Friday, November 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

ભાવસીહજી હોસ્પિટલ,ભાવસીહજી હાઇસ્કુલ સહીત ની ભેટ આપનાર જેઠવાવંશ ના 180મા બરડાધીપતિ મહિમતિ પોરબંદર નરેશ મહારાણાશ્રી ભાવસિંહજી સાહેબ ની આવતીકાલે ૧૫૩ મી જન્મ જયંતી:જાણો તેમના વિશે પોરબંદર ટાઈમ્સ ના આ ખાસ અહેવાલ માં

પોરબંદર
પોરબંદર શહેર ને અનેક ઐતિહાસિક ઈમારતો ની ભેટ આપનાર અને આજે પણ શહેર મધ્યે આવેલ બે મહત્વપૂર્ણ ઈમારતો જીલ્લા ની મુખ્ય સરકારી હોસ્પિટલ અને હાઈસ્કુલ જેના નામ થી ઓળખાય છે તેવા પોરબંદર નરેશ મહારાણા શ્રી ભાવસિંહજી સાહેબ ની આવતીકાલે તા ૨૬ ડિસેમ્બરે ૧૫૩ મી જન્મજયંતિ છે ત્યારે જામ ખંભાળિયા વસતા જાણીતા ઇતિહાસકાર અને હનુમાનવંશી જેઠવા રાજપુત શૌર્ય ગાથા પુસ્તક ના લેખક એવા શ્રી વીરદેવસિંહ પી. જેઠવા એ પોરબંદર ટાઈમ્સ ના વાચકો માટે વિવિધ માહિતી આપી છે ..ચાલો જાણીએ પોરબંદર ના આ રાજવી વિશે …..
યુવરાજપણામાં સ્વર્ગવાસી થયેલા પાટવી કુમારશ્રી માધવસિંહજીનાં લગ્ન ત્રણ સ્થળે થયાં હતાં. 1. સરોદડના જાડેજા જેઠીજીનાં કુંવરી સાથે 2. સાયલાના ઝાલા ઠાકોરશ્રી કેશરીસિંહજીનાં પુત્રી સાથે. 3. સજનપુરના જાડેજા શ્રી વજેસિંહજીનાં કુંવરી સાથે. એમાંના સજનપુરવાળાં રાણીશ્રીને ખોળે મહારાણાશ્રી ભાવસિંહજી નો જન્મ તા. 26/ 12/ 1867 પોષ શુદને દિવસે થયો હતો. પરંતુ એ જન્મદાતા જનેતા સ્વર્ગવાસી થતાં કુમારનું પાલણ–પોષણ તેમના સાવકાં માતા સાયલાવાળાં માતુશ્રી એ કર્યું. હતું. બીજા ઘણા રાજકુંટુબોમાં સોતણના પુત્રોને ઝેરપાયુ હોય એવુ તમે સાંભળ્યા હશે.પણ પોરબંદરના રાજવંશી કુંટુબમાં તેથી ઉલટુંજ એટલે કે સોતનના સંતાનને સ્નેહભાવે પ્રતિપાલન થયેલું હતું. એ રાજવંશની ઉત્તમ કુળ અને સંપ દર્શાવે છે. નાનપણથી જ એકાંતપ્રિય અને ઓછાબોલા ભાવસિંહજીને સૌથી મોટો શોખ પશુ–પંખીઓ જોવાનો અને એમના ચિત્રો દોરવાનો હતો. નાનપણમાં ભાવસિંહજીએ દોરેલા ચિત્રો જેમાંથી કમાંગરી ચિત્રશૈલીનો ઘોડો, હાથી તથા દરીયાના મોજામાં તરતી માછલીનાં ચિત્રો આજે પણ રાજમહેલના સંગ્રહમાં સચવાયેલાં છે. વિદ્ધાન્ શિક્ષકોદ્ધારા માતૃભાષા ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી, ઉપરાંત ચિત્રકલાના ખાસ શિક્ષકો તેમના માટે રોકવામાં આવ્યા હતા, યોગ્ય ઉમર થતાં પાટવી કુમારશ્રી ભાવસિંહજીએ રાજકુમાર કોલેજમાં શિક્ષણ લઇ પોતાના યુરોપિયન ટ્યુટર મી. આશીસાહેબ સાથેભારતમાં અને ભારત બહાર શ્રીલંકા, ઓસ્ટેલિયા, અમેરીકા, વગેરે પ્રવાસ કરીને રાજપદવીની પૂર્ણ યોગ્યતા પ્રાત્પ કરી હતી તેમજ એડમિનિસ્ટ્રેટરોની સાથે રહી રાજ્યના બધા ખાતાંનો અનુભવ રાજા થયા પહેલાંજ મેળવી લીધો હતો.
