Friday, April 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

વિશ્વ મહિલા દિવસ:જાણો દેશવિદેશની ૩૦૦૦૦ થી વધુ વિદ્યાર્થીનીઓમાં સંસ્કાર નું સિંચન કરનાર પોરબંદરના આર્યકન્યા ગુરુકુળના સ્થાપક સવિતાદીદી વિશે અને તેમની સંસ્થા વિશે

પોરબંદર

આજે સ્ત્રી ને પુરુષ સમોવડી બનાવવા માટે ભાર મુકવામાં આવે છે.ત્યારે પોરબંદર માં પુ સવિતાદીદી ના માર્ગદર્શન હેઠળ આઠ દાયકા થી વધુ સમય થી ત્રીસ હજાર થી વધુ દીકરીઓને પુરુષ સમોવડી બનાવી તેમનામાં સંસ્કારનું સિંચન કર્યું છે.

આજે સમાજ માં મહિલા સશક્તિકરણ પર ભાર મુકવામાં આવે છે.પરંતુ પોરબંદર માં રાજરત્ન શેઠ નાનજીભાઈ કાલિદાસ મહેતા એ ૮૫ વર્ષ પહેલા પણ આ અંગે વિચાર કરી આર્ય કન્યા ગુરુકુળ ની સ્થાપના કરી હતી.વડોદરા ખાતે આ પ્રકાર નું ગુરુકુળ જોઈ તેઓને સૌરાષ્ટ્ર ની વિદ્યાર્થીનીઓ માટે પણઆવા ગુરુકુળની સ્થાપના કરવાનો વિચાર કર્યો હતો.તે સમયે તેઓએ એક કાર્યક્રમ માં એવું જણાવ્યું હતું કે ગુરુકુળ ની સ્થાપના માટે જડ લક્ષ્મી નું તો પોતે રોકાણ કરશે પણ તેમાં ચેતના કોણ લાવશે.કોણ તેની જવાબદારી લેશે?. ત્યારે તેમના ૧૩ વર્ષીય પુત્રી કે જે બાદ માં સવિતાદીદી તરીકે ઓળખાયા હતા તેઓએ આંગળી ઉંચી કરી જવાબદારી લીધી હતી.

1949-50 માં લંડન યુનિવર્સિટીમાંથી ‘ડિપ્લોમા ઈન એજ્યુકેશન’ પ્રાપ્ત કર્યા બાદ સાત વિદ્યાર્થીનીઓ થી શરુ થયેલ આર્ય કન્યા ગુરુકુળના માનદ્ આચાર્યા પદે રહીને સવિતાદીદીએ દેશ વિદેશ ની અંદાજે ત્રીસ હજાર વિદ્યાર્થીનીઓના વ્યક્તિત્વનું ઘડતર કર્યું હતું.સંસ્થા ના રંજનાબેન મજીઠીયા એ જણાવ્યું હતું કે બહેનો ને પુરુષ સમોવડી બનાવવા તેઓને યજ્ઞોપવીત સંસ્કાર આપવાની પરંપરા પણ એક માત્ર ગુરુકુળ ખાતે છે.આશ્રમ પદ્ધતિની આ શાળા-મહાશાળામાં અભ્યાસ કરવા પ્રવૃત્ત થનાર વિદ્યાર્થીનીને વેદ, ઉપનિષદ, યજ્ઞ, યજ્ઞાદિ,વ્યાયામ, ભરતગૂંથણ, ચિત્રકલા, સાહિત્ય, સંગીત, નૃત્ય, નાટ્ય આદિ લલિતકલા, પાઠ્યક્રમ તેમજ કોમ્પ્યુટરનું પદ્ધતિસરનું શિક્ષણ અને તેની સામે ભારતીય સંસ્કૃતિનું વ્યવસ્થિત અધ્યયન કરવાની તક મળે છે.ઉપરાંત તેઓને સ્વ રક્ષણ માટે ની પણ તાલીમ આપવામાં આવે છે.

