પોરબંદર
લોકસાહિત્યના ઘૂઘવતા સાગર સમા પદ્મશ્રી કવિ દુલાભાઈ ભાયાભાઈ કાગ (ગઢવી)નો જન્મ તા.૨૫/૧૧/૧૯૦૨ના રોજ થયો હતો.અમરેલી જિલ્લાના રાજુલા પંથકનું મજાદર (કાગધામ) એ તેઓની કર્મભૂમિ છે.કવિ પાંચમા ધોરણ સુધી ભણ્યા હતા પણ આજે તેમની કવિતાઓ પ્રાથમિકથી લઇ અનુસ્નાતક કક્ષા સુધી ભણાવવામાં આવે છે.
કવિ કાગે કંઠ, કહેણી અને કવિતાનો સુમેળ સાધીને જ્ઞાન, ભકિત અને વૈરાગ્ય જેવા વિષયો પર અણમોલ સાહિત્યની રચના કરી છે. બાળપણથી જ ભક્તિના સંસ્કાર રોપાયા.દશ વર્ષની વયે ગૌસેવાનું વ્રત લીધું.મુક્તાનંદ સ્વામીના આશીર્વાદ થી દુલાના હૈયાનાં દ્રાર ખુલી ગયા અને લોકજીવનના વાલ્મીકિ બન્યા. ‘વિચારસાગર’, ‘પંચદર્શી’અને વાણી સાથે વહેતી થયેલી દુલા કાગની કાવ્ય સરવાણી આગળ જતાં અસ્ખલિ ધોધ બની રહી.
પરંપરાગત ચારણી ઘાટીના એમના કાવ્યગાને હજારો ની સભાઓ ડોલાવવા માંડી.એમણી રચેલી ‘કાગવાણી’નું ગુંજન લોકોનું સંસ્કારધન બની ગયું છે. વિનોબાજીના ભૂદાનના ખ્યાલને એમણે આત્મસાત કરી તેમણે પોતાની જમીન ભૂદાન આંદોલનમાં દાન કરી દીધી હતી.મહાભારત અને રામાયણ જેવા પ્રાચીન ગ્રંથોની ગહન વાણીને સરળ ભજનો દ્વારા રજૂ કરી છે તેથી જ તેઓ ભગતબાપુના ઉપનામથી પણ જાણીતા છે.
ભજનો ઉપરાંત દોહા-છંદ, કવિત, છપ્પય, સવૈયા વગેરે ક્ષેત્રે પણ તેઓનું નોંધપાત્ર પ્રદાન છેવિનોબા બાવની, સોરઠ બાવની, ચંદ્ર બાવની, તો ધર જાશે જાશે ધરમ, ગુરૂ મહિમા, શકિત ચાલીસા ઉપરાંત કાગવાણી ભાગ – ૧ થી ૮ માં લોક પરંપરાના પ્રાચીન કલેવરમાં અર્વાચીન સંવેદનાઓ ગૂંથવાનો કવિએ ઉમદા પ્રયત્ન કર્યો છે.
રવીન્દ્ર પારિતોષિક ઉપરાંત ભારત સરકારે ૧૯૬૨ માં પદ્મશ્રીના ખિતાબથી તેઓનું બહુમાન કર્યું હતું ૨૫ નવેમ્બર ૨૦૦૪ના રોજ ભારત સરકારના ટપાલ વિભાગ તરફથી તેમના માનમાં ૫ રૂપિયાની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. હવે યુવાપેઢીને પણ ચારણી સાહિત્ય અને ડાયરામાં રજૂ થતાં ગીતો અને દુહા છંદ નો ચસ્કો લાગ્યો છે
‘હે જી તારે આંગણીયે પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો તું આપજે’, ‘પગ મને ધોવા દો રઘુરાય’ અને ‘હૈયા કેરી હાટડી ખોલો બેસી રે તારે બાર જી કાગ કોઈ ઝવેરી મળી જાશે, તારો બેડો થાશે પાર’ જેવી કાવ્ય પંક્તિઓ તો આજે પણ ગુજરાતઓની લોકજબાન પર રમે છે.
ગુજરાતે તો કવિ કાગને મન ભરી માનપાન આપ્યા છે. તેમનું જન્મ અને મૃત્યુસ્થાન મજાદર આજે કાગધામ તરીકે ઓળખાય છેએમનો ચારણીછાંટવાળો શબ્દદેહ,ભજન, પ્રાર્થના, દુહા જેવા સ્વરૂપોમાં જીવી રહ્યો છે ચારણ કુળમાં જન્મેલા કાગ આપણી ભાષાના આગવા રચનાકારોમાં શીર્ષસ્થ છે.તેમની રચનાઓ લોકબોલીમાં,તળપદી શૈલીમાં ખૂબ ગહન, વિચારપ્રેરક અને ચિંતનપ્રદ બોધ આપી જાય છે.
ત્યારે પોરબંદર માં મણીયારા માટે વિખ્યાત એવા ગાયક મુળુભાઈ બારોટ ના જીવન માં પણ નાનપણ થી કવી કાગ નું અનેરું મહત્વ રહ્યું છે.તેઓના ભજન ગાઈ ને જ મોટા થયેલા મુળુભાઈ બારોટે પણ કવી કાગ ની જન્મજયંતિ નિમિતે તેઓના દુહાઓ ગાઈ અને તેઓને યાદ કર્યા હતા.
જુઓ આ વિડીયો