રાણાશ્રી વિકમાતજીના સ્વર્ગવાસ પછી લગભગ પાંચેક મહિના પછી એટલે કે તા. 15/ 8/ 1900 ભાદરવો શુદ 7 ને શુભ દિવસે રાણા સાહેબ શ્રી ભાવસિંહજીને રાજ્યાભિષેક થયો હતો. ને એડમિનિસ્ટ્રેશન ઉઠાવી લઇ રાજ્યની લગામ શ્રી મહારાણા ભાવસિંહજીના હાથમાં મૂકવામાં આવી હતી.
જ્યારે રાજ્યની લગામ રાણાશ્રીના હાથમાં મૂકવામાં આવી, તે સમયે દેશમાં મહા ભયંકર છપ્પનીઓ દુષ્કાળ ચાલી રહ્યો હતો. અન્નવિના પ્રજા અને ખડપાણી વિના જાનવરો ભયંકર મુશ્કેલી ભોગવતાં હતાં. એવે વિકટ પ્રસંગે રાજ્ય સંભાળવાની જવાબદારી રાણાશ્રીના હાથમાં આવી. પણ એ ફરજ એમણે ઘણીજ ઉદારતા બતાવી. તન. મન.ધન થી ખેડુતો મજુરો. પશુપાલન કરનાર ની ખુબ મદદ કરી સેવા કરી નવા કૂવા ખોદવા માટે રૂપીયા તથા બળદ, કોશવરત ને બી માટે પુષ્કળ તગાવી આપવાની વ્યવસ્થા કરી. જે વર્ગ ખેતી કરતો ન હોય તેમની માટે ખંભાળાનુ તળાવ કરવાનુ કામ શરૂ કર્યું અને આ સદકાર્ય નુ પ્રજા એ રાણાશ્રી ભાવસિંહજીએ ભાન કરાવ્યું. ને ” દુલ્લા-ભાવ ” નો પ્રજાનાં પ્રેમાળ અંતઃકરણે વગર માગ્યે આપેલો ઇલ્કાબ જગવિખ્યાત કર્યો. પોતાના જેઠવા ભાયાતોની સ્થિતિનો છૂપી રીતે તપાસ કરાવી તેમને વગર માગ્યે અન્ન વસ્ત્રની મદદ કરવાને પણ આ રાજાને ભૂલતા નહિ.
રાણાશ્રી ભાવસિંહજીની કવિઓ, અને કલાકારો ને ખુબ સન્માન આપતા. અને તેમને જોતી હર મદદ કરતા તેમની સહાયતાથી ગ્રંથગારો ગ્રંથો છપાવી વાંચકો ને પોહ્ચાડી શકેઘણા કવિઓ તેમની મદદથી કવીતાઓના પુસ્તકો લખ્યા છે. ને ઉધોગ માટે નવી ટેકનોલોજીમાં પણ તેઓ સારો ભાગ લેતા. દિલ્હી ને અમદાવાદમાં ભરાયેલાં ઉધોગમેળામાં તથા ખેતીવાડીનાં પ્રદર્શનોમાં પોરબંદરના રાણાશ્રી ભાવસિંહજીએ ઘણી મદદ કરી હતી.