પુ સવિતા દીદી વિદ્યાર્થીનીઓ ના ઘડતર માટે આજીવન અપરણિત રહ્યા હતા.સંસ્થા માં અભ્યાસ કરતી દીકરીઓને માથા માં તેલ નાખી દેવાથી લઇ ને બીમાર પડે તો માથા માં મીઠાવાળા પાણીના પોતા મૂકી દેવાની કામગીરી પણ સવિતાદીદી કરતા હતા.ભારતની આ આદર્શ કન્યા કેળવણી સંસ્થાના ઉત્કર્ષ માટે સવિતાદીદીએ પોતાનું સમગ્ર જીવન ન્યૌછાવર કરી દીધું હતું.ગુરુકુળની દીકરીઓ, શિક્ષકગણ, કર્મચારીઓ સૌમાં એક પારિવારિક ભાવનાની ઉષ્મા અને અનુશાસન જોવા મળે છે.તે દીદીના પ્રેમ અને સમજદારીપૂર્ણ પરિશ્રમને આભારી છે.કડક અનુશાસનના આગ્રહી હોવા છતાં સૌના સ્નેહાદરણીય બની રહેવું એ એક વિશેષ સિદ્ધિ છે,જે સવિતાદીદીને સહજ પ્રાપ્ત થઈ હતી.૧૯૯૨ માં તેઓને સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા ડી લીટ ની પદવી એનાયત કરાઈ હતી.

નૃત્યકળા માં પણ અવ્વલ હતા સવિતા દીદી

જેમના અંગેઅંગમાં ભારતની સંસ્કૃતિના નૃત્યનો ઝંકાર હતો, જેમની આંખોમાં, પગમાં નર્તનનો નાદ અને જેમના હસ્તમાં નૃત્યની મુદ્રાઓ હરપળે હસતી-રમતી હતી, જેમના બોલમાં, ચાલમાં, હાસ્યમાં સતત નર્તનનો નિનાદ રણકતો હતો એવા સવિતાબહેન નાનજીભાઈ કાલિદાસ મહેતા ને જોતાની સાથે જ આ વ્યક્તિ કોઈ શ્રેષ્ઠ નર્તનકલાકાર છે એ પ્રથમ દૃષ્ટિએ જ એ જણાયા વગર રહે નહિ.

મુખ ઉપર રમતું મધુર સ્મિત, શબ્દોના અવાજમાં રણકતો સંગીતનો મીઠો સૂર અને પગલે પગલે વર્તાતી એમની અભિનયકલામાં પુરાતો પેલો માનવ મીઠો સંબંધ જાણે સવિતાબહેનને દીદીના હુલામણાં નામે સૌ કોઈ ઓળખતા હતા.

મનુષ્ય ધારે તો તપ, સાધના, લગન, નિષ્ઠા અને પુરૂષાર્થથી કેટલી ઊંચાઈ સર કરી શકે છે તેની પ્રતીતિ કુ. સવિતાદીદીના જીવન કાર્યો પરથી મળે છે. આ યુગામાં કોઈ એક પ્રકારમાં કે કોઈ એક વિદ્યામાં પારંગત ઘણા કલારત્નો જોવા મળે છે, છતાં એક નહીં અનેક વિષયોમાં સાહજિત રીતે પ્રાવિણ્ય ધરાવતા કલારત્નો દુર્લભ ગણાય છે.

કુ. સવિતાદીદીની જીવન સાધના બહુ આયામી પાસા પાડેલ હીરા જેવી તપસ્વી રહાી છે. મુખ્યત્વે તેમનું પ્રદાન મણિપુરી નૃત્ય વિશારદ તરીકે, નારી સ્વાતંત્ર્યના મશાલચી તરીકે, સ્ત્રી શિક્ષણના પ્રસારક તથા પ્રયોગકર્તા તરીકે, સાહિત્ય, ધર્મ, સંસ્કૃતિ, લોક સંસ્કૃતિ, ઇતિહાસ, પુરાતત્ત્વ તથા જીવન ધર્મ સંસ્કૃતિના પરિવ્રાજક તરીકે શિષ્ટ માન્ય બન્યું છે.

