પોરબંદર
ગુજરાત રાજ્ય સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળ,અમદાવાદ અને શ્રીનર્મદા સંસ્કૃત વેદપાઠશાલા, ભરુચ એ બન્નેના સંયુક્ત ઉપક્રમે શ્રીનર્મદા સંસ્કૃત વેદપાઠશાલા, ભરુચ ખાતે પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે ૨૭મી રાજ્ય સ્તરીય સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધાનું તા.૧૦/૦૩/૨૨ થી તા. ૧૨/૦૩/૨૨ સુધી આયોજન થયેલ હતું.રાજ્ય સ્તરીય સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધામાં વિભિન્ન વિષયોની ૨૭ જેટલી સ્પર્ધાઓ યોજાઇ હતી.જેમાં ગુજરાતની ૩૩ જેટલી સંસ્કૃત પાઠશાળાના ૨૬૧ ઋષિકુમારોને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.
પોરબંદરમાં આવેલી પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રેરિત અને સંચાલિત સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાનું સંવર્ધન અને સંપોષણ કરનારી શ્રી સાંદીપનિ વિદ્યાનિકેતન સંસ્થામાં કાર્યરત શ્રીબાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ પણ વિભિન્ન સ્પર્ધાઓમાં આ રાજ્ય સ્તરીય સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધામાં પાઠશાળાના ગુરૂજનોના માર્ગદર્શન દ્વારા અને પોતાના પરિશ્રમપૂર્વક ભાગ લઈને સર્વોત્તમ પ્રદર્શન કર્યું હતું.
શ્રીબાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ સંસ્કૃતના વિવિધ શાસ્ત્રોની વકતૃત્વ સ્પર્ધા, શલાકા સ્પર્ધા, અક્ષર શ્લોકી સ્પર્ધા, કંઠપાઠ અને શ્લોકપૂર્તિ જેવી સ્પર્ધાઓમાં ભાગ લઈને કુલ ૮ સુવર્ણચંદ્રક, ૬ રજતચંદ્રક અને ૫ કાંસ્યચંદ્રક પ્રાપ્ત કર્યા હતા. આ સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધામાં પ્રતિવર્ષ નિયમ પ્રમાણે પ્રાપ્ત થયેલા મેડલ અનુસાર જે પાઠશાળાના સૌથી વધુ અંક થાય તેને વિજય વૈજયંતી ટ્રોફી પ્રદાન કરવામાં આવે છે. આ વર્ષે સાંદીપનિની શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયને સૌથી વધુ અંક પ્રાપ્ત થયા હોવાથી વિજય વૈજયંતી ટ્રોફી પ્રદાન કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ શ્રીબાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયને 3 વખત વિજય વૈજયંતી ટ્રોફી પ્રાપ્ત થઈ ચૂકી છે.
આ રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં પોરબંદરની સાંદીપનિ શ્રીબાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના આચાર્ય શ્રી બિપીનભાઈ જોશી અને સર્વ ગુરુજનોના માર્ગદર્શનથી ઋષિકુમારોએ બધી જ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જેમાં વ્યાકરણશલાકા સ્પર્ધામાં તેરૈયા પાર્થ – પ્રથમ ક્રમાંક મેળવીને સુવર્ણચંદ્રક, સાહિત્યશલાકાસ્પર્ધામાં નાકર સાહિલ – પ્રથમ ક્રમાંક મેળવીને સુવર્ણચંદ્રક, જ્યોતિષ શલાકામાં જોશી આદિત્ય – પ્રથમ ક્રમાંક મેળવીને સુવર્ણચંદ્રક, અમરકોશકંઠપાઠમાં મહેતા પ્રશાંત પ્રથમ ક્રમાંક મેળવીને સુવર્ણચંદ્રક, શ્રીમદ્ભગવદગીતાકંઠપાઠમાં દવે પ્રિન્સ – પ્રથમ ક્રમાંક મેળવીને સુવર્ણચંદ્રક, કાવ્યકંઠપાઠમાં જાની દીક્ષિત પ્રથમ ક્રમાંક મેળવીને સુવર્ણચંદ્રક, ન્યાય વિષયના સંભાષણ સ્પર્ધામાં પંડ્યા હિમાલય પ્રથમ ક્રમાંક મેળવીને સુવર્ણચંદ્રક, મીમાંસાશલાકામાં જોશી કમલ પ્રથમ ક્રમાંક મેળવીને સુવર્ણચંદ્રક, વ્યાકરણ સંભાષણ સ્પર્ધામાં દવે પ્રતિક દ્વિતીય ક્રમાંક રજતચંદ્રક, સાહિત્ય સંભાષણમાં – મહેતા સુમંત- દ્વિતીય ક્રમાંક રજતચંદ્રક, ન્યાયશલાકામાં જાની પર્વ – દ્વિતીય ક્રમાંક – રજતચંદ્રક, વેદાંત શલાકાસ્પર્ધામાં – જોષી શ્યામ- દ્વિતીય ક્રમાંક રજતચંદ્રક, પુરાણ-ઇતિહાસશલાકામાં થાનકી મંગલ, દ્વિતીય ક્રમાંક – રજતચંદ્રક, વેદભાષ્ય સંભાષણમાં ત્રિવેદી ધ્રુવ- દ્વિતીય ક્રમાંક રજતચંદ્રક, સાંખ્ય સંભાષણસ્પર્ધામાં પંડ્યા આકાશ – તૃતીય ક્રમાંક – કાંસ્યચંદ્રક, વેદાંત સંભાષણ સ્પર્ધામાં દવે સોહમ – તૃતીય ક્રમાંક – કાંસ્યચંદ્રક, મીમાંસા સંભાષણસ્પર્ધામાં – મહેતા અભિષેક, તૃતીય ક્રમાંક – કાંસ્યચંદ્રક, અક્ષરશ્લોકી સ્પર્ધામાં જોષી દેવ – તૃતીય ક્રમાંક – કાંસ્યચંદ્રક અને સમસ્યાપૂર્તિ સ્પર્ધામાં તેરૈયા પાર્થ – તૃતીય ક્રમાંક – કાંસ્યચંદ્રક પ્રાપ્ત કર્યા હતા.
ઋષિકુમારોએ મેળવેલ આ અનોખી સિદ્ધિ બદલ પૂજ્ય ભાઇશ્રી, સર્વે ટ્રસ્ટીઓ અને સર્વે ગુરૂજનોએ ગૌરવની લાગણી અનુભવી હતી અને આશીર્વાદ સહ અભિનંદન પાઠવ્યા છે.