પોરબંદર માં સસરા એ સગર્ભા પુત્રવધુ ને બાથ ભીડી પોતાને ખુશ કરી દેશે તો સોનાનો ચેન લઇ દેશે તેવું જણાવ્યું હોવા અંગે પુત્રવધુ એ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હાલ ધ્રોલ ગામે પિતા ના ઘરે રહેતી ૨૨ વર્ષીય પરિણીતા એ પોરબંદર ના કિર્તીમંદિર પોલીસ મથક માં નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેના લગ્ન દોઢ વર્ષ પહેલા પોરબંદર ના શીતલા ચોક વિસ્તાર માં આવેલ ખાટકી વાડ માં રહેતા શખ્સ સાથે થયા હતા. અને હાલ તે સગર્ભા હોવાથી આઠમો માસ ચાલી રહ્યો છે. પતી,સસરા તથા સાસુના દુઃખ ત્રાસ ના કારણે તેઓ ૧૪ એપ્રિલ થી માવતરે રીસામણે બેઠેલા છે. અને ત્રણેય સામે ધ્રોલ પોલીસ મથક માં ગત તા ૧૭-૫ ના રોજ પોલીસ ફરિયાદ પણ કરી છે.
છ માસ પહેલા તે સસરા ના ઘરે હતી. ત્યારે બે થી અઢી માસ નો ગર્ભ હતો. અને પોતે સાંજ ના સમયે રસોડા માં કામ કરતી હતી ત્યારે પતી અને સાસુ ઘરે હાજર ન હતા. તે સમયે સસરા રસોડા માં આવ્યા હતા અને પાછળ થી બાથ ભરી જણાવ્યું હતું કે “મને ખુશ કરી દે,તને સોનાનો ચેન બનાવી દઈશ”આથી પરિણીતાએ તેને છોડવા નું કહેતા સસરા એ તેને છોડ્યા ન હતા. આથી તેઓ તેની બાથ માંથી છૂટી તેના રૂમ માં ચાલ્યા ગયા હતા. તે સમયે સસરા એ આપણા વચ્ચે જે બન્યું છે તે કોઈ ને કહ્યું તો જાન થી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આથી તેઓ ડરી ગયા હતા. અને કોઈ ને આ વાત કરી ન હતી. ત્યાર બાદ તેના માવતરના લોકો ૧૪ એપ્રિલે તેને તેડી ગયા હતા. ત્યાર બાદ તેઓ એ આ અંગે ફરિયાદ અરજી કરી હતી. પરંતુ સગર્ભા હોવાથી તબિયત નાદુરસ્ત રહેતા ફરિયાદ કરવા આવી શક્યા ન હતા. જેથી હવે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.