પોરબંદર
પોરબંદરની સિવિલ સિવિલ હોસ્પિટલમાં પગ ના ઓપરેશન દરમ્યાન આઈઆઈટીવી મશીન ખરાબ થતા એક કલાક દર્દીએ મુશ્કેલી વેઠી હતી.બાદ માં ડીઝીટલ એક્સરે મશીન મંગાવી ઓપરેશનની કામગીરી આગળ વધારવામાં આવી હતી.
પોરબંદર ના ઓડદર ગામે વાડી વિસ્તાર માં રહેતા વિનુભાઈ લાલજીભાઈ લાડક નામના આધેડ પડી જતા તેઓને પગમાં ગંભીર ઈજાઓ થઇ હતી.આથી તેઓને ઓપરેશન કરવું પડે તેવી સ્થિતિ સર્જાતા સિવિલ હોસ્પિટલ ખાતે ઓપરેશન થિયેટરમાં તેઓનું ઓપરેશન ચાલી રહ્યું હતું.તે દરમ્યાન ઓપરેશન થિયેટરમાં આવેલ આઈઆઈ ટીવી મશીન બંધ પડી ગયું હતું.જેથી ઓર્થોપેડિક તબીબને ઓપરેશન કરવામાં મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો.
તબીબ તોસિફ છુટ્ટાણી એ જણાવ્યું હતું કે ઓપરેશન માં આઈઆઈ ટીવી મહત્વનો ભાગ ભજવે છે.તેમાં જોઈ ને જ ઓપરેશન ની કામગીરી કરવાની હોય છે.ચાલુ ઓપરેશને મશીન બંધ પડી જતા હેરાનગતી વેઠવી પડી હતી.અન્ય વોર્ડ માંથી ડીઝીટલ એક્સરે મશીનને મંગાવી ઓપરેશન થિયેટરમાં ફિટ કરી ઓપરેશનની કામગીરી આગળ વધારવામાં આવી હતી.જે પ્રક્રિયામાં એક કલાક જેટલો સમય લાગ્યો હતો.ત્યાર બાદ ઓપરેશન સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું. આ આઈઆઈટીવી જુનું હોવાથી અગાઉ પણ બંધ પડી ગયું હતું.ત્યારે હોસ્પિટલ ખાતે નવી આધુનિક મશીનરી ફાળવવામાં આવે તેવી માંગ ઉઠી છે.