પોરબંદર
પોરબંદર શહેર ને પ્લાસ્ટિક મુક્ત કરવા પાલિકા એ નવી પહેલ શરુ કરી છે જેમાં રાજકોટ ની એક કંપની સાથે મળી અને પાલિકા દ્વારા તમામ પ્રકાર ના નકામાં પ્લાસ્ટિક ની ખરીદી શરુ કરવામાં આવી છે જેના માટે ખાસ પ્લાસ્ટિક રીકવરી સેન્ટર ઉભું કરી અને પ્લાસ્ટિકની ચીજ વસ્તુ બદલ લોકો ને સારું એવું વળતર પણ આપવામાં આવે છે.
પ્લાસ્ટિકે પર્યાવરણને કેટલું નુકસાન પહોંચાડ્યુ છે તે જાણવા માટે કોઈ સંશોધન કરવાની જરૂર નથી. દરરોજ આપણા દેશમાં હજારો કિલો પ્લાસ્ટિકનો કચરો એકઠો થાય છે. તેનો નિકાલ કરવો એક મોટી સમસ્યા બની ગયો છે. આથી
ગાંધીભૂમિ પોરબંદર નગરપાલિકા એ એક નવી પહેલ શરુ કરી છે તે અંતર્ગત પોરબંદર પાલિકા પ્લાસ્ટિક નો કચરો એકત્ર કરનાર સહીત તમામ લોકો ને પ્લાસ્ટિકના કચરાના બદલામાં સારું એવું વળતર આપશે. આ અંગે માહિતી આપતા પોરબંદર પાલિકા ના ચીફ ઓફિસર રૂદ્રેશભાઈ હુદડે જણાવ્યું હતું કે પ્લાસ્ટિકનો કચરો એક એવી વસ્તુ છે, જેનાથી સરળતાથી છુટકારો નથી મેળવી શકાતો,તેનાથી આપણા પર્યાવરણને પણ ઘણું જ નુકશાન પહોચે છે. ખાસ કરીને દરિયાઈ અને પ્રવાસન સ્થળો ની વાત કરીએ તો અહિયાં આ સમસ્યા સૌથી વધુ જોવા મળે છે. દરિયામાં તો હવે માછલીઓથી વધુ કચરો જોવા મળે છે. જો આમ જ ચાલતું રહ્યું તો તે દિવસ દુર નથી, જયારે આપણું પર્યાવરણ ઘણા મોટા સંકટમાં પડી જાય.તો બીજી તરફ પ્લાસ્ટિક ના કચરા ના કારણે ગટરો જામ થવાની સમસ્યા પણ વધુ રહે છે આથી પાલિકા દ્વારા શહેર ના લીમડા ચોક ખાતે એક પ્લાસ્ટિક ની નકામી ચીજ વસ્તુઓ માટે નું ખરીદી કેન્દ્ર શરુ કર્યું છે જેમાં રાજકોટ ની અક્ષર એન્જીનીયર નામની કંપની સાથે મળી ને આ કેન્દ્ર શ્રી કરવામાં આવ્યું છે જેમાં કોઈ પણ વ્યક્તિ પ્લાસ્ટિક બોટલ એક કિલો આપશે તો તેને દસ રૂપિયા વળતર,પ્લાસ્ટિક ની ઝબલા થેલી સહીત ની કોથળીઓ ના એક કિલો ના ચાર રૂપિયા તેમજ વેફર, બિસ્કિટ્સ, નમકીન, ચિપ્સ, ચા પત્તીનાં પેકેટ,દૂધ ની થેલી , મેગીથી માંડીને સર્ફ સુધી ના તમામના પ્લાસ્ટિક પેકિંગ નું એક કિલો નું એક રૂપિયો વળતર આપવામાં આવશે. પાલિકા દ્વારા કેટલાક વેસ્ટ પીકર પણ તૈયાર કરાયા છે જેમને આજે પાલિકા દ્વારા પ્લાસ્ટિક એકત્ર કરવા માટે માસ્ક અને હેન્ડ ગ્લોવ્સ આપવામાં આવ્યા હતા ઉપરાંત તમામ નું રજીસ્ટ્રેશન કરી આઈ કાર્ડ પણ આપવામાં આવ્યા હતા.જે કાર્યક્રમ માં પાલિકા પ્રમુખ અશોકભાઈ ભાદ્રેચા,ચીફ ઓફિસર રુદ્રેશભાઈ હુદડ તેમજ હેલ્થ ઓફિસર જગદીશભાઈ ઢાંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