મણિપુરી નર્તનમાં સોલો (એકાકી) નૃત્યના પ્રયોગો તેમણે સૌ પ્રતમવાર કરીને મણિપુરી નર્તનાચાર્યોની પ્રશંસા મેળવીને તેમણે આ પ્રાચીન કલામાં નતૂન તત્ત્વોને આવિષ્કાર કરનાર દેશના સૌ પ્રથમ મહિલા બનવાનું સન્માન પ્રાપ્ત કર્યું.

દીદીની મણિપુરી નૃત્યશૈલીની સાધના અને સિદ્ધિને બિરદાવવા માટે મહારાણી ધનમંજરી દેવીએ તેમને ‘ધ્વિતિય ઉષા’ ના બિરૂદથી સન્માન્યા. (ભગવાન કૃષ્ણાના પૌત્રવધૂ બાણા સુરના પુત્રી પ્રથમ ઉષાએ ધ્વારિકાના ગોપીઓને લાસ્ય નર્તન શીખવ્યું હતું.) આવી જ રીતે મણિપુરીના મહારાજા સ્વ. બોધચંદ્રસિંઘે છેલ્લા બસો વર્ષમાં કોઈને એનાયત ન કરાઈ હોય એવી ‘મૈતેયી જગોઈ હંજબી’ (મણિપુરી નર્તન-ગુરૂ) ની પદવી અર્પણ કરી મણિપુરી નૃત્યના ઉત્તોમત્તમ પુરસ્કર્તા તરીકેની સ્વીકૃતિ આપી હતી. આ ઉપરાંત મણિપુરની શ્રી ગોવિંદજી મંદિરની બ્રહ્મસભા પાસેથી ‘નર્તનાચાર્ય’ની માસ્ટર્સ ડીગ્રી મેળવનારા તેઓ સર્વ પ્રથમ છે. ‘નૃત્યરત્ન’, ‘જય પત્ર એવોર્ડ’ ઉપરાંત મણિપુરનું એક વધુ પ્રતિષ્ઠિત બિરૂદ ‘ચન્દ્રપ્રભા’ પણ તેઓને અર્પણ કરાયું છે. ગુજરાત નૃત્ય નાટ્ય અકાદમીએ તેઓને મણિપુરી નૃત્યકલા માટે તામ્રપત્ર અર્પણ કર્યું હતું. મણિપુરી રાજ્યની કલા અકદામીએ તેઓને ફેલોશીપ અર્પણ કરી હતી.

નવી દિલ્હીના બૃહદ મહારાષ્ટ્ર મંડળે મણિપુરીનૃત્ય અને સંસ્કારના ક્ષેત્રે ઉચ્ચપ્રદાન બદલ તેમનું બહુમાન કર્યું હતું. આવું બહુમાન મેળવનારા તેઓ એકમાત્ર બિન મહારાષ્ટ્રિય છે. જ્યારે ગુજરાતે સવિતાદીદીને ‘વિશ્વગુર્જરી’ના પ્રતિષ્ઠિત એવોર્ડથી વિભૂષિત કરેલ છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પોરબંદર આર્ય કન્યા ગુરુકુળની તપોભૂમિ પર આવીને તેઓશ્રીને ‘ડી.લીટ.’ ની પદવી એનાયત કરી તેમની શિક્ષણ, કલા અને સંસ્કૃતિ પ્રત્યેની પ્રીતિને નવાજી છે જ્યારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસીંઘ ‘યોગ શીરોમણિ’ના ઈલ્કાબથી દીદીને નવાજ્યાં હતા.

કલા સ્વામિનીનું વિશ્વ ભ્રમણ

આ નૃત્યકલાનું નિદર્શન કરાવવા સવિતાદીદીએ વિશ્વપરિભ્રમણ કરીને સ્વીટ્ઝરલેન્ડ, જીનીવા, પેરીસ, ઈંગ્લેન્ડ, યુગાન્ડા, કેન્યા અને ટાંઝાનિયા સહિતના દેશો તથા મુંબઈ, દિલ્હી, મદ્રાસ, કલક્તા, ગૌહાતી, અમદાવાદ, પોરબંદર, રાજકોટ સહિતના ભારતના પ્રમુખ નગરોના સંસ્કારી નાગરિકોને રસ અને ભાવની સૃષ્ટિમાં રમમાણ કરાવ્યા હતા તેમજ નૃત્યશૈલીની કમનીય કલાના નિદર્શનો આપીને કલા વિવેચકોની ચાહના પ્રાપ્ત કરી હતી.

