અરબી સમુદ્રના કિનારે આવેલા રાજ્યના છેવાડાના જિલ્લા પોરબંદરમાં અનેક પર્યટનસ્થળો હોવા છતાં પર્યટન ક્ષેત્રે વિકાસ થયો નથી. તે ઉપરાંત ઔદ્યોગિક, શૈક્ષણિક અને વેપારધંધા ક્ષેત્રે પણ ખાસ કોઇ સમૃધ્ધિ હોય તેવું જણાતું નથી. તેથી પોરબંદરના મહેર અગ્રણીએ જિલ્લાના વિકાસ માટે મહત્વના સૂચનો રજૂ કરીને વડાપ્રધાનને આવેદન પાઠવ્યું છે.
પોરબંદર જી.આઇ.ડી.સી.માં રહેતા મહેર અગ્રણી રામભાઇ વી.ઓડેદરાએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવીને જણાવ્યું છે કે અમારું શહેર પોરબંદર ગુજરાત રાજયના પશ્ચિમ છેડે દરિયા કિનારે આવેલું છે અને છેલ્લા ઘણા વર્ષોથી વિકાસમાં ખૂબ જ પાછળ રહી ગયું છે. આપને અમારી અપીલ છે કે અમારા શહેર પ્રત્યે સહાનુભૂતિ દાખવી અમારા શહેરને શકયતા દેખાય છેકે અમારી સૂઝ પ્રમાણે તમારી પાસે અપેક્ષા હોય એકમાત્ર વિકાસ માટે નજરે આવતું હોય તો અમારા શહેરમાં કંઇક રોજગારીની તકો વધે. અમારી અપેક્ષા આ છે, ‘પોરબંદરમાં મહાત્મા ગાંધીની વિશાળ પ્રતિમા મૂકવામાં આવે.’ આ વિશાળ પ્રતિમા દરિયા કિનારે ચોપાટી રાજમહેલ સામે ટાપુ બનાવી મૂકવામાં આવે અથવા પોરબંદરની નજીક કુછડી ગામ તરફ મૂકવામાં આવે જયાં વિશાળ ખાલી જગ્યા આવેલી છે.
આ પ્રતિમા મૂકવાથી પોરબંદરમાં પ્રવાસી વધશે, રોજગાર વધશે અને પ્રવાહમાં પાછળ રહી ગયેલું શહેર વેગ પકડી વિકસીત થશે. પોરબંદરની બન્ને બાજુ સરકારની દીર્ઘદ્રષ્ટિથી દેવભૂમિ દ્વારકામાં અને પ્રભાસપાટણમાં સોમનાથનો વિકાસ થયો છે. અહીં સોમનાથ મંદિર હોવાથી ઘણી સગવડો વધારાઇ અને ખૂબજ મોટા પ્રમાણમાં દર્શનાર્થીઓ આવે છે. એવી જ રીતે હાલમાં દેવભૂમિ દ્વારકામાં શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમા મુકવામાં આવનાર છે. આ બન્ને તીર્થસ્થાનોની વચ્ચે પોરબંદર આવેલું. અહીં મહાત્મા ગાંધીની પ્રતિમા મુકવામાં આવે તો આખો દરિયાઇ પટ્ટો સોમનાથ-પોરબંદર-દ્વારકા સુધી પ્રવાસન તરીકે વિકસીત થશે જેની સીધી અસર ધંધા રોજગાર પર થશે અને વર્ષાંતે લાખો પ્રવાસીઓ આવશે.
પોરબંદરમાં બધું જ ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર છે. જેમકે એરપોર્ટ, બંદર, હાઇવે તથા અન્ય રોડ રસ્તા તૈયાર છે. આજુબાજુમાં પૌરાણિક મંદિરો વગેરે આવેલા છે. કુદરતી બીચો આવેલા છે અને ઘણાં પ્રવાસીઓ મહાત્મા ગાંધીના જન્મસ્થાન કીર્તિમંદિરની મુલાકાતે આવે છે. જેમાં વિદેશી પ્રવાસીઓ પણ હોય છે. આ પ્રતિમા મુકવાથી પ્રવાસીઓ વધશે, દરિયાઇમાર્ગે, હવાઇ માર્ગે તથા હાઇવે પર પૂરી સગવડ હોવાથી લાખો પ્રવાસીઓ આવે છે.
