પોરબંદર
પોરબંદર સીટી સર્વે સુપ્રીટેન્ડન્ટે કચેરીના કર્મચારીઓ ખાતાકીય પરિક્ષા આપવા ગયા હોવાથી તેનું અર્બન ઈ ધરા કેન્દ્ર અઠવાડીયા સુધી બંધ રહેશે.તેવી નોટીસ કચેરી બહાર લગાડવામાં આવી છે.જેના પગલે અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો છે.અને આ અંગે કલેકટરને પણ રજૂઆત કરવામાં આવી છે.
પોરબંદરમાં જિલ્લા સેવા સદન -૧ ખાતે આવેલી સીટી સર્વેની કચેરીમાં સીટી સર્વે સુપ્રીટેન્ડેન્ટ નો હુકમ હોવાનું જણાવી નોટીશ લગાડવામાં આવી છે.જેમાં જણાવ્યું છે કે તા. ૧-૧ થી તા. ૭-૧- સુધી કચેરીના તમામ કર્મચારી ખાતાકીય પરીક્ષામાં ગયા હોવાથી તે સમય દરમ્યાન અર્બન ઇ-ધરા કેન્દ્ર બંધ રહેશે. તેમજ કામગીરી અન્વયે સુપરીટેન્ડન્ટ કચેરી- બ્લોક નં. ૩૧૩ ત્રીજા માળનો સંપર્ક કરવા પણ નોટીસ માં જણાવાયું છે.જેથી અનેક અરજદારો ને આજે ધક્કો થયો હતો.
આથી અરજદારોએ રોષપૂર્વક જણાવ્યું હતું કે તેઓ પ્રોપર્ટીકાર્ડ કઢાવવા ઉપરાંત અરજી અને અન્ય માહિતી માટે આવ્યા હતા.પરંતુ કચેરી બંધ હોવાથી તેઓને ધક્કો થયો છે.સ્ટાફ પરીક્ષા આપવા ગયો હોય તો અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ.જેથી અરજદારો ને પરેશાની ભોગવવી ન પડે.પરંતુ અહી તો સરકારી કચેરી અધિકારીઓ ની ખાનગી મિલકત હોય તેમ નોટીસ મૂકી તાળા લગાવી દેવાયા છે.જેથી એક અઠવાડિયા સુધી પ્રોપર્ટી કાર્ડ કાઢવાની કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થશે અને તેના કારણે લોકોને પણ હેરાનગતી ભોગવવી પડશે.જે કર્મચારીઓ પરીક્ષા આપવા ગયા છે.તે અંગેની જાણ પણ ઉચ્ચ અધિકારીઓને અગાઉથી કરી હશે.તેમ છતાં શા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં ન આવી તેવા સવાલો પણ અરજદારો ઉઠાવી રહ્યા છે.
એક બાજુ સુશાસન અઠવાડિયા ની ઉજવણી ચાલી રહી છે.બીજી તરફ મહત્વ ની સરકારી કચેરી ને એક સપ્તાહ સુધી અલીગઢી તાળા લગાવી દેવામાં આવ્યા છે.જેથી આ અગે કલેકટર ને પણ રજૂઆત કરવામાં આવી છે અને યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ કરાઈ છે.