પ્રાચીન – અર્વાચીન શિક્ષણ પ્રણાલીનો અદ્ભૂત સમન્વય

આપણા સમાજમાં જ્યારે શિક્ષણ નિસ્તેજ થતું જાય છે અને અધ્યાપકોની નિષ્ઠા ઘસાવા માંડી છે તેવી પરિસ્થિતિમાં સમગ્ર ભારતમાં આર્ય કન્યા ગુરુકુળ નમની મહિલા સંસ્થાએ જીવનલક્ષી શિક્ષણના સંસ્કારોનું સિંચન કરીને અગ્રસ્થાન મેળવ્યું છે. પોરબંદરમાં આ સંસ્થાને પ્રસ્થાપિત થયે 80 વર્ષ થયા. આર્ય કન્યા ગુરુકુળની પરિકલ્પના હતી, તેના સંસ્થાપક રાજરત્ન શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતાની પણ તેમનામાં આત્મા રેડી અનન્ય અને અપૂર્વ આકૃતિ અર્પી કુ. સવિતાદીદીએ. પિતાએ મંગલ પ્રયાણ કર્યું. આ પ્રવૃત્તિમાં પુત્રીએ પ્રાણ રેડ્યા અને જગતને ઉત્તમ દ્રષ્ટિવંત નારીઓની ભેટ આપી.

આર્ય કન્યા ગુરુકુળના વાર્ષિક રસોત્સવમાં નૃત્ય કલા વિશારદ સવિતાદીદીએ 50 થી પણ વધુ નૃત્યનાટિકાનું દિગ્દર્શન કરીને ઉત્તમ કથાવસ્તુ, ઉત્કૃષ્ટ અભિનય, આકર્ષક નૃત્યમુદ્રાઓ, સર્વોચ્ચ સન્નિવેશ, અનુપમ વસ્ત્રો, આભૂષણો અને ક્ષણેક્ષણનો કલાસભર ઉપયોગ કરીને ગુજરાતને ચરણે કલાસભર પ્રયોગોની હારમાળા રચી હતી.

સ્વ. નાનજીભાઈ મહેતા શતાબ્દી વર્ષની ઉજવણી પ્રસંગે દીદી દિગ્દર્શિત સત્યવાન સાવિત્રીની અમર ગાથા રજૂ કરતી નૃત્ય નાટિકા ‘મૃત્યુ પર વિજય’ ના ઈંગ્લેન્ડની ધરતી પર વિભિન્ન નગરોમાં છ પ્રયોગો અને આફ્રિકામાં દસ પ્રયોગો થયા હતા અને ભારતના પ્રમુખ નગરોમાં અનેક પ્રયોગોએ કલા રસિકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

ઉત્તમ વિચારક, પ્રભાવશાળી વક્તા

તેઓ ઉત્તમ વિચારક અને પ્રભાવશાળી વક્તા છે. તેમણે અત્યાર સુધીમાં હજારો શ્રોતાઓ સમક્ષ જે પ્રવચનો આપ્યા છે તે મુદ્રિત સ્વરૂપે પ્રગટ કરવામાં આવે તો અનેક વિષયો પરના મહાગ્રંથો નિર્માણ થઈ શકે એવી સામગ્રી એમાં પડી છે.

દીદી અભ્યાસ નિષ્ઠ સન્નારી છે. તેમના રસના વિષયો ધર્મ, આધ્યાત્મ, જ્યોતિષ, ગૃહવિજ્ઞાન, સંસ્કૃત, સાહિત્ય, ઇતિહાસ, ભૂગોળ, ખગોળ, પ્રાણી અને વનસ્પતિ શાસ્ત્ર, પુરાતત્ત્વ અને સંશોધન, મણિપુરી સહિતની અન્ય નૃત્ય કલાઓ આ અને આવા અન્ય વિષયો ઉપર દીદીનું પ્રભુત્વ એક અભ્યાસીને છાજે એવું ગૌરવવંતુ રહ્યું છે.

