પોરબંદર
સરકારી વિનયન કોલેજ,રાણાવાવના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા ‘મનોસંવાદ’ અંતર્ગત ‘આત્મહત્યા: આધુનિક યુગની જટિલ સમસ્યા’ નામની એક શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી હતી.આ શોર્ટ ફિલ્મમાં સમાજમાં સતત વધી રહેલા આત્મહત્યાના બનાવો સામે જનજાગૃતિ લાવવાના હેતુ સાથે સમાજને મહત્ત્વપૂર્ણ સંદેશ આપવા માટે બનાવવામાં આવી હતી.મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ.મયુર ભમ્મરના માર્ગદર્શન હેઠળ ‘ટિમ સાયકોલોજી’ના વિદ્યાર્થીઓ દ્વારા અદ્ભૂત શોર્ટ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું હતું.કોલેજના આચાર્યશ્રી ડૉ.કે. કે. બુધભટ્ટીની વિશેષ ઉપસ્થિતિમાં અને પ્રેરણાત્મક માગદર્શન સાથે આ શોર્ટ ફિલ્મની રજૂઆત કરવામાં આવી હતી.
આ શોર્ટ ફિલ્મ નિદર્શનના કાર્યક્રમમાં ડૉ. બુધભટ્ટી સાહેબે વિદ્યાર્થીઓને આત્મહત્યા જેવી જટિલ સમસ્યા અને તેનાથી બચવા અંગે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.અને શોર્ટ ફિલ્મ બનાવનાર ‘ટિમ સાયકોલોજી’ને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.આ તકે કોલેજના સિનિયર અધ્યાપક ડૉ. કે.પી. બાકુ દ્વારા પણ આત્મહત્યા અને જીવનના મૂલ્ય અંગે મનનીય સંદેશ આપવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં કોલેજના તમામ વિદ્યાર્થીઓ અને કોલેજ સ્ટાફ પરિવારે સાથે મળીને શોર્ટ ફિલ્મ નિહાળી હતી.મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડો. મયુર ભમ્મર દ્વારા વિદ્યાર્થીઓને સફળ શોર્ટ ફિલ્મ બદલ અભિનંદન પાઠવવાની સાથે આવનારા સમયમાં નૂતન વિચાર સાથે ફરી લોકોપયોગી અને જનજાગૃતિના હેતુ સાથે ઉત્તમ કૃતિનું સર્જન કરવા માટેનું આહ્વાન કર્યું હતું.અંતે આભારવિધિ સાથે કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.