પોરબંદર
ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા “કેન્દ્રીય પુરસ્કૃત યોજના ફેસ-૩” અંતર્ગત 100 સીટો વાળી દેશમાં કુલ 75 નવી મેડિકલ કોલેજો શરૂ કરવા જાહેર કરવામાં આવ્યું હતું.જેના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં પણ 325 કરોડના ખર્ચે નવી મેડિકલ કોલેજ ફાળવવામાં આવી હતી.આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરે તા. 24/12/2020ના રોજ કેન્દ્રીય પુરસ્કૃત યોજના ફેસ-3 અંતર્ગત ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી હસ્તક પોરબંદર ખાતે નવી મેડિકલ કોલેજ મંજૂર કરવામાં આવેલ હતી.
આ મેડિકલ કોલેજ માટે નેશનલ મેડિકલ કાઉન્સિલ નવી દિલ્હી દ્વારા તા. 11/8/2021ના રોજ પોરબંદર ખાતે ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. તેની સુનાવણી તા. 12/10/2021ના રોજ રાખવામાં આવેલ હતી. તે સુનાવણીમાં નેશનલ મેડિકલ કાઉન્સિલ દ્વારા પોરબંદરમાં મેડિકલ કોલેજ શરૂ કરવા માટે પૂરતી સુવિધાઓ અને મેનપાવર નહીં હોવાનું જણાવી જે તે વખતે નવી મેડિકલ કોલેજ નામંજૂર કરવામાં આવેલ હતી.
◆ રી-ઇન્સ્પેકશન માટે JCI દ્વારા કરાઈ હતી રજુઆત
નેશનલ મેડિકલ કાઉન્સિલ દિલ્હી દ્વારા પોરબંદરમાં નવી મેડિકલ કોલેજ નામંજૂર થયાની માહિતી મળતાં જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના આરોગ્ય મંત્રીઓને તા. 27/11/2021ના રોજ વિગતવાર પત્ર લખીને પોરબંદરની આ મેડિકલ કોલેજ શરૂ કરવા માટે જરૂરી ખૂટતી સુવિદ્યાઓ પૂર્ણ કરી રી-ઇન્સ્પેકશન માટે રજુઆત કરી હતી.
રી-ઇન્સ્પેકશન માટે જેસીઆઈ પોરબંદર દ્વારા થયેલી તા. 27/11/2021ની રજુઆતના અનુસંધાને મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આરોગ્ય વિભાગના અગ્ર સચિવને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી માટે લેખિત આદેશ આપવામાં આવતા તા. 21/12/2021ના રોજ પોરબંદર મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડિન દ્વારા ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને રી-ઇન્સ્પેકશન માટે અપીલ અરજી કરવામાં આવી હતી.
આથી આ અપિલ અરજીના અનુસંધાને તા. 4/3/2022ના રોજ નેશનલ મેડિકલ કાઉન્સિલ NMCની કેન્દ્રીય ટિમ પોરબંદરની મેડિકલ કોલેજના રીઇન્સ્પેકશન માટે આવી પહોંચતા જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયા અને સેક્રેટરી પ્રિન્સ લાખાણીએ કેન્દ્રીય ટીમના અધિકારીઓ સાથે રૂબરૂ મુલાકાત કરીને પોરબંદરમાં તાત્કાલિક મેડિકલ કોલેજ શરૂ કરવા રજુઆત કરી હતી.