ડૉ. સવિતાદીદીએ મણિપુરી નૃત્યશૈલીના આરાધકો અને ઉપસકોને વર્ષો સુધી પ્રેરણા મળી રહે તેવા હેતુથી આ નૃત્ય શૈલીને અભ્યાસનો વિષય બનાવી વીસ વર્ષો કરતા પણ વધારે વર્ષોથી અધ્યયન, ચિંતન અને મનન કરી 400 પાનાનો ‘મણિપુરી-નટ સંકિર્તન’ મહાગ્રંથ તૈયાર કરેલ છે.

આ ગ્રંથમાં નૃત્ય શૈલીના, મૃદંગના તેમજ કરતાલના બોલ સહિત નર્તન શૈલીના વિવિધ નોટેશન ઉપરાંત મણિપુરી નર્તન શૈલીના સંકિર્તનની વિધિઓના વિવિધ ખંડો, રાગાનુવર્તીક્રમ, તાન ચપ, મેનકુપ જેવા અંગ ઉપાંગો અને તેની ભાવ મુદ્રાઓ અભિવ્યક્ત કરતા રેખા ચિત્રો અને સ્વરાંકનના પ્રત્યેક બોલને પગથી પાથીને, મૃદુંગના તાલને, મંજીરીના ગાનને ઉચિત વેશભૂષા, સાજ સજ્જાના તાદ્શ્ય ચિત્રો દ્વારા ભારતીય પ્રકાશિત નૃત્ય ગ્રંથોમાં જેને કદાચ પ્રથમ કહી શકાય તેવું આ અલભ્ય સંશોધન છે.

નવેમ્બર 2011 માં પોરબંદરમાં યોજાયેલ આર્ય કન્યા ગુરુકુળના અમૃત મહોત્સવના શુભારંભ અવસરે આ ગ્રંથનું વિમોચન કરતા નૃત્યાંગના હેમામાલિનીએ જણાવેલ કે આ સુપ્રસિદ્ધ ગ્રંથમાં જે રીતે નૃત્યશૈલીની સમૃદ્ધ માહિતી આપેલ છે તેને એક જ ગ્રંથમાં સમાવી સહેલી નથી. આ ગ્રંથ મણિપુરી નૃત્ય શૈલીના ભાવવિશ્વમાં ડૂબકી લગાવનારને આ નૃત્ય શૈલીના પ્રભાવક તત્ત્વોનો પરિચય મળી રહેશે તેમજ મણિપુરી નૃત્ય શૈલીના સાધકો, આરાધકો અને નર્તકો માટે ડૉ. સવિતાદીદીની વર્ષો પર્યન્તની સાધનાનું પાથેય બની રહેશે.

આર્ય કન્યા ગુરુકુળ સંકુલ વિશે

પુત્ર-પુત્રીના સમાન સંસ્કાર, સ્ત્રીને પણ વેદ ભણવાના અધિકાર, જાતિ-પ્રાંતિના ભેદભાવ વિનાનો સમાજ તેમજ છૂતાછૂત અને ધર્મના નામના આડંબરોમાંથી મુક્ત એવું આર્ય કન્યા ગુરુકુળ કન્યા કેળવણી ક્ષેત્રે છેલ્લાં ૮૫ થી પણ વધુ વર્ષથી અનન્ય યોગદાન આપી રહેલ છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મસ્થાન – પોરબંદરમાં લગભગ 90 એકરની તપોભૂમિમાં સાદા છતાં ગૌરવભર્યા ઘુમ્મટોથી શોભતા આર્ય કન્યા ગુરુકુળના શિક્ષા મંદિરો પથરાયેલ છે.