પ્રજાની પ્રગતીનો આધાર શિક્ષણ છે, ને માબાપ જેમ પોતાનાં બાળકોનું પાલક પોષણ કરવા સાથે તેમના શિક્ષણ ઉપર પણ ધ્યાન આપે છે ; તેમ રાજાએ પ્રજાની કેળવણી ની પણ જવાબદારી લીધેલી છે. તે વાત આ રાજાના ધ્યાન બહાર નહોતી. આથી તેમણે ત્યાં જગજીવન પાઠકને મુંબઇ, પૂના, વડોદરા, વગેરે સ્થળોએ ત્યાં ચાલતી શિક્ષણીક સંસ્થાઓ જોવાને રાજ્યના ખર્ચે મોકલ્યા હતા. ત્યાંની લેવા જેવી શિક્ષણ પધ્ધતિ પોતાના રાજ્યમાં ચાલુ કરવા સારૂ શિક્ષકોનું કોન્ફરન્સ ભરી તેમના હ્રદયમાં ઉતારવાનો તથા તેમને સમજાવવાનો ભાર આ જગજીવન પાઠક ઉપર મૂક્યો. હતો. ને એવું શિક્ષણ પોતાના રાજ્યમાં ચાલુ થયેલું જોઇ ઘણોજ સંતોષ પામીયા હતા. રાણાશ્રી ભાવસિંહજીના સમયમાં શિક્ષણશેત્રે રાજ્યનો ઉત્સાહ વ્યાપ્યો હતો ખેડુત, વસવાયા, કે તેવા મજુરો વગર ફીએ શિક્ષણ આપવાનું, કાશી સેન્ટલ હિંદ કોલેજમાં વાર્ષિક 500 રૂ. ની રકમ આપવાનું ને વેદશાળા ખોલવાનું જાહેરાત પણ એમનાં સમયમાંજ થયેલું હતું.
રાજ્યમાં મરકી રોગનો ફેલાવો અને તેને રોકવાની વ્યવસ્થા.
જ્યારે પ્રજાને માથે કાંઇ સંકટ આવે ત્યારે તેના પ્રતિ રાજાની લાગણી કેવી છે ? તેનું પ્રજાને ભાન થાય છે. પાછળ દુષ્કાળના સંકટની ને તે સમયે રાણાશ્રીએ દર્શાવેલી લાગણીની વાત તો મે આગળ લખી છે. અને ઇ. 1902 માં ભારતમાં મરકીનો(એક જાતનો તાવ) ઉપદ્રવ પહેલ વહેલો શરૂ થયો. તે સમયે આ રોગ ચેપી છે, એવું ડોક્ટરોનું કહેવું હતું.આ સમયે રાણાશ્રી ભાવસિંહજીએ જુદા જુદા વોર્ડો પાડી તેનાપર ડોક્ટોરોને રાખીને, તાત્કાલિક દવા પહોંચાડવાની સગવડ કરીને, મરકીવાળાને રાખવાને રાજ્ય તરફથી મોટા કેમ્પ ને રહેવામાટેના રૂમો. કરાવીને, બહારથી આવનારને માટે સગવડવાળાં કવોરેન્ટાઇનો કરાવીને પ્રજાની સગવડ સાચવવા સાથે તેની લાગણી ન દુખાય એવી શુજબુજવારી યોજના કરીને એ મહા રોગ દુર કરવા ઘણા પ્રયત્નો કર્યા હતા. આ પ્રસંગે સૌ બીજા રાજ્યો કરતાં મરકી માટે પોરબંદરે કરેલી વ્યવસ્થા બધા એ વખાણી હતી.
રાણાશ્રી ભાવસિંહજીએ કરેલા બાંધકામો.
રાણાશ્રી ભાવસિંહજીને પણ બાંધકામોનો પણ ઘણો શોખ હતો. તેના સમયમાં પોરબંદરમાં દરિયા મહેલ તરિકે  ઓડખાતો સુંદર રાજમહેલ તેઓએ  કહ્યા પ્રમાણે તૈયાર થયેલો છે.તેમાં આર. જી. ટી. કોલેજ કાર્યરત હતી  આ રાજમહેલના દરબારખંડની છત આજે પણ મૂલ્યવાન છતચિત્રોથી ભરી પડી છે ! કમાગીરી ચિત્રશૈલી સીધી રેખાઓથી દોરાયેલા તુલસીકૃત ” રામાયણ ના વનવર્ણનના દશ્યોથી આ રાજમહેલના કાચના બારીબારણા, સૌરાષ્ટના ચિત્રકલાના ઇતિહાસમાં આજે પણ માનભર્યો ઉલ્લેખ પામે છે. અને સુદામાજીનું મોટુ મંદિર, તથા ભોજેશ્વરપ્લોટમાં આવેલું ભાવેશ્વર મહાદેવ નુ મંદિર એ પણ એ રાણાશ્રી ભાવસિંહજીની ઇચ્છા પ્રમાણે બંધાવેલાં છે. હજી તેમની સાક્ષી પુરીને રહ્યાં છે.
