પોરબંદર
પોરબંદર માં આજે તા ૧૧ થી સાત માં બે દિવસીય પિંક સેલિબ્રેશન નો પ્રારંભ કરવામાં આવશે.જેમાં દેશભર ના પક્ષીપ્રેમીઓ ઉપસ્થિત રહેશે.
સુરખાબી નગરી પોરબંદરમાં અનેક જળપ્લાવિત વિસ્તારો આવેલા છે.તે ઉપરાંત જીલ્લામાં પણ જયાં જયાં જળસંચય થયો છે.ત્યાં મોટીસંખ્યામાં ફલેમીંગો સહિતના પક્ષીઓનો કલબલાટ સાંભળવા મળે છે.ત્યારે અહીંયા કોરોના કાળના બે વર્ષ પછી પીંક સેલીબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે.તેમાં બે દિવસ દરમ્યાન ભારતભરના પક્ષી પ્રેમીઓ જોડાઈને ફ્લેમીંગોની જીંદગીને નજીકથી જાણશે માણશે.
વર્ષ ૨૦૧૪ થી મોકરસાગર વેટલેન્ડ કન્ઝર્વેશન કમીટી દ્વારા વેટલેન્ડ અને ફલેમીંગો પ્રત્યે જનજાગૃતી લાવવાના આશયથી પીંક સેલીબ્રેશનનું આયોજન કરવામાં આવે છે.જેમાં ભારતભરમાંથી પક્ષીપ્રેમીઓ ઉપસ્થિત રહી વેટલેન્ડની મુલાકાત લઇને પક્ષીઓ નિહાળે છે.આ વર્ષે પણ ઇન્ટેક પોરબંદર અને જી.એમ.સી. સ્કુલના સહકારથી આજે તા ૧૧ થી બે દિવસીય પીંક સેલીબ્રેશનનો પ્રારંભ થશે.જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, દક્ષિણ ભારતના પક્ષીપ્રેમી પોરબંદરના મહેમાન બનશે.
કમીટીના ધવલભાઈ વારગીયાએ જણાવ્યું હતું કે પક્ષીપ્રેમીઓ પીંક સેલીબ્રેશનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. જેથી સોશ્યલ મીડીયા પર જાહેરાત કર્યાના ૫ દિવસમાં જ રજીસ્ટ્રેશન ફુલ થઇ ગયું હતું.વધુમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લે વર્ષે ૨૦૧૯માં પીંક સેલીબ્રેશનનું આયોજન કર્યું હતું.ત્યાર બાદ પેન્ડેમીકનાં નિયમોનું પાલન કરતા ૨૦૨૦ અને ૨૦૨૧ માં આયોજન કર્યું ન હતું.ગુજરાતમાંથી મુખ્યત્વે જામનગર, રાજકોટ,વડોદરા અને અમદાવાદમાંથી પક્ષીપ્રેમીઓ આવવનાના છે.આ વર્ષે આ બે દિવસનાં કાર્યક્રમમાં પક્ષીપ્રેમીઓ ફલેમીંગો,અન્ય પાણીના પક્ષીઓ,વેટલેન્ડ તથા ફોટોગ્રાફી વિશે જાણકારી મેળવશે.તથા વિવિધ વેટલેન્ડની મુલાકાત લઇ ફલેમીંગોનો કોર્ટશીપ ડાન્સ (પ્રણયનૃત્ય) નિહાળશે.