પોરબંદર
પોરબંદરની ખાનગી હોસ્પિટલો માં સિઝરીયન ડિલિવરીનું પ્રમાણ વધતું જતું હોય તેમ છેલ્લા એક વર્ષ માં કુલ ડીલેવરી માંથી ૫૧ ટકા ડીલેવરી સીઝરીયન થી થઇ હોવાનું આરોગ્ય વિભાગ ના ચોપડે નોંધાયું છે.
દરેક મહિલા પ્રેગ્નન્સી દરમિયાન એવું જ ઈચ્છતી હોય કે તેની ડિલિવરી નોર્મલ થાય.પરંતુ ડોક્ટર ક્યારેક બાળક અને મહિલાના સ્વાસ્થ્યને લઈને સિઝેરીયન ડિલિવરી કરવાની ફરજ રાખે છે.પરંતુ હાલ ના સમય માં ખાનગી હોસ્પિટલો એ ડીલેવરી એ કમાણી નું સાધન બનાવી લીધું હોય તેમ ગંભીર સ્થિતિ ન હોવા છતાં સિઝેરિયન કરાવવાની ફરજ પાડવામાં આવે છે.કારણકે નોર્મલ ડીલેવરી ની સરખામણી એ સિઝેરિયન ડીલેવરી કરવાથી બીલ માં ચાર ગણો વધારો થાય છે.
પોરબંદર જીલ્લા ની વાત કરીએ તો જીલ્લા માં ૧૩ ખાનગી લેડી હોસ્પિટલ આવેલી છે જેમાં છેલ્લા એક વર્ષ માં કુલ 3176 ડિલિવરી માંથી 1623 ડીલેવરી સિઝરીયન થી કરવામાં આવી છે.આમ કુલ ડીલેવરી માંથી ૫૧ ટકા ડીલેવરી સિઝેરિયન થી કરવામાં આવી છે.જયારે તેની સરખામણી એ જીલ્લા ની એક માત્ર સરકારી લેડી હોસ્પિટલ ખાતે કુલ 2920 ડિલિવરી માંથી માત્ર 669 સિઝરીયન ડિલિવરી કરવામાં આવી છે.આમ સરકારી હોસ્પિટલ ખાતે માત્ર ૨૩ ટકા ડીલેવરી સિઝેરિયન થી કરવામાં આવી છે.
શહેર માં કેટલીક હોસ્પિટલો સિઝેરિયન માટે કુખ્યાત બની છે અને અહી નોર્મલ ડીલેવરી થઇ શકે તેમ હોય તો પણ વિવિધ બહાના તળે સિઝેરિયન કરાવવાની ફરજ પાડવામાં આવતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.ગાયનેકોલોજી હોસ્પિટલ ખાતે મોઢા જોઈને ચાંદલા કરવામાં આવતા હોવાની ફરિયાદો અવારનવાર ઉઠે છે.નોર્મલ ડિલિવરીની વાતો થાય છે પરંતુ આખરી ઘડીએ તબીબો સગર્ભાના સ્નેહીજનોને સિઝરીયન ડિલિવરી કરાવવી પડશે અને નોર્મલ ડિલિવરીમા જોખમ વધી જશે તેવું જણાવતા છેલ્લી ઘડીએ કોઈ વિકલ્પ ન રહેતા સિઝરીયન ડિલિવરી કરાવવા માટેની સહમતી આપી દેવી પડતી હોય છે.સ્વાભાવિક છેકે નોર્મલ ડિલિવરી અને સિઝરીયન ડિલિવરીના ભાવ પેકેજમાં મોટું અંતર રહે છે.નોર્મલ ડિલિવરી સસ્તી થતી હોય છે જ્યારે સિઝરીયન ડિલિવરી નો ચાર્જ જે તે હોસ્પિટલ પર આધાર રાખે છે અને ખર્ચ વધુ આવે છે.
એક વાર સિઝરિયન થયા પછી દર વખતે સિઝરિયન કરાવવું પડે છે.આ ડિલિવરી મોંઘી હોવા ઉપરાંત નવજાત શિશુ અને માતાને નુકસાન થવાનું જોખમ પણ રહે છે.આથી વધુ સિઝરિયન ડિલિવરી કરાવનારી હોસ્પિટલો વિરુદ્ધ તપાસ થવી જોઈએ અને સિઝરિયન ડિલિવરી માટે સ્પષ્ટ માર્ગદર્શક નિયમો હોવા જોઇએ.જેથી લોકોને પોતાના અધિકાર અંગે માહિતી મળી શકે.