અમારું શહેર દરિયા કિનારે હોવાથી ખારાશ ધરાવે છે. ખેતીમાં ખારાશ છે, ઉદ્યોગો નહીં બરાબર છે. જેમકે અમારી એકબાજુ ઘેડ વિસ્તાર આવેલો છે. જે વર્ષના સાત-આઠ મહિના પાણીમાં ડૂબ રહે છે. જે પચ્ચીસથી ત્રીસ ગામ અને એક લાખ જેટલી વસ્તી ધરાવતો વિસ્તાર છે. વર્ષમાં એક વખત પાક લેવાય છે. ખેતીવાડીમાં આમ ભલીવાર નથી. ઉદ્યોગ-ધંધામાં હાલ માત્ર સૌરાષ્ટ્ર સિમેન્ટ અને નિરમા ફેકટરી આવેલા છે. અમારો પોરબંદર જિલ્લો ખૂબજ નાનો અને છેવાડે આવેલો હોય નોકરી-ધંધા વિકસીત થયા નથી. અહીંનું જી.આઇ.ડી.સી. પણ મૃતપ્રાય અવસ્થામાં છે. અહીં ૧૯૫૬માં સૌરાષ્ટ્ર સિમેન્ટ, ૧૯૫૧માં સૌરાષ્ટ્ર કેમિકલ, ઓરિએન્ટ, એબ્રેસીવ શરૂ થયા હતા. જે ઓરીએન્ટ એબ્રેસીવ્સ હાલ બંધ હાલતમ છે. છેલ્લા ૪૯ વર્ષ પહેલા અમારા જિલ્લામાં મોટો ઉદ્યોગ આવ્યો હતો. ત્યારબાદ કોઇ જ હેવી ઇન્ડસ્ટ્રીઝ આવ્યા નથી. અહીં અમુક પ્રકારના ખનીજ આવેલા છે. પરંતુ આ ખનીજને લગતા ઉદ્યોગો પણ આવ્યા નથી.
અમારા શહેરને ૧૯૪૭ આઝાદી પછી પણ અન્યાય થતો આવ્યો છે. જેમાં ઇન્ડસ્ટ્રીઝ હોય, રેલ્વે હોય, હવાઇ સેવા હોય, વિકસિત શહેરીકરણ હોય, ગ્રામ્ય વિકાસ હોય કે બંદર હોય, લાંબા અંતરની ટ્રેનો ઓછી ફાળવાઇ, હવાઇ સેવા આજ પણ બંધ છે., ઇન્ડસ્ટ્રીઝ કોઇ આપવામાં ન આવી. ગ્રામ્ય ન વિસ્તારમાં પૂરી સગવડો નથી. સારી સ્કૂલ-કોલેજો નથી અને રોજગારના નામે મીંડું છે. મત્સ્યોદ્યોગ અહીં ખૂબ વિકસ્યો હતો. પરંતુ હાલ એ પણ બંધ હાલતમાં હોય, મોટાભાગની બોટો બંધ છે. જે વિદેશી હુંડીયામણ ખૂબજ કમાય આપતો હતો પણ હાલ બંધ અવસ્થામાં છે. અમારું શહેર મહાત્મા ગાંધીના જન્મસ્થળથી દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. સાથે સાથે અહીં સુદામા મંદિર આવેલું છે. જે ભારતભરમાં એકમાત્ર મંદિર છે. કૃષ્ણસખા સુદામા મંદિરનું પણ એટલું જ મહત્વ છે.
અહીં પાંડવો ના વખતનું ખીમેશ્વર મહાદેવનું મંદિર છે અને તેની બાજુમાં જે બીચ છે. જાંબુવત ગુફા છે, નજીકમાં જ સોનકંસારી મંદિર, પુરાતન નવલખો મહેલ, માધવપુર બીચ આવેલા છે. માધવપુરમાં માધવરાયજી નું મંદિર આવેલું છે. અહીં દર વર્ષે માધવરાયનો મેળો ભરાય છે. જે ખૂબજ સુંદર આયોજન થાય છે અને માધવપુરને વિકસાવવા હાલ ટેન્ડર પણ થયું છે. આટલું જોતા અમોને લાગે છે કે અહીં ગાંધી પ્રતિમા મૂકવાથી પ્રવાસીઓ ખૂબજ વધી જશે અને અમોને એકમાત્ર વિકાસ પ્રવાસનનો નજરે આવે છે. અહીં સુંદર મજાનો ચોપાટી બીચ આવેલો છે ત્યાં રાજમહેલ સામે દરિયામાં ટાપુ બનાવી પ્રતિમા મુકવામાં આવે તો ખૂબજ રમણીય સ્થળ વિકાસ થશે. વિકાસ રૂપે કુછડી બાજુ પણ બીચ તથા પૌરાણિક ખીમેશ્વર મંદિર બાજુમાં મૂકવામાં આવે તો આ વિસ્તાર પણ વિકસીત થઇ શકે. આપનો ‘સૌનો સાથ સૌનો વિકાસ’ નારાને સાર્થક કરવા અમોને આપની વિકાસગાથાનો એક ભાગ બનાવી અમારા શહેરને ધમધમતું કરવામાં આપનો સયોગ જરૂર મળશે એવી અપેક્ષાએ અમો આપ તરફ જોઇ રહ્યા છીએ. તો અહીંના પ્રજાજનોના સુખ-સગવડમાં વધારો થાય તે માટે આ બાબતે યોગ્ય કરવા રામભાઇ વી. ઓડેદરા દ્વારા રજુઆત થઇ હતી.
રજૂઆત કરનાર રામભાઈ ઓડેદરા ની તસ્વીર