પોરબંદર
પોરબંદર પાણી પુરવઠા બોર્ડ દ્વારા એક વર્ષ માં પાણી ના 3529 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા જેમાં 260 સેમ્પલ અનફિટ થયા છે.દરિયાઈ પટ્ટી ના ગામો માં ટીડીએસ અને ક્ષાર નું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું.
પોરબંદર પાણી પુરવઠા બોર્ડ કચેરી દ્વારા સમયાંતરે જિલ્લાના વિવિધ ગામો માં કુવા, પાણી ના ટાંકા ,બોર ,તળાવ,નદી, હેન્ડપમ્પ વગેરે માંથી પાણીના સેમ્પલ લેવામા આવે છે.અને આ સેમ્પલને કચેરી ખાતે આવેલી લેબોરેટરી માં ટેસ્ટ કરવામાં આવે છે.જેમાં બે પ્રકાર ના ટેસ્ટ કરવામાં આવે છે.આ અંગે માહિતી આપતા પાણી પુરવઠા બોર્ડ ના ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર વી પી ચૌહાણે જણાવ્યું હતું કે પાણીના કેમિકલ અને બેક્ટેરિયલ એમ બે પ્રકાર ના ટેસ્ટ કરવામાં આવે છે.જીલ્લા માં દરિયાઈ પટ્ટી ના ગામોના પાણીમાં ટીડીએસ એટલેકે ક્ષારનું પ્રમાણ વધુ હોય છે.તેમજ પાણી ના તળ ઊંડા હોવાને કારણે નાઇટ્રેટ નું પ્રમાણ પણ વધુ જોવા મળે છે.
છેલ્લા એક વર્ષ દરમ્યાન પાણી ના 3529 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેનો ટેસ્ટ કરતા તેમાંથી 260 સેમ્પલ અનફિટ થયા હતા.જેમાં 1087 સેમ્પલના કેમિકલ ટેસ્ટ માંથી 202 સેમ્પલ અનફિટ થયા ૨૪૪૨ સેમ્પલ ના બેક્ટેરિયલ ટેસ્ટ કરતા 58 સેમ્પલ અનફિટ મળી આવ્યા હતા.જે પાણી બેક્ટેરિયાલોજીક અનફીટ હોય તેવા કુવા,સંપના પાણીમાં બ્લીચિંગ પાઉડર નાખી તેને શુદ્ધ કરવામાં આવે છે.જો ખાનગી એકમોમાં અથવા ઘરના બોરમાં આ પ્રકારનું પાણી હોય તો વાસ્મો વિભાગ દ્વારા સમયાંતરે માર્ગદર્શન પૂરું પાડી બ્લીચીંગ પાવડર પણ આપવામાં આવે છે.અનફિટ થતા પાણીને સ્ટોર કરીને લિકવિડ બ્લીચિંગ પાવડરથી ક્લોરીનેશન કરવામાં આવે છે.
અનફિટ સેમ્પલ વાળા વિસ્તાર માં ચોમાસા પૂર્વે અને પછી સર્વે કરવામાં આવે છે.અને સબ ડિવિઝનને જાણ કરવામાં આવે છે.તથા પાણી પીવાલાયક ન હોવાનું જણાવી પાણી પુરવઠા યોજનાના પાણીનો વપરાશ કરવા સૂચન કરવામાં આવે છે.પાણીનું સેમ્પલ લેબમાં આવ્યા બાદ 24 કલાકમાં તેનો કેમિકલ ટેસ્ટ કરવામાં આવે છે,અને બેક્ટેરિયા લોજીકલ ટેસ્ટ કરતા 48 કલાક થાય છે.આમ પાણી પીવાલાયક છે કે નહીં તે ચેક કરતા કુલ ત્રણ દિવસ લાગે છે.
જો પીવાના પાણીના સેમ્પલ ટેસ્ટ અનફિટ આવે અને આ અનફિટ પાણી પીવામાં આવે તો પાચનતંત્રના રોગ થાય, ક્ષાર વાળું પાણી પીવાથી પથરી થાય.નાઇટ્રેટના કારણે બાળકોમાં બ્લુબેરી નામનો રોગ થાય.ફ્લોરાઈડનું પ્રમાણ વધારે હોય તો ફ્લોરોસીસ નામનો રોગ થાય જેમાં દાંત પડી જાય,સાંધા જકડાઈ જાય.પાણીમાં બેક્ટેરિયા આવે તો ઝાડા ઉલટી થાય અને શરીરમાં ખંજવાળ આવે છે.