જાનવરો નો શોખ.
વિવિધ જાનવરોનો પણ એમને શોખ હતો. ને રાજમહેલમાં રાખેલાં જુદા જુદા પશુપંખીઓનો ને જોનારને મુંબઇના રાણીબાગનું યાદ કરાવતો.તેમાં દેશ-વિદેશના અનેક પશુ-પંખીઓ રાજમહેલના આ ચીડીયાઘરમાં હતા, જેમાં ઝીબ્રા અને શાહમૃગની સંખ્યા સૌથી વિશેષ હતી ! આજના બી. એડ્ર. કોલેજના સ્ટાફ ક્વાટર્સ મુળમાં હાથી, ઘોડા, વાઘ, અને દીપડાઓને રાખવા માટેની ઓરડીઓ હતી.રાણાશ્રી ભાવસિંહજીના નિધન પછી દરિયામહેલનું આ ચીડિયાખાનું બંધ કરવામાં આવ્યું અને હાથી, ઘોડા, સિંહ, વાઘ, દીપડા, ચિત્તા, ઝીબ્રા, રીંછો, શાહમૃગો અને જુદી જુદી જાતના પંખીઓની તા. 7 જૂન 1909ના રોજ જાહેર હરાજી થઇ તેની જાહેરખબર સરકારી ગેજેટોમાં તથા જુદા જુદા દૈનિકપત્રોમાં આજે પણ વાંચવા મળે છે.
વ્યાપારીઓની સગવડ.
વ્યાપારના કાર્યમાં વેપારીઓને મદદ કરવા માટે એમણે ” લોન ઓફીસ ” ખોલી હતી. ને તે દ્ધારા વેપારીઓને લોન દયને વેપાર કરવા સારૂ પૈસા આપવાની વ્યવસ્થા કરી હતી.
લગ્ન: રાણાશ્રી ભાવસિંહજીનાં લગ્ન નીચે પ્રમાણે થયાં હતાં.
1. મોરબીના રાજકુમારીશ્રી. વખ્તુબા સાથે.
2. લખતરના રાજકુમારીશ્રી. સુંદરબા સાથે.
3.ભાવનગરના બાશ્રી. રામબા સાથે.
4. વીરપુરના રાજકુમારીશ્રી. બાકુંવરબા સાથે.
5.શાહપુરના બાશ્રી માજીરાજબા સાથે.
હ્રદયની વીશાળતા.
ઉપકાર કરનાર ઉપર ઉપકાર કરવો ; એમાં શું નવાઇ ? પણ કોઇએ આપણું ખરાબ કરનાર ની ઉપર ઉપકાર કરવો ; એમાંજ ખરી ઉદારતા રહેલી છે. એ વીશાળ હ્રદયનું આચરણ મહારાણાશ્રી ભાવસિંહજીના જીવનમાં ઘણીવાર જોવાયું છે. જેઠવા વંશના 167. માં રાજા રાણાશ્રી રામદેવજી ને દગાથી મારનાર તેમના સગા મામા જામ સતાજી હતા તે સમયથી માંડી રાણાશ્રી વિકમાતજીસુધીના પોરબંદરના રાજાઓનો નવાનગરનાં(જામનગર) રાજાઓની સાથે ઓછો સંબંધ હતો. ને પોરબંદરના રાજાઓ નવાનગરનું પાણી પણ પીતા નહિ. પણ ઉદાર દીલના મહારાણાશ્રી ભાવસિંહજી પોતાની મહાનતાનો અનુભવ કરાવ્યો હતો. ને તે સમયના નવાનગરના મહારાજા જામશ્રી રણજીતસિંહજીને, રાજ પ્રાપ્ત થયા પહેલાં મહારાણાશ્રી ભાવસિંહજીના મિત્ર હતા. ને આથી તેઓ એકબીજાને ત્યાં આવવા જાવવાનો સંબધ બંધાયો. ને તેથી જ્યાં મનમુટાવ હતો ; ત્યાં મિત્રતા સ્થપાઇ. પ્રેમની દુનીયા જેવી બીજી દુનીયા એકેય નથી. વૈરનુ વૈરથી નીવારણ આવતું નથી પણ પ્રેમથી ભાવથી નીવારણ આવે છે. આ જ મીત્રતાના સ્મરણાર્થે જામનગરના રાજાએ પોતાના રાજમહેલના એક વિભાગનું નામ ભાવ-વિલાસ રાખ્યું હતુ.
