પોરબંદર
પોરબંદર પીજીવીસીએલ સર્કલ દ્વારા વીજચોરો પર તવાઈ બોલાવી પાંચ દિવસ માં જ એક કરોડ થી વધુ રકમ ની વીજચોરી ઝડપી લીધી છે.
પીજીવીસીએલ નિગમિત કચેરીના વિજીલન્સ વિભાગની સુચના મુજબ તા ૧૮ થી ૨૨ દરમ્યાન પોરબંદર પીજીવીસીએલ સર્કલ અંતર્ગત કોર્પોરેટ ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરાયું હતું.જેમાં વર્તુળ કચેરી હેઠળની પોરબંદર કોસ્ટલ, બગવદર, રાણાવાવ,રાણા કંડોરણા,કુતિયાણા,ચોરવાડ,માંગરોળ ગ્રામ્ય,માધવપુર,કેશોદ શહેર, કેશોદ ગ્રામ્ય-૧,ગ્રામ્ય-ર,માળીયા સહિતની પેટા વિભાગીય કચેરીઓ હેઠળ આવતા ફિડરોમાના વધુ વીજ લોસ ધરાવતા ફિડરોના વિસ્તારોમાં આ વીજચેકિંગ કરાયું હતું.
વહેલી સવારે એસઆરપી તેમજ પોલીસ બંદોબસ્ત સાથે વિજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જે અન્વયે રહેણાંક હેતુ ના ૫૦૬૦ વિજ જોડાણો, વાણીજ્ય હેતુના ૨૭૯ વિજ જોડાણો અને ખેતીવાડીના ૩૫૬ વિજ જોડાણી ચેક કરવામાં આવ્યા હતા.જેમાં રહેણાંક હેતુના ૫૫૪ વિજ જોડાણોમાં,વાણીજ્ય હેતુના ૩૪ વિજ જોડાણમાં અને ખેતીવાડીના ૪૬ વિજ જોડાણોમાં ગેરરીતી સામે આવતા ગેરરીતી કરનારને ૧ કરોડ ૫ લાખ ૯૧ હજાર ના દંડનીય પુરવણી બીલો આપવામાં આવ્યા હતા.જેના કારણે વિજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે.હાલમાં પીજીવીસીએલ ની પોરબંદર વર્તુળ કચેરી હેઠળ વીજલોસનું પ્રમાણ વધવા પામ્યું છે.જેથી વિજ ચોરીને કારણે તંત્રને ભોગવવો પડતો વિજ લોસ ઘટાડવા સતત વિજ ચેકિંગ ડ્રાઈવો યોજવામાં આવી રહી છે.હજુ આગામી સમય માં પણ ડ્રાઈવ યોજાશે તેવું પીજીવીસીએલનાં અધિકારીઓ એ જણાવ્યું હતું.