પોરબંદર
આપણે ત્યાં “જનની ની જોડ સખી નહીં જડે રે લોલ..”’ પંક્તિ ખૂબ જ પ્રખ્યાત છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન બધી જગ્યાએ પહોંચી શકતો નથી એટલે તેણે માતાનું નિર્માણ કર્યું છે. પરંતુ આજના આધુનિક યુગમાં કાળા માથાના માનવીઓમાં માતૃત્વની લાગણી ઘટતી જાય છે તે હકીકત છે. તો બીજી બાજુ મુંગા પશુઓમાં પોતાના બચ્ચાઓ પ્રત્યે કેટલી હદે પ્રેમ છે તેનો એક કરૂણાજનક કિસ્સો ગાંધી-સુદામાની નગરી પોરબંદરમાં બન્યો છે. જેમાં કાર હેઠળ એક શ્વાનનું બચ્ચું ચગદાઈ જતાં તેના મૃતદેહ ઉપર બેસીને તેની માતા આખી રાત્રી રડી હતી અને એક મિનીટ માટે પણ તેનાથી દૂર થઈ ન હતી.
જુઓ આ વિડીયો
ગ્લોબલ હોસ્પિટલ નજીક નો બનાવ
પોરબંદરના બિરલા હોલથી છાંયાચોકી પેટ્રોલપંપ તરફ જતા રસ્તે ગ્લોબલ હોસ્પિટલ ની બાજુ ની ગલી માં આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિર પાસે બનેલા આ બનાવની વિગત એવી છે કે આ વિસ્તારમાં “સ્વીટી’ નામની ફૂતરી જન્મ થી જ વસવાટ કરે છે અને ગત મહિને જ તેણે પાંચ જેટલા બચ્ચાઓને દિવાલ પાસે લાકડાની આડશમાં જન્મ આપ્યો હતો. આ બચ્ચાઓ મોટા થવાલાગતા આજુબાજુમાં ધીમેધીમે ચાલવા લાગ્યા હતા. એ દરમિયાન એક કારના ડ્રાઈવરે પોતાનું વાહન રીવર્સમાં લીધું ત્યારે તેની જાણ બહાર વ્હીલ પાસે રહેલ સ્વીટી નું એક બચ્ચું ત્યાં જ ચગદાઈ ગયું હતું અને મોઢામાંથી લોહી નીકળવા લાગતા રોકકળ કરવા લાગ્યું હતું. તેનો અવાજ સાંભળીને આજુબાજુમાં રહેતા લોકો દોડી આવ્યા હતા એટલું જ નહીં પરંતુ બચ્ચાની માતા પણ ત્યાં પહોંચી ગઈ હતી. અને જીવનના અંતિમ શ્વાસ લઈ રહેલ બચ્ચાના મોઢા ઉપર પાણી છાંટ્યું હતું પરંતુ ખૂબ જ ગંભીર ઈજા પહોંચી હોવાથી તે બચ્ચું માત્ર બે- ત્રણ મિનીટમાં જ મૃત્યુ પામ્યું હતું.
માતા અને બચ્ચાઓનો વલોપાત
પોતાના વહાલસોયા બચ્ચાના અચાનક મૃત્યુથી ખૂબ જ શોકમગ્ન બની ગયેલી સ્વીટી અને તેના અન્ય બચ્ચાઓ આ મૃતક બચ્ચાની લાશ ઉપર ખૂબ જ વલોપાત કરતા નજરે ચડ્યા હતા. એટલું જ નહી , પરંતુ બચ્ચાના મૃતદેહની આજુબાજુ માં ગોઠવાઈને તેની રક્ષા કરતા હોય તેમ બેસી ગયા હતા. કોઈ વ્યક્તિ તેની નજીક પણ જવાની કોશિષ કરે તો તેને ભસતા હતા અને જાણે કે બચ્ચાને કચડનાર કાર ડ્રાઈવરને પણ નિસાસા નાખીને કાંઈક રોષની લાગણી ઠાલવતા હોય તેવું જણાતું હતું.
બચ્ચાને જગાડવાની કૌશિષ
પોતાનું સંતાન મૃત્યુ પામ્યું છે તેવું હજુ આ સ્વીટીના ગળે ઉતર્યું ન હતું. તેથી લોહીલુહાણ હાલતમાં ફેરવાયેલા બચ્ચા ના મૃતદેહને જગાડવાની કોશિપ પણ સ્વીટી માતાએ કરી હતી. એટલું જ નહીં, પણ પોતાની જીભથી ચાટીચાટી ને તેનું લોહી પણ સાફ કર્યું હતું. પોતાના પગના બે પંજા વડે ઉઠાવવાની કોશિષ કરી હતી તેમ છતાં બચ્ચું જાગ્યું ન હતું ત્યારે અંતે કૂતરીને ખ્યાલ આવ્યો કે હવે પોતાનું બચ્ચું જીવીત નથી તેથી તે ત્યાં જ ફસડાઈ પડી હતી.
