પોરબંદર
પોરબંદરનાં રાણાવાવ ખાતે ગત તા. ૭ માર્ચના રોજ ઇંગ્લેંડથી પોતાના મિત્ર સાથે આવેલા ઝોન યુ ભારતીય સંસ્કૃતિ અને કાઠિયાવાડી યજમાનગીરીના ચાહક બની ગયા છે. ૩૪ વર્ષિય ઝોન યુ સરકારના નિયમોનું પાલન કરીને લોક ડાઉનનનો સદ ઉપયોગ કરી ખેતી કામ, મણીયારો રાસ શીખી, પશુની માવજત કરી ને ર મહિનામાં ૧૦ કિલો જેટલો વજન ઓછુ કર્યું છે.
ઇંગ્લેંડના કેમ્બ્રિજમાં રહેતા ઝોન યુ પોતાના મિત્ર રામભાઇ મોઢવાડીયા સાથે લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત રહેવા અને ભારત દર્શન કરવા તા. ૭ માર્ચના રોજ રાણાવાવ આવ્યા હતા. અહીં આવ્યા બાદ તે પોરબંદરનાં કુદરતી સૌદર્યથી પ્રભાવિત થઇને ખેતીના તમામ કામ, મરચા રોપવા, ભેંસ ને પાણીથી ધમારવી, પશુ માટેનો લીલો ચારો કાપવો, મણિયારો નૃત્ય શીખવુ, બિસ્લેરીના બદલે વાવનું કુદરતી પાણી પીવુ, નાળયેરીના ખામણા કરવા, ભર બપોરે ઉપનેરમાં કામ કરીને ઝોન સંપુર્ણ ખેડુત બની આ પ્રદેશ પ્રત્યે વિશેષ લાગણી વ્યક્ત કરી પોતાનું તખલ્લુસ નામ ભુરાભાઇ રાખ્યુ છે. અચાનક સમગ્ર દેશમાં કોરોનાને લીધે ભારત સરકારે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરતા આ યુવાનને તેના મિત્રના ઘરે જ રહેવાનુ થતા આ યુવાને સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિ વિશે જાણી તેનાથી પ્રભાવિત થયા છે .અને વિવિધ નૃત્યો રાસ વિશે રસ પડતાં તેના વિશે ઘણું જાણવાનું શીખવાનું શરૂ કરી ઝોને લોકડાઉનનો સદઉપયોગ કર્યો છે.
ઝોન યુ કહે છે કે, અમે કેમ્બ્રિજથી આવ્યા હોવાથી પોરબંદર આરોગ્ય વિભાગની ટીમ બે વખત મારા આરોગ્યની તપાસણી કરી ઘરે જ રહેવા સલાહ આપે છે. લોકડાઉન દરમિયાન મે ખેતીનું કામ શીખ્યુ, ભારતીય સંસ્કૃતિના દર્શન કરાવતી રામાયણ અને કિષ્ના સીરિયલ હું ટીવી પર જોઉં છું, આ ઉપરાંત હિન્દી ફિલ્મ શોલે હું વારંવાર જોવાની સાથે મિત્રો સાથે સામાજિક અંતર, વારંવાર હાથ ધોઉ છું અને લોકોને પણ અપીલ કરૂ છુ કે, ઘરની બહાર નીકળો તો માસ્ક અચુંક પહેરો, સામાજિક અંતર રાખો તથા હાથ વારંવાર સાબુથી ધોયને કોરોનાના સંક્રમણને અટકાવો. રામભાઇએ કહ્યુ કે, હું અને ઝોન મારા નાનાભાઇનાં મેરેજમાં આવ્યા હતાં. છેલ્લા બે મહિનામાં ઝોન પોરબંદરની ભૂમિથી ખુબ જ પ્રભાવિત થયો છે તથા ભવિષ્યમાં કાયમી અહીં વસવાટ કરીને સામાજિક કાર્યમાં મદદરૂપ થવાની ઇચ્છા રાખી મોટુ ફાર્મ હાઉસ બનાવીને ગરીબોને મદદરૂપ થવાની સંવેદના ધરાવે છે. કેમ્બ્રિજ યુનિમાં અર્થશાસ્ત્રમાં માસ્ટર કરનાર ઝોન રાણાવાવનાં કુદરતી સૌદર્યથી ખુબ જ પ્રભાવીત થયો છે.
જીવી બહેને કહ્યુ કે, ઝોન અમારા પરિવારનો સભ્ય બની ગયો છે. તેમને શાક, રોટલો, છાશ અને ખાસ કરીને ખીચડી ખુબ જ ભાવે છે. આમ બ્રિટનનો ઝોન કાઠીયાવાડી યજમાનગીરીથી તથા બરડાનાં ગોદમાં આવેલા રાણાવાવનાં કુદરતના નીતરતા સૌદર્યથી ખુબ જ પ્રભાવિત થવાની સાથે તેમણે લોકડાઉનનો સદઉપયોગ કર્યો છે.
જુઓ આ વિડીયો