પોરબંદર
પોરબંદર માં પિતા નું અવસાન થતા તેર વર્ષીય બાળકી એ પિતા ની અંતિમવિધિ કરી સમાજ ને અનેરો રાહ ચીંધ્યો છે
હિન્દુ સમાજમાં વર્ષોથી એવી માન્યતા છે કે દિકરાના હાથે જ માતા-પિતાની અંતિમ વિધિ કરવામાં આવે ત્યારે તેમના આત્માને શાંતિ મળે છે. પરંતુ દિવસે દિવસે હવે આ વિચારસરણીમાં પણ સુધારો આવી રહ્યો છે અને ઘણી જગ્યાએ દીકરીઓ તેમના માતા-પિતાના નિધન પછી અગ્નિદાહ આપવા સહિત ધાર્મિક વિધિઓ પણ કરીને સમાજને નોખી-અનોખી પ્રેરણા આપી રહી છે. ત્યારે પોરબંદરમાં લોહાણા સમાજની તેર વર્ષીય બાળકીએ તેના પિતાનું નિધન થતાં દોણી ઉપાડી અગ્નિદાહ આપીને તેની અંતિમ વિધિ કરીને માત્ર લોહાણા સમાજમાં નહીં અન્ય સમાજમાં પણ ઉમદા ઉદાહરણ પૂરું પાડયું હતું.
પોરબંદર લોહાણા સમાજના આગેવાન અને વનાણા જી.આઇ.ડી.સી. ખાતે વ્યવસાય ધરાવતા નિરજભાઇ ડોલરભાઇ ચોટાઇ(ઉવ ૪૭) સવારે તેના રોજીંદા નિયમ મુજબ મોર્નિંગ વોકમાં ગયા હતા ત્યારે એચ.એમ.પી.કોલોની પાસે તેમને છાતીમાં દુખાવો ઉપડતા તેઓ રોડ ઉપર જ ઢળી પડ્યા હતા આથી તેઓને સારવાર માટે ૧૦૮ મારફત સરકારી હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ તેઓને મૃત જાહેર કરતાં પરિવારજનોમાં શોક નું મોજું ફરી વળ્યું હતું
નિરજભાઇ ચોટાઇનું હાર્ટએટેકથી અવસાન થતા આ આઘાતજનક પરિસ્થિતિમાં તેની એકની એક તેર વર્ષીય લાડકવાયી દીકરી ખનકે પિતાની છત્રછાયા ગુમાવી હતી. પિતાની પરી અને લાડકી દીકરી પણ સ્વાભાવિક રીતે પરિવારજનોની જેમ ભાંગી પડી હતી. કેમકે આ રીતે અચાનક પિતાનું મૃત્યુ થશે તેવી તો તેને કલ્પના પણ ન હતી. દીકરાની જરૂર કાંધ આપવામાં અગ્નિદાહમાં પડે જ છે. કારણકે એ જ હિન્દુ સમાજના સંસ્કારો છે પરંતુ જેને દીકરો જ નથી દીકરી જ માત્ર સંતાન છે તેઓ શું કરે? ખનકે તેના માટે આપણા સમાજને સરસ ઉદાહરણ આપ્યું છે. આટલી નાની ઉંમરમાં આટલી બધી હિમ્મત દાખવીને તેના પિતાની દોણી ઉપાડી અગ્નિદાહ આપ્યો અને પરિવારને દિકરાની ખોટ સાલવા ન દીધી. ખરેખર, સમાજ માટે ખનક મોટું ઉદાહરણરૂપ છે. સમાજની દિકરીઓ માટે ખનકની આ હિમ્મત, પ્રેરણાદાયક છે. જે દીકરીઓને ઉદાહરણ રૂપ બની શકે છે. માત્ર લોહાણા સમાજને જ નહીં પરંતુ અન્ય સમાજને પ્રેરણાદાયી આ પ્રવૃત્તિને સૌએ બિરદાવી હતી અને આવકાર પણ આપ્યો હતો.