પોરબંદર
પોરબંદરના કડિયાપ્લોટ વિસ્તારમાં રહેતા અને અનેકવિધ સામાજિક સંસ્થા સાથે સંકળાયેલા અને જુદાજુદા પ્રકારની સેવા પ્રવૃત્તિઓના માધ્યમથી અનેક લોકોને મદદરૂપ બનેલા કડિયાપ્લોટ વિસ્તારના યુવાનનું એક વર્ષ પહેલા અચાનક નિધન થયું હતું.તેથી તેની સ્મૃતિમાં તેના મિત્રો દ્વારા આવતીકાલે રવિવારે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
પોરબંદરના કડિયાપ્લોટ વિસ્તારમાં રહેતા અને જુદી-જુદી સામાજિક સંસ્થાઓ સાથે સંકળાઇને અઢળક સેવાકીય પ્રવૃત્તિઓ કરનારા રમેશભાઈ વિંઝુડા નામના સેવાભાવિ યુવાનનું એકાદ વર્ષ પહેલા હ્રદયરોગના હુમલાથી નિધન થયું હતું.તેની સ્મૃતિમાં તેમના મિત્રો દ્વારા આવતીકાલે રવિવાર તા.૨૪,૪.૨૦૨૨ ના સવારે ૯:૦૦ થી ૧:૦૦ વાગ્યા સુધી કડિયાપ્લોટના કામદાર ચોકમાં આવેલી પ્રાથમિક શાળા ખાતે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ થાનકી,ઉપપ્રમુખ નિપુલ પોપટ અને મહામંત્રી સચિન મદલાણીએ જણાવ્યું છે કે,સંસ્થાના સભ્ય અને તેમના પરમ મિત્ર રમેશભાઈ વિંઝુડાના સ્મરણાર્થે યોજાનાર આ કેમ્પમાં ચામડીના રોગો,પેટના રોગો,હાડકાના દુઃખાવા સહિત વિવિધ રોગોનું નિદાન કરી દવા પણ નિઃશુલ્ક અપાશે.જેમાં સ્ત્રીરોગના નિષ્ણાત ડૉ.રવીન ધોકિયા,બી.એ.એમ.એસ. ડો.હિતેષ રંગવાણી,ડો.દેવલબેન વદર,ફિઝીયોથેરાપીસ્ટ ડો.સિદ્ધાર્થ ગોકાણી,ડો.રીતીજ્ઞા ગોકાણી સેવા આપશે.અને દવા પણ નિઃશુલ્ક આપવામાં આવશે.
આ કેમ્પમાં નામ રવિવારે સવારે ૯:૦૦ વાગ્યાથી કેમ્પના સ્થળે નોંધવામાં આવશે.આ કેમ્પમાં ચશ્માના નંબર પણ કાઢીને જરૂરીયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક ચશ્મા પણ અપાશે.કેમ્પને આર્થિક સહયોગ પાયોનીયર ક્લબ અને સાગરપુત્ર સમન્વય સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા અને પોરબંદર શહેર યુવા ભાજપ પ્રમુખ સાગર મોદીનો મળ્યો છે.આ કેમ્પની વધુ માહીતી માટે આયોજકો અશોકભાઈ થાનકી મો.નં.૯૮૨૪૮ ૪૬૨૧૫,નીપુલભાઈ પોપટ ૯૯૨૪૧ ૮૭૩૮૩, સચિન મદલાણી મો.નં.૮૪૦૧૬ ૦૫૫૯૯ ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.