મહારાણાશ્રી ભાવસિંહજી ગંભીર, ઉદાર ને નીડર પ્રકૃતિના તથા દીર્ઘદર્શી વિચારના રાજ્યકર્તા હતા. પ્રોઢવયે ગાદીએ આવેલા હોવાથી તેઓશ્રીનો સંસારવ્હવારનો અનુભવ ઘણો વિશાળ હતો. તેમને મોટા અધીકારીથી માંડી ન્હાના પટ્ટાવાળા લગીની નોકરીયાતના ગુણદોષ જાણતા. તેમજ કોણ કોનો વિરોધી છે ? તે પણ જાણતા. આથી કોઇપણ અધીકારી પોતાના મતલબથી નીચેને અધીકારીનું કોઇ ખરાબ કરી શકતુ નહિ. પહેલેથીજ તેઓશ્રીએ પોતાનું ખાનગીખાતું ને રાજ્યખાતું અલગ અલગ પાડી નાંખેલા હતાં. ને તેમને એક બીજાના કામમાં દખલદેવાની સખ્ત મનાઇ કરેલી હતી આથી રાજ્યતંત્ર નિર્વિધ્ને ચાલતું.
સિંહના શિકારનો તેમને ખાસ શોખ હતો. ને કેટલાક સિંહના શિકાર બહાદુરીથી કરેલો હતો.
મહારાણાશ્રી ભાવસિંહજીનો સ્વર્ગવાસ.
વિધાતાને ઠપકો આપતાં એક કવિ કહે છે કે ” અરે વિધાતા ! હું ત્હારી ભૂલો શું ગાઉં ? તુ શેરડીના છોડને ફળો નીપજાવતાં ભૂલી ગઇ, તેમજ સજ્જન મનુષ્યને લાંબું આયુષ્ય આપતાં ભૂલી ગઇ ? મહારાણાશ્રી ભાવસિંહજીના સંબંધમાં પણ એમજ બન્યું. એમના રાજ્યની શીતળ છાંયાનો લાભ પોરબંદર રાજ્યની પ્રજાના લાંબો સમય ભોગવવાનું વિધાતાનું નિર્માણ નહોતું. પ્રજાનું રાણાશ્રી પ્રત્યે ખુબ માન હતું. આવાં ઉદાર દીલના રાણા સાહેબના આવાં ઉપકાર શબ્દો નવાનગર અને લીંમડી જેવાં રાજ્યોના રાજાઓ પણ ખુબ વખાણ કરતા, તે મહારાણાશ્રીને શરીરે ક્ષય રોગનો ભયંકર લાગુ પડયો. દેશી અને વિદેશી ઔષધોના અનેક પ્રકારના ઉપાયો કરવામાં આવ્યા. અનેક સ્થળે હવાફેર કરવામાં આવ્યા. પણ બધુ વ્યથ ગયુ એક પણ ઔષધીએ કામ ના કરયું.
ખંભાળા હિલમાં ઔષધોપચાર ચાલતા હતા, ત્યાંજ 10/ 12/ 1908 ને માગશર વદિ ત્રીજ ના રોજ હજારો પ્રજાજનોને તથા અનેક સગાં સંબંધી જનોને રૂદન કરતાં મૂકીને એઓશ્રીનો આત્મા નાશવંત સંસાર છોડી ચાલ્યો ગયો ! રાંકનો માળવો, નોધારાનો આધાર, કળાઓનો પોષનાર, કવિતાનો જાણનાર, વિદ્ધાનોના અભિલાષ પૂરનાર, અમર આત્મા આ દુનીયા છોડી વિદાય થયો.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે