પોરબંદર
પોરબંદર માં વિદ્યાર્થીઓ પાસે થી શિક્ષણ સિવાય કોઈ કામગીરી ન કરાવવા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
પોરબંદરના પ્રાથમિક જીલ્લા શિક્ષણઅધિકારી કે.ડી. કણસાગરાએ જીલ્લાની તમામ પ્રાથમિક શાળાના આચાર્યોને પરિપત્ર પાઠવીને જણાવ્યું છે કે, બાળકોને શિક્ષણ આપવાને બદલે બાળકો પાસે મધ્યાહ્ન ભોજનના ઠામ-વાસણ, સંડાસ-બાથરૂમ તેમજ સફાઈ કરાવવામાં આવતી હોવા અંગેની રજૂઆત પૂર્વ કોંગ્રેસ પ્રમુખ નાથાભાઈ ભુરાભાઈ ઓડેદરા દ્વારા કરવામાં આવી છે.જેના અનુસંધાને તમામ પ્રાથમિક શાળાના આચાર્યો ને શાળાના બાળકો પાસે શિક્ષણ સિવાયના અન્ય કોઈ પણ કાર્યો ન કરાવવા સુચના આપવામાં આવી છે.
તેમજ શાળાની આસપાસના કોઈ પ્રકારની ગંદકી જેવી કે પાણી ભરાવવું, ઉકરડા વગેરે ફેલાવવા દેવી નહીં,કોઈ જાતની ઉકરડા જેવી ગંદકી જો આસપાસ ફેલાયેલી હોય તો ગામના સરપંચને જાણ કરી તાત્કાલીક ગંદકીની સાફસફાઈ કરવી. તેમજ શાળામાં ફરજ બજાવતા કર્મચારીઓને દરરોજ નિયમોનુસાર ઓનલાઈન હાજરી તથા હાજરી પત્રકમાં સહી કરવા પણ જણાવાયું છે.વધુમાં એવું પણ જણાવ્યું છે કે શાળામાં ફરજ બજાવતાં શિક્ષકો જ નિયમિત રીતે શાળાએ હાજર રહે અને શૈક્ષણિક કાર્ય કરાવે તેની ખાસ તકેદારી શાળાના આચાર્યએ રાખવાની રહેશે.જો કોઈ શિક્ષક ડમી શિક્ષક રાખી ફરજ બજાવતા હોય તેવું ભવિષ્યમાં શાળાની મુલાકાત દરમ્યાન ધ્યાને આવશે.અથવાશિક્ષણાધિકારી કચેરીને કોઈ આધાર પુરાવા સહિત આ બાબતે લેખિતમાં મળશે તો સંબંધિત વિરૂધ્ધ જવાબદારી નકકી કરી નિયમોનુસાર સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવશે.તેવું પણ જણાવાયું છે.