પોરબંદર
પોરબંદર ની ખાસ જિલ્લા જેલમાં ૧૯ બેરેકમાં ૧૧૦ કેદીઓ સમાવી શકાય તેવી વ્યવસ્થા સામે હાલમાં ૧૮૦ જેટલા કેદીઓને રાખવામાં આવ્યા છે.એટલે કે ક્ષમતા કરતા વધુ કાચા કામના કેદીઓનો ભરાવો થયો છે.તેમાં પણ અનેક ગંભીર ગુન્હા નાં આરોપીઓ નો સમાવેશ થાય છે.
પોરબંદર જિલ્લાના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં દિનપ્રતિદિન ગુન્હાહિત પ્રવૃત્તિ આચરનારા ગુનેગારોની સંખ્યામાં વધારો થવા પામ્યો છે.ત્યારે અતિ ગંભીર ગણાતા ગુન્હાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા ગુન્હેગારોને પોરબંદર ની ખાસ જેલમાં મોકલી આપવામાં આવે છે.એક તરફ વધતા જતા ગુન્હાનો ગ્રાફ અને બીજી તરફ આરોપીઓ સામે સંકજો કસાઈ રહ્યો છે.ત્યારે ખાસ જેલ માં ક્ષમતા કરતા વધુ કેદીઓને રાખવાની અધિકારીઓને નોબત આવી છે.
ખાસ જેલમાં 110 કેદીઓની કેપેસિટી સામે 180 કેદીઓ હાલ જેલ માં છે.જેમાં 167 કાચાકામના કેદી,11 પાકા કામના કેદી ઉપરાંત 2 પાસાના કેદી છે.આ કેદીઓમાં 39 ભારતીય જળસીમામાં બોટ સાથે ઘુસી આવેલા પાકિસ્તાની ખલાસીઓ ,ડબલ મર્ડરના 11 આરોપી ઉપરાંત અન્ય ગંભીર ગુન્હાઓ નાં આરોપીઓ નો સમાવેશ થાય છે.
જેલ માં કુલ 19 બેરેક છે અને મહિલા કેદીઓ માટે પણ અલગ બેરેક છે.બેરેક ની સામે કેદીઓ ની સંખ્યા વધુ છે.તેમાં પણ એક બેરેકમાં જુદા જુદા ગુન્હાના આરોપીઓ હોવાથી નામચીન અને રીઢા ગુન્હેગારો દ્વારા કેટલાક કિસ્સાઓમાં અન્ય કેદીઓને કનડગત પણ કરવાની શક્યતાઓ રહેલી હોવાથી કેદીઓની સુરક્ષા સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે.જો કે જેલ સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ હોવાથી કેદીઓની ગતિવિધિઓ ઉપર બાજ નજર રાખવામાં આવે છે.પરંતુ કેપેસીટી કરતા વધુ કેદીઓ હોવાથી વધુ બેરેક બનાવવા અથવાતો ક્ષમતા કરતા વધારા નાં કેદીઓ ને અન્ય જેલ ખાતે સ્થળાંતર કરવું જરૂરી બન્યું છે.
મહિલા કેદીનાં બેરેક માં રખાયા પાકિસ્તાની કેદીઓ
ગુન્હાહિત પ્રવૃત્તિ આચરનાર મહિલા કેદીઓ માટે જેલ માં અલગ બેરેક ની વ્યવસ્થા કરાઈ છે.પરંતુ કોરોના ની શરુઆત થતા અહીથી મહિલા કેદી ઓ ને જુનાગઢ ખાતે મોકલવામાં આવે છે.અને હાલ મહિલા કેદીની બેરેક ખાલી હોવાથી ત્યાં હાલ પાકિસ્તાન થી ભારતીય જળસીમામાં બોટ સાથે ઘુસી આવેલા ખલાસીઓ ને રાખવામાં આવ્યા છે.
જેલમાં રીપેરીંગ ની કામગીરી શરુ થશે
પોરબંદર ની ખાસ જેલ માં સમારકામ ની કામગીરી પણ ટૂંક સમય માં શરુ થશે.ત્યારે તે સમયે તો સ્થિતિ વધુ કફોડી બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.અને કેદીઓ ને અન્ય જેલ ખાતે સ્થળાંતર કરવાની નોબત આવશે.