પોરબંદર
પોરબંદર માં મેડીકલ કોલેજ ની મંજુરી અંગે કોંગ્રેસ લીંબડજશ લેતી હોવાના આક્ષેપ ભાજપ દ્વારા કરવામાં આવ્યા છે. અને મેડીકલ કોલેજ ને 3 વર્ષ પહેલા ધારાસભ્ય ની રજૂઆત ને પગલે મંજુરી મળી હોવાનુ પણ જણાવ્યું છે.
પોરબંદર જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયા એ જણાવ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી પોરબંદરમાં મંજૂર થયેલી મેડીકલ કોલેજની મંજૂરી રદ થઈ છે તે અને મેડીકલ કોલેજને લગતી સ્ટાફ સહિતની અન્ય પ્રક્રિયાઓ અમારે કારણે થઈ રહી છે તે પ્રકારના પોકળ દાવાઓ કોંગ્રેસના કહેવાતા આગેવાન દ્વારા અખબારોમાં પ્રસિધ્ધ કરવામાં આવી રહ્યા છે.કોંગ્રેસના આગેવાન પાસે મેડીકલ કોલેજ મંજૂર થયાની પૂરેપૂરી વિગતો ન હોય તો પોતાની રાજકીય ક્ષમતા બહારના આ પ્રકારના પોકળ દાવાઓ અખબારમાં પ્રસારિત ન કરવા જોઈએ.તેમજ મેડીકલ કોલેજની મંજૂરી બાબતે લીંબડ જશ લેવાનું બંધ કરવું જોઈએ પરંતુ આદત સે મજબૂર હોય તે રીતે પોરબંદર કોંગ્રેસના તમામ નાના મોટા કાર્યકરોમાં બીજાએ તૈયાર કરેલી થાળીમાં જમવાની કુટેવ ઘર કરી ચૂકી છે.આથી તેઓ દરેક બાબતોમાં લીંબડ જશ લેવાનું ચૂકે નહીં તે સ્વાભાવિક છે.
ભાજપના આગેવાન મેડીકલ કોલેજ મંજૂર થયાની સીલ સીલાવાર આધાર પુરાવા સાથેની વિગતો રજૂ કરતા જણાવે છે કે, ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ ૨૬ બેઠકો ઉપર ભાજપનો ભવ્ય વિજય થયા બાદ ગુજરાત વિધાન પરિષદની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ભાજપના તત્કાલીન પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી દ્વારા એ પ્રકારની જાહેરાત કરવામાં આવેલી કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ બેઠકો જીતવાની ખુશીમાં રાજયની તમામ વિધાનસભા બેઠકમાં રૂા.૫૦૦ કરોડ સુધીના વિકાસના કામો આપવામાં આવશે. વિધાન પરિષદની બેઠકમાં થયેલી આ પ્રકારની જાહેરાતના અનુસંધાને ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા દ્વારા તા.૨૦/૬/૨૦૧૯ના પત્રથી રાજયના તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ભાજપના તત્કાલીન પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને રાજયના તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલને પોરબંદર જિલ્લામાં સુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ અથવા મેડીકલ કોલેજ મંજૂર કરવા માટે રજુઆત કરેલ હતી.
આ ઘટનાક્રમ દરમ્યાન કેન્દ્રીય કેબીનેટે દેશમાં રૂા.૨૪૩૭૫ કરોડના ખર્ચે ૭૫ નવી મેડીકલ કોલેજો સ્થાપવા માટે નિર્ણય કરેલ હતો. જે અનુસંધાને ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાએ તા.૦૨/૦૯/૨૦૧૯ના પત્રથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને રજુઆત કરેલ કે ભારત સરકાર રાષ્ટ્રપિતા પૂજય મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવવા જઈ રહી છે ત્યારે કેન્દ્રીય કેબીનેટ દ્વારા મંજૂર કરવામાં આવેલ ૭૫ મેડીકલ કોલેજો પૈકી એક કોલેજ ખાસ કિસ્સા તરીકે રાષ્ટ્રપિતા પૂજય મહાત્મા ગાંધીની જન્મભૂમિ એવા પોરબંદરને ફાળવવામાં આવે. બાબુભાઈ બોખીરીયાએ વડાપ્રધાનને કરેલી આ પ્રકારની રજુઆત તેમજ બાબુભાઈ બોખીરીયાની રજુઆતને ધ્યાને લઈ, ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને કરેલી ભલામણના પરિણામ સ્વરૂપ રાષ્ટ્રપિતા પૂજય મહાત્મા ગાંધીની જન્મભૂમિ એવા પોરબંદરને મેડીકલ કોલેજની ભેટ મળવા પામી છે.આ રીતે રાજય સરકાર અને બાબુભાઈ બોખીરીયાની રજુઆતથી જ પોરબંદરમાં મેડીકલ કોલેજ મંજૂર થઈ હોવાનું જગ જાહેર હોવા છતાં કોંગ્રેસના અમૂક કહેવાતા આગેવાનો મેડીકલ કોલેજ બાબતે હાસ્યાસ્પદ રીતે લીંબડ જશ લઈ રહ્યા છે.