પ્રાતઃકાળે કે સંધ્યાકાળે અચાનક પહોંચી ગયેલા દર્શકોને બ્રહ્મચારીણીઓ ધ્વારા થતા વેદગાન અને યજ્ઞ-ધૂપથી પવિત્ર થયેલું વાતાવરણ સ્પર્શયા વિના રહી નથી શકતું. કાર્યક્રમોના આરંભમાં કન્યાઓ ધ્વારા થતો સસ્વર વેદપાઠ, ધનપાઠ કે જટાપાઠ મંત્રદ્રષ્ટા ઋષિઓના આશ્રમોના તેજસ્વી ભૂતકાળને વર્તમાનમાં ફેરવી નાખીને સદૃશ્યો મંત્રમુગ્ધ કરી દેતો પ્રાપઃ સહુએ અનુભવ્યો છે. ‘નમસ્તે’ નાં મીઠા રણકારથી સ્વાગત પામતાં અતિથિઓએ તીર્થયાત્રાએ આવ્યાની ધન્યતા અનુભવી છે. આમ વર્તમાનની પશ્ચિમના અંધઅનુકરણની દોડ વચ્ચે સંસ્કાર, શિક્ષણ અને સંસ્કૃતિના સનાતન મૂલ્યો સાચવતા આ ગુરુકુળમાં સેંકડો બહેનો નાત, જાત કે ધર્મના ભેદભાવ વગર અભ્યાસ કરી રહી છે. જ્યારે વિતેલા ૮૫ વર્ષ દરમ્યાન 30,000 થી વધુ દીકરીઓ આ ગુરુકુળમાંથી ધર્મમય શિક્ષણ અને વિશુદ્ધ ભારતીય સંસ્કૃતિના પાન કરીને દેશ-વિદેશમાં સંસ્કાર-દીવડીઓ થઈને વસી ગઈ છે.

ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ થી લઈને પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભાદેવી પાટીલ તેમજ ભૂતપૂર્વ વડાપ્રધાનો પંડિત જવાહરલાલ નહેરુ, ઈંદિરા ગાંધી, મોરારજીભાઈ દેસાઈ, રાજીવ-સોનિયા ગાંધી, પ્રવર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ધર્મગુરુ શંકરાચાર્ય અને દલાઈલામા જેવા અનેક વૈશ્વિક મહાનુભાવો જેના આંગણે અતિથિ બની ચૂક્યા છે એવું પોરબંદરનું આર્ય કન્યા ગુરુકુળ વિદેશી સંસ્કૃતિના વાવાઝોડા સામે હજી પણ ભારતની પ્રાચીન પરંપરાઓ અને સ્વર્ણિમ ઇતિહાસને સાચવતું અડીખમ ઊભું છે.

ધોરણ 5 થી 12 સુધીના આર્ટસ, કોમર્સ અને હોમસાયન્સના અભ્યાસ વર્ગો સાથેની આ આશ્રમિક સંસ્થામાં બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 તેમજ 12 ની પરીક્ષાઓમાં ગુરુકુળની છાત્રાઓનું પરિણામ લગભગ 99 થી 100 ટકા જેટલું આવે છે. આ ઉપરાંત ભારતની અન્ય નામાંકિત સંસ્થાઓ દ્વારા લેવાતી હિન્દી, સંસ્કૃત, ડ્રોઈંગ તેમજ સંગીતના વિષયોની પરીક્ષાઓમાં પણ ગુરુકુળ છાત્રાઓ સદાય મોખરે રહે છે.