બજારભાવ કરતા વધુ ભાવ અપાતા પાંચ દિવસ માં જ ત્રણ ટન પ્લાસ્ટિક એકત્ર થયું
આ રીકવરી સેન્ટર માં લોકો ને પ્લાસ્ટિક નું જે વળતર આપવામાં આવે છે તે શહેર ના અન્ય વેપારી કરતા અને બજારભાવ થી પણ વધારે છે. શહેર માં પ્લાસ્ટિક નો બોટલ ના વધુ માં વધુ સાત થી આથી રૂપિયા એક કિલો ના મળે છે જયારે અહી એક કિલો ના દસ ચુકવવામાં આવે છે તો અન્ય પ્લાસ્ટિક વેસ્ટ ના શહેર માં ત્રણ રૂપિયા એક કિલો ના છે તો અહી એક કિલો ના ચાર ચુકવવામાં આવે છે અને જે પ્લાસ્ટિક ની બજાર માં કોઈ કીમત જ નથી તેવા વેફર ના પાંચ,દુધી ની થેલી સહીત અન પેકિંગ માં વપરાતા પ્લાસ્ટિક વેસ્ટ ના પણ અહી એક કિલોનો એક રૂપિયો ચુકવવામાં આવે છે જેથી પાલિકા દ્વારા પાંચ દિવસ થી પ્રાયોગિક ધોરણે આ કેન્દ્ર શરુ કર્યું છે તેમાં જ ત્રણ ટન થી વધુ પ્લાસ્ટિક એકત્ર થઇ ચુક્યું છે અને પાલિકા ના સફાઈ કામદારો પણ અહી મોટી સંખ્યા માં પ્લાસ્ટિક જમા કરાવી અને વળતર મેળવી રહ્યા છે.તેમજ તમામ ને કેન્દ્ર ખાતે જ વળતર રોકડું ચૂકવી દેવામાં આવે છે ખાનગી કંપની આ એકત્ર કરાયેલ પ્લાસ્ટિક ને સિમેન્ટ ફેક્ટરી તેમજ વિવિધ વેસ્ટ એનર્જી કંપની ને ફયુલ બનાવવા ઉપરાંત પ્લાસ્ટિક ના દાણા ની કંપની ને સપ્લાય કરશે
ઉલ્લેખનીય છે કે પ્લાસ્ટિકનો નિકાલ આજે સમગ્ર વિશ્વ સામે એક મોટો પડકાર બની ગયો છે. તેનો આહાર-શ્રુંખલામાં પ્રવેશ થવાથી અસંખ્ય જીવો તેનો ભોગ બની રહ્યા છે, જેની સૌથી ખરાબ અસર દરિયાઈ જીવો પર થઈ રહી છે. આ મુદ્દા પર વિશ્વના લગભગ બધા જ દેશો ખુબ ગંભીરતાથી વિચારી રહ્યા છે, તથા ઘણાં જાગૃત લોકો પણ પોત પોતાની રીતે આની પાછળ મહેનત કરી રહ્યા છે. જયારે રસ્તા પર નકામાં પડેલા પ્લાસ્ટિકની કિંમત મળતી હોય તો તેને લોકો કચરારૂપે જોતા નથી, અને તેને ગટરો કે દરિયામાં ફેંકવાની જગ્યાએ તેને પ્લાસ્ટિક ખરીદી કેન્દ્ર માં જમા કરાવીને તેનું વળતર મેળવી શકે છે. આમ પર્યાવરણમાંથી પ્લાસ્ટિક તો સાફ થાય જ છે પરંતુ સાથે સાથે લોકોને રોજગારી પણ મળે છે