પોરબંદર
પોરબંદર માં ખાનગી શાળા ની શિક્ષિકા નું ઇન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવી તેનો ફોટો બનાવી બીભત્સ લખાણ લખવા અંગે સાયબર ક્રાઈમ માં ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરી ની કલાકો માં આરોપી ને ઝડપી લીધો હતો.
પોરબંદર શહેર માં રહેતી અને ખાનગી શાળા માં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી ત્રીસ વર્ષીય મહિલા એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ગત તા ૧૨-૧ ના રોજ પોતાના મોબાઈલ માં ઇન્સ્ટાગ્રામ એપ્લીકેશન ખોલતા તેમાં તેના નામનુ એક ફેક એકાઉન્ટ નજરે ચડ્યું હતું.આથી તેઓએ તેની પ્રોફાઈલ ખોલી ને જોતા તેમાં તેઓનો ફોટો અપલોડ થયેલ હતો.તથા ફોટા ની નીચે બીભત્સ લખાણ લખ્યું હતું.આથી તેઓ ચોંકી ઉઠ્યા હતા.અને આ અંગે તેઓએ તુરંત પોતાના પતી ને જાણ કરી હતી.જેથી તેના પતી એ સાયબર પોર્ટલ પર આ અંગે ફરિયાદ લખવી હતી.
જે અરજી પોરબંદર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે આવતા પોલીસે તે એકાઉન્ટ ની ઇન્સ્ટાગ્રામ પાસે થી માહિતી માંગતા ઇન્સ્ટાગ્રામ દ્વારા આ આઈડી ચોક્કસ મોબાઈલ નંબર પર થી બની હોવાથી તે નંબર ના વપરાશકર્તા સામે શિક્ષિકાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.જે અંગે સાયબર ક્રાઈમ ના ઇન્ચાર્જ પી આઈ કે આઈ જાડેજા એ તપાસ હાથ ધરતા આ નંબર એક ૧૬ વર્ષીય તરુણ નો હોવાનું સામે આવ્યું હતું.આથી તરુણ ને તેના વાલી સાથે પોલીસ સ્ટેશને બોલાવતા તરુણે એવું જણાવ્યું હતું કે પોતે અગાઉ તે શિક્ષિકા પાસે અભ્યાસ કરતો હતો.અને પોતાના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ વધારવા માટે આ કૃત્ય કર્યું હોવાની કબુલાત આપી હતી.આથી પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી તરુણ ને બાળ અદાલત માં રજુ કરવા તજવીજ હાથ ધરી છે.
આ બનાવ એ વાલીઓ માટે લાલબત્તી સમાન છે.21મી સદીને જ્ઞાન અને માહિતીની સદી કહેવામાં આવે છે.વર્તમાન સમયમાં આધુનિક ટકનોલોજી અને સોશિયલ મીડિયાનો વ્યાપ એટલો ઝડપથી વધ્યો છે કે, બહુ ઓછા સમયમાં અનેક લોકોના સંપર્કમાં પહોંચી શકાય છે. ફેસબુક, ટ્વીટર, વ્હોટ્સએપ અને બીજી ઘણીબધી સાઈટ્સના માધ્યમથી લોકો પોતાની અભિવ્યક્તિને અનેક લોકો સુધી સરળતાથી પહોંચાડી શકે છે.
પરંતુ જેમ એક સિક્કાની બે બાજુ હોય છે તેમ સોશિયલ મીડિયાના પણ સારા-ખરાબ પરિબળો છે. હાલમાં દિવસેને દિવસે સોશિયલ મીડિયા સાઇટ તેમજ સોશિયલ મીડિયાને લગતી એપ્લિકેશનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ટીનેજર્સ થી લઇ એડલ્ટ એજ સુધીના વ્યક્તિઓમાં સોશિયલ મીડિયા સાઇટ તેમજ એપ્લિકેશનને લઈ ક્રેઝ જોવા મળી રહ્યો છે.તો બીજી તરફ વર્તમાન સમયમાં મોટાભાગના બાળકો ટાઈમપાસ કરવા માટે ટીવી જોયા કરે છે અથવા કોમ્પ્યુટર અને ઈન્ટરનેટનો વપરાશ કરે છે.બાળકોએ વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી આવી વસ્તુઓ સમજી વિચારીને વાપરતાં શીખવું જોઈએ, જેથી તેના ગેરફાયદાથી બચી શકાય. બાળકોના વાલીઓએ પણ તેને આમ કરવા માટે પ્રેરણા આપવી જોઈએ.
જોકે “અતિ સર્વત્ર વર્જ્યતે” એ સંસ્કૃત ઉક્તિ પ્રમાણે કોઈપણ વસ્તુનો તેની મર્યાદામાં રહીને ઉપયોગ થાય તો લાભ છે અને જો વધુ ઉપયોગ કરવામાં આવે તો નુકસાન નોતરે છે. જેથી કહી શકાય કે, વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાને અવગણી પણ શકાય નહીં અને અતિરેક પણ યોગ્ય નથી. સોશિયલ મિડિયાના વધુ પડતાં ઉપયોગ પછી તેની લત છોડાવવા માટે ક્યારેક મનોચિકિત્સકની પણ સલાહ લેવી પડે તેવી સ્થિત સર્જાય છે. જો કે આજે સોશિયલ મીડિયાની ટેક્નોલોજીને સ્વીકારવા વિના છુટકો જ નથી. એટલે સેફ ગૂગલ, કન્ટેન્ટ ફિલ્ટરિંગ કરીને પેરેન્ટ્સે જાતે જ બાળકોને સાયબર એજ્યુકેટ કરવા જોઇએ. હાલ ના સમય માં બાળકો માટે સંસ્કારની સાથે સાયબર એજ્યુકેશન પણ આપવું હવે જરૂરી છે. તેમને સાઇબર ક્રાઇમ વિશે અવેર કરવા જોઇએ. આજે વાલીઓ બાળકોને સમય નહીં ફોન આપી દે છે. જેનાથી સોશિયલ મીડિયાનો વપરાશ બાળકો વધુ કરે છે. તેની આડઅસર એ પડે છે કે તેમનું અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત થતું જ નથી. ઇન્ટરનેટના વધુ વપરાશથી મગજના આગળના ભાગ પર ગ્લુકોઝનું મેટાબોલિઝમ ઓછું થાય છે અને અધિરાપણું વધે છે તથા વિચારસરણી ઘટે છે, જે લાંબા ગાળે બાળકો માટે નુકશાનકારક છે. આ સોશિયલ મીડિયાને કારણે થતી સૌથી ગંભીર આડઅસર છે.