પોરબંદર
રાણાવાવ ગામે નગરપાલિકા દ્વારા ભુગર્ભગટરના પાણી નદીમાં છોડવામાં આવતા મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા હોવા અંગે ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે.
રાણાવાવ ખાતે આવેલ હોલેશ્વર મહાદેવ મંદિરના ભક્તો દ્વારા ચીફ ઓફિસર ને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે રાણાવાવ બાયપાસ રોડ પર ભોરાસરવારા રસ્તે રાણાવાવની એક માત્ર નદી આવેલ છે.આ નદીના કિનારે હોલેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે.આ મંદિર નદીની ત્રણેય સાઇડથી ઘેરાયેલ છે.જેના દક્ષિણ દિશાના છેડામાં રાણાવાવ નગરપાલિકાનું ભુર્ગભ ગટરનું દુષિત પાણી છોડવામાં આવે છે.આ પાણી પ્રદૂષિત હોવાના કારણે અત્યાર સુધી તો મંદિર પટાંગણમાં બેસવું પણ મુશ્કેલ બનતું હતું.
અને હાલમાં આ પ્રદૂષિત પાણીના કારણે મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં જોવા મળેલ છે.આ અસંખ્ય માછલાઓને કારણે કોઇ રોગચાળાને આમંત્રણ મળે તેવું જણાઈ રહ્યું છે.આથી હજારો નિર્દોષ જીવોની હત્યાઓ રોકી તાત્કાલિક ધોરણે યોગ્ય નિર્ણય લઇ આ પાણીનો આગળના ભાગમાં નિકાસ કરવામાં આવે અને મંદિર પટાંગણને સ્વચ્છ અને પવિત્ર રાખવામાં પૂરતો સહયોગ મળે તેવું જણાવ્યું છે.વધુ માં એવું જણાવ્યું છે કે આ પવિત્ર મંદિરની પાસે ત્રણ બાજુએ નદી વહે છે.તેથી આ નદી સંપૂર્ણ પણે પ્રદૂષિત બની ગઇ હોવાથી વહેલી તકે યોગ્ય કરવા પણ જણાવ્યું છે.