Wednesday, December 4, 2024

|| तुम रक्षक काहू को डरना ||

માધવપુર ના મેળા માટે પોરબંદર જિલ્લા વહીવટીતંત્રની તડામાર તૈયારીઓ

પોરબંદર

પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે યોજાનાર માધવપુર ઘેડનો મેળો રાષ્ટ્રીય ફલક પર સાંસ્કૃતિક પર્વ તરીકે ઉજાગર થઇ રહ્યો છે.મેળાના પ્રારંભે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ તેમજ ઉત્તર-પૂર્વ રાજ્યના મુખ્યમંત્રીઓ અને ગુજરાતના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો મહેમાન તરીકે પધારવાના હોય તેમજ મેળામાં આવનાર ભાવિકો પ્રવાસીઓ માટે ઉત્તર પૂર્વ અને પશ્ચિમ ના સાંસ્કૃતિક સમન્વયને જોડતી ગરિમામય સાંસ્કૃતિઓ પણ રજૂ થવાની હોવાથી આ તમામ કાર્યક્રમોને લઈને જિલ્લા વહીવટીતંત્ર પોરબંદર ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ કરી રહ્યું છે.

માધવપુર ઘેડમાં યુવક સેવા, સાંસ્કૃતિક વિભાગ ,પ્રવાસન વિભાગ, ઉદ્યોગ વિભાગ, કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય તેમજ અન્ય વિભાગોના સંકલનથી જિલ્લા વહીવટીતંત્ર પોરબંદર દ્વારા અનુસંગીક વ્યવસ્થાઓ તેમજ માળખાકીય સુવિધાઓ મેળાના આયોજનને લઇને કરવામાં આવી રહી છે.
પોરબંદરના જિલ્લા કલેક્ટર અશોક શર્મા ના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા વિવિધ સમિતિઓ પણ બનાવવામાં આવી છે. આ ઉપરાંત અન્ય જિલ્લામાંથી પણ અધિકારીઓ નિયુક્તિ કરવામાં આવી છે.મેળામાં તા.૧૦ થી તા. ૧૪ સુધી ઉત્તર પૂર્વના રાજયો તેમજ ગુજરાતની સાંસ્કૃતિક કૃતિઓ ની ભવ્ય અને દિવ્ય રીતે રજૂઆત કરવામાં આવશે.આ ઉપરાંત સ્ટોલ નિરદર્શન અને અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.પોલીસ વિભાગ દ્વારા પણ સુરક્ષા અને બંદોબસ્તની આગોતરી કામગીરી કરવામાં આવી રહી છે.