ઇત્તર પ્રવૃતિઓ

ગુરુકુળમાં અન્ય શાળાઓની જેમ જ નિર્ધારિત અભ્યાસક્રમ, કમ્પ્યુટરની તાલીમ વગેરે ખરું જ. તદ્ઉપરાંત નીતિ શિક્ષણ ભણાવવામાં આવે છે જેથી એક ઉમદા માનવી બનવાના ગુણો બહેનોમાં વિકસે. ઉપનિષદ અને વૈદિક શાસ્ત્રોના અભ્યાસનું પણ એટલું જ મહત્ત્વ. શારીરિક શિક્ષણ અન્વયે કન્યાઓને પ્રાણાયામ અને યોગાસનો ઉપરાંત અનેક પ્રકારની અંગકસરતો, ભાલાફેંક, તલવારબાજી, છરાફેંક, લાઠીદાવ, ધનુષવિદ્યા જેવી તાલીમ આપવામાં આવે છે. આજના સમયમાં સ્ત્રીઓ બહારના ક્ષેત્રમાં કામ કરતી થઈ હોવાથી સુરક્ષા અંગે વધુ જાગૃત થવું જરુરી બન્યું છે આથી કરાંટે, કૂંગફૂ જેવી તાલીમ પણ વિદ્યાર્થીનીઓને આપવામાં આવે છે. ગુરુકળમાં એન.સી.સી.ની તાલીમ પામેલી છાત્રાઓ દિલ્હીમાં પ્રજાસત્તાક દિનની પરેડ માટે પણ અનેકવાર પસંદ થઈ છે. અભ્યાસ ઉપરાંત ગીત-સંગીત, નૃત્ય, નાટ્ય, ચિત્રકામ, સીરેમીક સહિતની અનેકવિધ કલાઓ શીખવા માટેની અત્રે શ્રેષ્ઠ વ્યવસ્થા છે. જ્યારે કન્યાઓ એક સારી ગૃહિણી બની શકે તે માટે રસોઈ, ભરત-ગુંથણ જેવી અનેક ધનિષ્ઠ તાલીમો દ્વારા આ સંસ્થા તેની છાત્રાઓનું સર્વાંગી ઘડતર કરી સમાજને શ્રેષ્ઠ નારીરત્નોની ભેટ આપતી રહી છે.

સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ

સાંસ્કૃતિક કાર્યક્રમો ગુરુકુળના પ્રાણ સમા છે. બધા જ ધાર્મિક, સામાજિક તહેવારોની ઉજવણી રસપ્રદ કાર્યક્રમો દ્વારા ઉલ્લાસભેર થાય. ગુરુકુળના ચરણે જેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે એવા ડૉ. સવિતાદીદી – એક આજીવન કલાસાધિકા હતા. મણિપુરી નૃત્યમાં ભારતના પ્રથમ મહિલા નૃત્યાચાર્ય બનનાર સવિતાદીદીનું જીવન ધ્યેય એ જ હતું કે ગુરુકુળને વટવૃક્ષ બનાવવું અને વિવિધ કલાઓથી એને અજવાળવું. અનેક નૃત્યનાટિકાઓ અને ઉચ્ચ કોટિના સાંસ્કૃતિક કાર્યક્રમો એમણે સમાજને આપ્યા છે. ગુરુકુળની છાત્રાઓ દ્વારા ભજવાયેલ સત્યવાન – સાવિત્રીના જીવન પર આધારિત ‘મૃત્યુ પર વિજય’ નૃત્ય નાટિકાના પ્રયોગો પોરબંદર, અમદાવાદ, મુંબઈ ઉપરાંત વિદેશની ધરતી પર – ઇંગ્લેન્ડમાં છ અને પૂર્વ આફ્રિકામાં દસ કાર્યક્રમો અભૂતપૂર્વ સફળતાને વર્યા હતા.

જ્યારે સુપ્રસિદ્ધ ભાગવતાચાર્ય પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના નેતૃત્ત્વ હેઠળ યોજાયેલ સાંદીપનિ મંદિર મહોત્સવ વેળાએ 35,000 થી પણ વધુ રસિકજનોની ઉપસ્થિતિ વચ્ચે પ્રસ્તુતિ પામેલ આ નૃત્ય નાટિકાએ સહુ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રશંસા પામેલ નૃત્ય નાટિકા ‘સોળ સંસ્કાર’ ની મુંબઈ, સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, રાજકોટ, જામનગર તેમજ પોરબંદરમાં થયેલ પ્રસ્તુતિ પ્રશંસનીય બની હતી.

ઘણા વર્ષો પછી પણ ગુરુકુળ તપોભૂમિની મુલાકાતે દેશ-વિદેશથી આવતી કેટલીયે કુલપુત્રીઓને પોતાના પતિ અને બાળકોની સામે જ કુલભૂમિને વંદન કરતી અને ત્યાંની રજ ની પોટલી શ્વસુરગૃહે લઈ જઈ જોઈને એમના ગુરુજનોની ભીની થતી આંખો ગુરુકુળના નામને આજે પણ સાર્થક કરતી રહી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે