અને મહારાણી સાહેબની યાદ અને ભેટ સ્વરૂપે હયાત છે.
તે જ સમયગાળા માં કન્યા કેળવણી ને ધ્યાનમાં લઇ ને પોતાના માતૃશ્રીની યાદમાં અને પોરબંદર ના શૈક્ષણિક હિત ને ધ્યાન લઇ ને પોતાના અંગત ખર્ચ માંથી રૂ.૬૦,૦૦૦ આપીને બાલુબા કન્યા શાળા નું નિર્માણ કરી ૨૪/૦૮/૧૯૩૬ ના રોજ પોતાના પિતાશ્રી ના વરદ હસ્તે ઉદ્ઘાટન કરાવ્યું હતું. આ શહેરમાં કન્યા કેળવણી અને સ્ત્રી શિક્ષણના ઉત્કૃષ્ઠ પાયાનું નિર્માણ કર્યું હતું. પોરબંદર શ્રેષ્ઠ રાજા અને રૂપાળીબા સાહેબ જેવા આર્ષદ્રષ્ટા સામ્રાજ્ઞી ના શાસન હેઠળ ઘડાયું અને ઉન્નતિ ના પંથે ચાલ્યું.
પોરબંદર આવા મહારાણી સાહેબના વાત્સલ્ય રૂપી સોડ હંમેશા માટે ગુમાવી બેઠું. એ તારીખ હતી ૨૬/૧૦/૧૯૪૩ ધનતેરસનો દિવસ. રાણા સાહેબ અને પોરબંદરને પ્રકાશિત કરતી રહેતી મહારાણી સાહેબની જ્યોત હંમેશને માટે ઓલવાઈ ગઈ. આ એ દિવસ જ્યારે પોરબંદરે અને લીંબડી સ્ટેટ એ દીપાવલી નહોતી મનાવી. મહારાણી સાહેબ ના કાર્યો અને તેમનું વાત્સલ્ય આજે પણ શિક્ષણ અને સ્વાથ્ય ના રુપે પોરબંદરની પ્રજાને અકબંધ મળી રહ્યા છે.