આખી રાત્રી મૃતદેહ ઉપર બેસીને માતા રડી
માણસો લાગણીહીન અને દયાહીન બનતા જાય છે, તો બીજી બાજુ પશુઓ કેટલી હદે લાગણીશીલ છે તેનો પુરાવો પોરબંદરમાં બનેલા બનેલ આ બનાવ બાદ સૌની સામે આવ્યો છે. જેમાં “પોતાના બચ્ચાને કોઈ ઉઠાવી જશે તો” તેવું માનીને સ્વીટી આખી રાત્રી બચ્ચાના મૃતદેહ ઉપર જ બેસીને’ ચોધાર આંસુએ રડતી જણાઈ હતી. ખૂબ જ હદયદ્રાવક એવી આ ઘટનામાં અમુક લોકોએ બચ્ચાના મૃતદેહને દૂર લઈ જવાની કોશિષ કરી તો તેઓને ભસવાની સાથોસાથ પોતાના બન્ને પગ વડે એકદમ કસોકસ બચ્ચાને પકડીને પોતાનાથી એક ઈંચ પણ દૂર થવા દીધું ન હતું. એટલું જ નહીં, પરંતુ આખી રાત્રી ઉજાગરો કરીને મૃતદેહની ચોકી કરતી હોય તેમ આ કૂતરી ત્યાં જ બેસી રહી હતી.
આજુબાજુના રહેવાસીઓ પણ જાગ્યા:બાળકો પણ જમ્યા નહી
પોરબંદરમાં બનેલી આ હૃદયદ્રાવક ઘટનાને નજરે નિહાળનારા અને આ વિસ્તારમાં રહેતા રહેવાસીઓ પણ સ્વીટીની સાથોસાથ જ કલાકો સુધી જાગ્યા હતા. અને શ્વાનના માતૃત્વને જોઈને તેઓની આંખોમાંથી પણ આંસુ કરૂણતાથી છલકાઈ ઉઠયા હતા. આમ, પોરબંદરમાં ગલુડીયાના વાહન અકસ્માતે મૃત્યુના આ બનાવે માત્ર શ્વાનને જ નહીં, પરંતુ જેમને ઈશ્વરે મગજ આપ્યો છે તેવા માનવીઓને પણ રડતા કરી દીધા હતા.બાળકોને પણ ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે અને સ્વાભાવિક રીતે જ નાના ભૂલકાઓને ગલૂડીયાઓ પ્રિય હોય છે. ત્યારે પોરબંદરમાં ગલૂડીયાનું મૃત્યુ થયું તે બનાવમાં આજુબાજુમાં રહેતા ભૂલકાઓ પણ રડી પડ્યા હતા. બચ્ચાના મૃતદેહ પાસે ઊભેલા બાળકો પણ પોતાના પરિવારના સભ્યોને “અમને ભૂખ નથી લાગી..સ્વીટીના બચ્ચાને કોઈ લઈ જશે તો..” તેમ કહીને કલાકો સુધી ત્યાં જ ઊભીને જમ્યા પણ ન હતા. બાળકોના શ્રાનપ્રેમને જોઈને પણ સૌ કોઈ ગદગદિત થઇ ગયા હતા.
દરેક કાર પાછળ દોડીને બચ્ચાના મોત નો રોષ ઠાલવતી માતા
પોરબંદરમાં પોતાની નજર સામે જ કાર નીચે કચડાયેલા બચ્ચાને જોયા બાદ સ્વીટી ના મનમાં પોતાના વ્હાલસોયા સંતાન નો ભોગ લેનાર કાર જેવા વાહનો પ્રત્યે નફરત થઈ ગઈ હોય તેમ આ વિસ્તારમાંથી જ્યારે કાર નીકળે ત્યારે તેની પાછળ પીછો કરીને ભસતી અને પોતાના બચ્ચાના મોત અંગે રોષ ઠાલવતી હતી.
બેફામ વાહન ચલાવતા ચાલકોને દર્દભરી અપીલ
પોરબંદર શહેરમાં શેરીએ-ગલીએ અને મુખ્ય રસ્તાઓ ઉપર હાલ ના સમય માં અનેક જગ્યાએ ગલૂડીયાઓ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. અને અસંખ્ય ગલૂડીયાઓના વાહનના ટાયર નીચે કચડાઈને વિકલાંગ બનવાના અને મૃત્યુ પામવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે બેફામ વાહન ચલાવતા ચાલકોને આ બનાવ બાદ દર્દભરી અપીલ એવી છે કે તેઓ જ્યારે વાહન ચલાવતા હોય ત્યારે આ પ્રકારના નાના જીવોનું પણ ધ્યાન રાખીને ડ્રાઈવીંગ કરે તે આવશ્યક છે. જે રીતે વાહન અકસ્માતમાં કોઈ માનવી મૃત્યુ પામે ત્યારે તેની ખોટ પરિવારજનો માટે ક્યારેય પૂરી શકાતી નથી તેવી જ રીતે શ્વાન કે અન્ય કોઈ પ્રાણીઓ વાહન નીચે કચડાય ત્યારે તેમની ખોટ પણ પૂરી શકાતી નથી ત્યારે વાહનચાલકો હવે આ બાબતને ધ્યાને રાખે તે ખૂબ જ જરૂરી છે.