મેળોએ ગુજરાતની આગવી ઓળખ છે. લોક જીવનનો ઉમંગ, ઉત્સાહ, લોકસંસ્કૃતિની રંગીન કલાત્મકતાનો આનંદ મેળામાં જોવા મળે છે. ગુજરાતી લેખક રમેશ પારેખ લખે છે. “ આ મનપંચામના મેળામાં સૌ જાત લઇને આવ્યા છે.” કોઇ આવ્યા છે સપનુ લઇને કોઇ રાત લઇને આવ્યા છે. સહિત્ય અને સિનેમામાં પણ મેળાના માધ્યમથી પ્રેમ,કરૂણ, રોદ્ર સહિત જુદા-જુદા માવરસનુ નિરૂપણ કરાયુ છે.
ગુજરાતમાં યોજાતા તરણેતરનો મેળો, ભવનાથનો મેળો, કાત્યોકનો મેળો, માધવપુરનો મેળો, ગોળ ગધેડાનો મેળો જેવા અનેક પ્રાચીન મેળાઓ તથા પતંગ મહોત્સવ, રણોત્સવ, તાના-રીરી મહોત્સવ, નવરાત્રિ, કાકરીયા કાર્નિવલ જેવા ગુજરાતના લોકોત્સવો દેશ વિદેશમાં લોકપ્રિય બન્યા છે. એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સાકાર કરવામાં મેળાઓ-લોકોત્સવોનું અનેરૂ મહત્વ છે. મેળા એ માનવ પ્રેમનું પ્રતીક છે. મેળાઓ-લોકોત્સવો લોકોને આપસમાં જોડવાનું કામ કરે છે.
પોરબંદર જિલ્લામાં આવેલુ માધવપુરનુ સ્થળ ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલુ ઐતિહાસિક સ્થળ છે. શ્રી કૃષ્ણ-રૂકમણીના પવિત્ર લગ્ન બંધનનું સાક્ષી રહેલા આ સ્થળે આવતા યાત્રીકો ધન્યતા અનુભવતા હોય છે. શ્રી કૃષ્ણની યાત્રા અને એમના જીવનમાંથી એક ભારતની પ્રેરણા મળે છે. તેમની પ્રેરણા માધવપુરના માંડવે અનુભવાય છે. રૂકમણી સાથે કૃષ્ણનો મિલાપ એ પશ્રિમ અને ઉત્તર-પૂર્વના રાજ્યોને જોડવાનો અનેરો પ્રસંગ છે.
કોરોનાની સ્થિતિના કારણે મેળાઓ-લોકોત્સવો સારી રીતે ઉજવાયા ન હતા . પરંતુ હવે સ્થિતિ બદલાઇ છે. કોરોના પ્રતિરોધક રસીના ડોઝથી ફરી મન મોર બની થનગનાટ કરવા આતુર છે. માધવપુરનો મેળો માત્ર મેળો નથી પણ આપણી સાંસ્કૃતિક ધરોહર છે. વિકાસના પથ પર અગ્રેસર ગુજરાત રાજ્યએ આધુનિકતાની સાથો-સાથ આપણી પરંપરાઓ અને સંસ્કૃતિની પણ સુપેરે જાળવણી કરીને તેને આધુનિકતાની સાથે જોડવાનુ કાર્ય કર્યુ છે. આપણી ભવ્ય સંસ્કૃતિને ઉજાગર કરી મેળા-લોકોત્સવને આર્થિક પ્રગતિમાં જોડીને ગુજરાત સરકારે પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા વર્ગને પણ પ્રોત્સાહિત કરીને પ્રવાસન ઉધોગને બળ પુરુ પાડ્યુ છે. મેળામાં લોકો દર્શન કરે, વેપાર કરે, ખરીદી કરે, કલાકારો કલા-નૃત્ય કરે, પરંપરાગત વ્યવસાયને ઉતેજન મળે, જુદા-જુદા પ્રાદેશિક વિસ્તારોની ખાણીપીણી, પહેરવેશ, કલા વગેરેને મેળામા સ્ટોલ માટે જગ્યા ફાળવીને ગુજરાત સરકારે એક ભારત, શ્રેષ્ઠ ભારતનાં સંકલ્પને સાર્થક કરવા હંમેશા પ્રયાસો કર્યા છે.
મેળામાં હૈયે હૈયુ હરખાતુ હોય છે. તરણેતરનો મેળો યુવાઓનો મેળો છે. ભવનાથનો મેળો ભક્તિ ભજન અને આ માધવપુરનો મેળો પવિત્ર દાંપત્ય યુગલ, ભાતીગળ સંસ્કૃતિ સાથે ભગવાનનો પ્રસંગ ઊજવવાનો પવિત્ર મેળો છે. કૃષ્ણ-રૂકમણીના મિલાપ સ્થળ માધવપુર પણ ભગવાનના પવિત્ર વિવાહ લગ્નનુ સાક્ષી છે.
સૈારાષ્ટ્રના દરિયા કાઠે પોરબંદર નજીક માધવપુર ખાતે વર્ષોથી યોજાતા ભગવાનશ્રી કૃષ્ણના વિવાહ પર્વ પ્રસંગે યોજાતા પરંપરાગત મેળામા ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી એક ભારત,શ્રેષ્ઠ ભારત અને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય એકતાને ઉજાગર કરતી કૃતિઓ/ મલ્ટી મીડિયા શો, આત્મ નિર્ભર ભારત અંતર્ગત ઉધમીઓના સ્ટોલ સહિત રાજ્ય તથા દેશના પ્રવાસન વિકાસના ધ્યેય સાથે યોજાતા વિવિધ કાર્યક્રમોમા રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ ઉપસ્થિત રહેશે. ચૈત્ર માસની રામનવમી તા.૧૦ એપ્રિલથી તા.૧૪ એપ્રિલથી સુધી પાંચ દિવસ માટે માધવપુર ખાતે લોક મેળાનું આયોજન કરાયુ છે.
ભારતના રાષ્ટ્રપતિશ્રી તથા નોથૅ–ઇસ્ટ રાજયોના ગવનૅરશ્રીઓ, મુખ્યમંત્રીશ્રીઓ, તથા ગુજરાત રાજયના રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી સહિત મહાનુભાવો, પદાઘિકારીશ્રીઓ, અઘિકારીશ્રીઓ તથા નામાંકિત કલાકારો પણ મેળામાં ઉપસ્થિત રહી મેળાની શોભા વધારશે.
