પોરબંદર
કોસ્ટગાર્ડ દ્વારા અરબી સમુદ્ર માં પેટ્રોલિંગ દરમ્યાન ભારતીય જળસીમા માં ઘુસી આવેલ દસ ખલાસીઓ સાથે ની પાકિસ્તાની બોટ ઝડપી લીધી છે.અને વધુ તપાસ અર્થે મોડી રાત્રે પોરબંદર લાવવામાં આવી છે.
છેલ્લા કેટલાક સમય થી ગુજરાત ના દરિયાનો ઉપયોગ કરી પાક ડ્રગ માફિયાઓ દ્વારા ડ્રગ્સ ની હેરાફેરી ના બનાવો વધ્યા છે.ત્યારે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની છે.ગઈ કાલે તા ૮ ની મોડી રાત્રી એ ભારતીય તટરક્ષક દળનું જહાજ અંકિત અરબી સમુદ્રમાં ઓપરેશનલ પેટ્રોલિંગ કરી રહ્યું હતું.ત્યારે એક શંકાસ્પદ હાલત માં પાકિસ્તાની બોટ નજરે ચડતા કોસ્ટગાર્ડ દ્વારા બોટને આંતરવામાં આવી અને બોટ ના ખલાસીઓ શા માટે ભારતની જળસીમામાં આવ્યા હોવાની પૂછપરછ કરવામાં આવી ત્યારે ખાલાસીઓ દ્વારા સંતોષકારક જવાબ ન આપવામાં આવતા કોસ્ટગાર્ડ જહાજે યાસીન નામની આ પાકિસ્તાની બોટ અને તેમાં રહેલા દસ ખલાસીઓની ધરપકડ કરી હતી.
કોસ્ટગાર્ડ નું જહાજ જોતા જ પાકિસ્તાની માછીમારી બોટે શરૂઆતમાં ત્યાંથી નાસીને પાકિસ્તાનની જળસીમામાં જવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ કોસ્ટગાર્ડ ના જહાજે વિપરિત હવામાન અને ઓછી વિઝિબિલિટીની સ્થિતિ વચ્ચે પણ તાત્કાલિક પ્રતિક્રિયા આપતા પાકિસ્તાની બોટને અટકી જવું પડ્યું હતું.અને તેને પકડી લેવામાં આવી હતી.પાકિસ્તાન ના કેટી બંદર ખાતે નોંધાયેલી માછીમારી બોટ યાસીનમાં પ્રારંભિક તપાસ દરમિયાન તેમાંથી અંદાજે 2000 કિલો માછલી અને 600 લીટર ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો.ધરપકડ કરવામાં આવેલા 10 ક્રૂને વધુ વિગતવાર તપાસ અને સંયુક્ત પૂછપરછ માટે પોરબંદર ખાતે મોડી રાત્રે લાવવામાં આવ્યા હતા.
અહી વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા તેની પુછપરછ હાથ ધરવામાં આવશે ઉલ્લેખનીય છે કે,આ અગાઉ 6 ડીસેમ્બર ના રોજ ભારતીય જળ સીમામાં ઘુસણખોરી કરનાર બે પાકિસ્તાની બોટ અને તેમાં સવાર ૧૮ ખલાસીઓ ની કોસ્ટગાર્ડ ની આરિંજય શિપના જવાનોએ ધરપકડ કરી હતી.હાલ માં સમુદ્ર માં ગાઢ ધુમ્મસ હોવાથી તેનો લાભ લઇ પાકિસ્તાની ડ્રગ માફિયાઓ દ્વારા ડ્રગ્સ ઘુસાડવામાં ન આવે તે માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.