પોરબંદર ખાતે મેડીકલ કોલેજની મંજૂરી મળ્યા બાદ બાબુભાઈ બોખીરીયાએ તા.૧૬/૧૦/૨૦૧૯ના પત્રથી પોરબંદરને મેડીકલ કોલેજની ભવ્ય ભેટ આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પોરબંદરવાસીઓ તરફથી અભિનંદન પાઠવી, ભવિષ્યમાં મેડીકલ કોલેજનું ખાતમુહુર્ત કરવાનું થાય ત્યારે તેઓના વરદ્ હસ્તે જ થાય તેવી લાગણી અને માગણી પણ કરેલ હતી એ પછી વડાપ્રધાન જે તે વખતે માધવપુરના મેળામાં પધારવાના હતા તે સમયે પણ બાબુભાઈ બોખીરીયાએ તા.૦૧/૦૩/૨૦૨૦ના પત્રથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મેડીકલ કોલેજના ખાતમુહર્ત માટે સમય ફાળવવા માટે ભલામણ કરેલ હતી.પરંતુ કોરોનાકાળને કારણે વડાપ્રધાનનો માધવપુરના મેળાનો કાર્યક્રમ રદ થતાં મેડીકલ કોલેજનો ખાતમુહૂર્તનો કાર્યક્રમ પણ મુલત્વી રહેલ હતો.હવે રહી વાત વહીવટી પ્રક્રિયાઓની તો જે પ્રોજેકટ ખુદ વડાપ્રધાન મંજૂર કરતા હોય,તે પ્રોજેકટની વહીવટી પ્રક્રિયાઓ તો પ્રોજેકટ મંજૂર થયાના દિવસથી જ શરૂ થઈ જતી હોય છે.
તેથી પોરબંદર ખાતે મેડીકલ કોલેજ મંજૂર થયાના દિવસથી જ બિલ્ડીંગ, સ્ટાફ સહિતની તમામ પ્રકારની વહીવટી પ્રક્રિયાઓ શરૂ થઈ જવા પામી હતી.જે આજે પરિણામમાં પરિણમી છે.આથી આ બધું અમારા કારણે થઈ રહ્યું છે તેઓ પોકળ દાવો કરવાની કે જશ ખાટવાની કોંગ્રેસના આગેવાનને જરૂર નથી.આમ પણ કોઈપણ રાજકીય આગેવાનની ક્ષમતા મામલતદાર કચેરી સુધીની હોય અને તે વડાપ્રધાન સુધીની ભલામણના ક્ષમતા વિહીન પોકળ દાવા કરે તો તેઓના આ પ્રકારના દાવાઓ આમ જનતામાં ચોકકસ હાસ્યાસ્પદ બને છે.આ વાતની કોંગ્રેસના આગેવાનને ખબર હોવી જોઈએ. ઉપરાંત, પોરબંદરમાં મેડીકલ કોલેજની મંજૂરી રદ થઈ જ નથી આથી મેડીકલ કોલેજની મંજૂરી રદ થઈ હોવાનો જે તે વખતનો અહેવાલ પણ કોંગ્રેસ દ્વારા ફેલાવવામાં આવેલા હળાહળ જૂઠાણાથી વિશેપ કાંઈ ન હોવાનું ભાજપના આગેવાન સ્પષ્ટપણે જણાવી રહ્યા છે.
અંતમાં ભાજપના આગેવાન જણાવે છે કે, નકારાત્મક રાજનીતી થકી બીજાએ તૈયાર કરેલી થાળીમાં જમવાની ઘર કરી ગયેલી કુટેવ કોંગ્રેસના નાના મોટા તમામ કાર્યકરોએ વહેલીતકે છોડી દઈ, અન્ય કોઈએ પણ મંજૂર કરાવેલા વિકાસકામો સહર્ષ સ્વીકારી, આવા કામોની આમ જનતામાં રચનાત્મક ચર્ચા કરવાની સારી ટેવ પાડવાની જરૂર છે.