રામ નવમીના પાવન પર્વ પર માધવપુર માધવરાયજીના મંદિરે મંડપ રોપાય છે. અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. ચૈત્ર નોમ, દશમ તથા અગિયારશના રોજ ત્રણ દિવસ સુધી ભગવાનનુ ફૂલેકુ નીજ મંદિરથી નીકળે છે. જેને વર્ણાગી કહેવામામ આવે છે. આ ફૂલેકુ ત્રણ દિવસ સુધી રાત્રે ૯ કલાકે નીજ મંદિરથી નીકળી મુખ્ય બજાર થઇને બ્રમ્હ કુંડ થઇ રાત્રે ૧૨ કલાકે નીજ મંદિરે પરત ફરે છે. ચૈત્રસુદ બારસે વિવાહ ઉત્સવ યોજાય છે. રુકમણીજી ઉત્તર ભારતના હતા. માટે આ પ્રસંગે ઉત્તર-પુર્વના ૮ જેટલા રાજ્યોમાથી કલાકારો, મહેમાનો મહાનુભાવો પણ મેળામા ઉપસ્થિત રહેશે. પોરબંદર નજીક આવેલ કડછ ગામના લોકો વાજતે ગાજતે ધ્રજા લઇને લગ્નનુ મામેરૂ પુરવા આવે છે. આ દ્રશ્યો જોવા એ પણ એક અવસર છે. ઓઝત, ભાદર અને મધુવંતિ નદીના ત્રિવેણી સંગમ તથા અરબી સમુદ્રના કાઠે આવેલા પ્રાકૃતિક સૌદર્યથી ભરપુર એવા માધવપુર ખાતે રુકમણી મઠથી શ્રી કૃષ્ણનુ સામૈયુ કરવામાં આવે છે. અને સાંજે ભગવાન કૃષ્ણની જાનનુ પ્રયાણ થાય છે. મધુવનમા જાન આવે છે. અને કન્યા પક્ષ દ્રારા જાનનુ સ્વાગત કરી લગ્નની વિધિ યોજાય છે. અને ચૈત્ર સુદ તેરસના દિવસે વહેલી સવારે જાન વિદાય આપવામાં આવે છે.
આમ ભગવાનશ્રી કૃષ્ણ તથા રુકમણીજીના શાસ્ત્રોકત વિધિ મુજબના લગ્ન યોજાય છે. ભગવાનના આ લગ્નમાં ઉપસ્થિત રહેવુ એ એક લ્હાવો છે.
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત પોરબંદર ખાતે માધવપુર ઘેડના મેળાનો આગામી તા. ૧૦મી એપ્રિલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપસ્થિત રહેશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉત્તર પૂર્વ રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. રાજય સરકારના માર્ગદર્શન તા.૧૦થી ૧૪ એપ્રિલ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રનો વ્યાપ વધે એ માટે ટુરીઝમ સર્કિટના માધ્યમ દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે પૂર્વથી પશ્ચિમને જોડતા રાષ્ટ્રીય સાંસ્કૃતિક પર્વની ગરિમામય ઉજવણી કરાશે.
સૌરાષ્ટ્રના અતિ મહત્વના ગણાતા આ ભાતીગળ મેળાથી શ્રદ્ધાળુઓને ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીજીના જીવનમાંથી અતુટ શ્રદ્ધા અને આ વિરાસતોની અખંડિતતાની પ્રેરણા મળતી રહે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ તાજેતરમાં મન કી બાતમાં માધવપુરના આ મેળાનો ઉલ્લેખ કરી તેનું મહત્વ જણાવ્યું હતુ. ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીના વિવાહ પ્રસંગે સૌરાષ્ટ્રના અરબી સમુદ્રના કાંઠે આવેલા માધવપુર ઘેડ ખાતે યોજાતો પરંપરાગત મેળાને રાષ્ટ્રીય ફલક પર સાંસ્કૃતિક પર્વ તરીકે પ્રસ્થાપિત કરવા કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલય, ઉત્તર-પૂર્વ વિકાસ મંત્રાલય અને ગુજરાતના યુવા સાંસ્કૃતિક વિભાગનના સંયુક્ત ઉપક્રમે વિશેષ કાર્યક્રમોનુ સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે ગુજરાત પ્રવાસન નિગમ- સાંસ્કૃતિક વિભાગ દ્વારા પણ મલ્ટી મીડિયા શો, ઈન્ડેક્સ સી દ્વારા એકઝીબીશન, ચાર દિવસ સુધી વિવિધ થીમ પર એક ભારત શ્રેષ્ઠ ભારતને ઉજાગર કરતી ભવ્ય સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરાશે.
માધવપુર ઘેડના મેળાને સૌરાષ્ટ્રની ટુરીઝમ સર્કિટ સાથે જોડી પ્રવાસીઓને સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક વિરાસતોની જાણકારી મળે અને સાથોસાથ સ્થાનિક કક્ષાએ વધુ રોજગારીનું નિર્માણ થાય તેવા બહુઆયામી ઉમદા હેતુ માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અનેકવિધ નવતર પ્રયાસો થઈ રહ્યાં છે. પ્રવાસીઓને વિવિધ સગવડતા મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા પૂરતી તકેદારી સાથે વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે