પોરબંદર
સરકારી શાળા કોલેજ માં અભ્યાસ કરી પોરબંદર ની યુવતી ડોક્ટર બની છે.ગઈ કાલે સરકારી કન્યા છાત્રાલય ના ખાતમુહુર્ત સમયે તેને અગ્રણીઓ એ પણ બિરદાવી હતી.
પોરબંદર ખાતે સરકારી કન્યા છાત્રાલયના ખાત મુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદિપભાઇ પરમારે આદર્શ નિવાસી કન્યા શાળાની વિવિધ ક્ષેત્રે આગળ વધેલ પૂર્વ વિધાર્થિનીઓને સન્માનિત કરી શુભેચ્છા પાઠવી હતી.આ પ્રસંગે ઉપસ્થિત રહેલ પૂર્વ વિદ્યાર્થિની મેડીકલ ઓફિસર ડો. સોનલબહેન ચાવડા આદર્શ નિવાસી શાળામાં મળેલ શિક્ષણ વિશે પોતાના મંતવ્યો રજૂ કરી ભાવુક થયા હતા.સામાન્ય પરિવારમાંથી આવતા ડોકટર સોનલ બહેને જણાવ્યું હતું કે તેઓએ પ્રાથમિક શિક્ષણ લઇને એમ.બી.બી.એસ. સુધીનો અભ્યાસ સરકારી શાળા કોલેજમાં કર્યો છે.
આદર્શ નિવાસી શાળા તેના માટે મંદિર સમાન છે.ધો.૮થી૧૦ સુધીનો અહીંથી અભ્યાસ કર્યા બાદ મેડિકલ ક્ષેત્રે આગળ વધવાની પ્રેરણા પણ અહીંથી જ તેઓને મળી હતી.તેઓના પિતા શ્રમિક છે,ખાનગી કોલેજમાં મેડિકલનો અભ્યાસ શક્ય જ ન હતો,પરંતુ રાજય સરકારની શિક્ષણલક્ષી યોજનાઓના કારણે ડોકટર બનવાનું તેઓનું સ્વપ્ન સાકાર થયું છે. વિધાર્થીઓ સરકારી શાળામાં ભણીને પણ પોતાના ધ્યેયો હાંસલ કરી શકે છે.આ પ્રસંગે ડૉ. સોનલ બહેનના પિતા નાથાભાઇએ જણાવ્યું હતું દિકરીને ડોકટર સુધીનો અભ્યાસ પૂર્ણ કરાવવો તેના માટે શક્ય ન હતો,પરંતુ સરકાર દ્વારા વિનામૂલ્યે પ્રાથમિકથી મેડિકલ સુધી શિક્ષણ મળતા તેના પરિવારનું સ્વપ્ન સાકાર થયુ છે.હાલ ભાણવડ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા સોનલબહેન સામાન્ય પરિવારની દિકરીઓ માટે આદર્શ સમાન છે.