પોરબંદર
મિશન સીટી યોજના અંતર્ગત પોરબંદરમાં બોખીરા અને કુછડી વચ્ચેના રોડ ઉપર શહેરી ગરીબો માટે ર448 જેટલા મકાનો ત્રણ વર્ષ પહેલા તૈયાર કરી દેવાયા છે અને તેમાં ૭૨૦ જરૂરીયાતમંદોએ આવાસ માટે જરૂરી 5 હજાર રૂપિયા ભર્યે બે વરસ વીતી ગયા છતાં તેમને હજુ સુધી મકાન ની ફાળવણી થઈ નથી. બીજી તરફ સમાજકલ્યાણ વિભાગે મકાન ના સમારકામ પછી જ ગ્રાન્ટ મંજુર થશે તેવું પાલિકા ના સત્તાવાળાઓ ને જણાવી દેતા હવે આ મકાન નું સમારકામ શરુ થયું છે
પોરબંદરમાં જમીન-મકાનના ભાવ ખુબ જ ઉંચા છે તેથી ગરીબો તો ઠીક મધ્યમવર્ગના લોકો પણ પોતાના ઘરનું ઘર લઇ શકે તેવી શકયતાઓ બહું ઓછી હોય છે પરંતુ પોરબંદરમાં ગાંધીજી જનમ્યા હોવાના કારણે કેન્દ્ર સરકારે ખાસ કિસ્સા માં મંજુરી આપતા પોરબંદર નગરપાલિકાની હદમાં નગર સેવા સદનના ઉપક્રમે જે.એન.એન.યુ.આર.એમ. અંતર્ગત શહેરી ગરીબો માટે બી.એસ.યુ.પી. તળે 2448 મકાનોનું રૂા. 81.25 કરોડના ખર્ચે ભૂમિપૂજન છ વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું. જે ૨૦૧૬ ના ઓગસ્ટ માસ માં તૈયાર થઇ જતા તેને ફાળવવા માટેની કાર્યવાહી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ ૩૮૬૫ ફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા.જેમાં થી ૧૮૯૧ ગરીબો એ ફોર્મ ભરી અને જમા કરાવ્યા હતા તેમાંથી ૧૦૮૭ લોકો તમામ જરૂરી પાત્રતા ધરાવતા હોવાથી તેમના ફોર્મ મંજુર થયા હતા મંજુર થયેલ ફોર્મ માં થી ૭૨૦ જેટલા ગરીબ પરિવારો તેમને ભરવાના થતા પાંચ હજાર રૂપિયા ભરી ગયા હતા જેને બે વરસ જેટલો સમય વીતી ગયો છે.
મકાન દીઠ 4પ-45 હજારની ગ્રાન્ટ સરકારે ફાળવવાની હોય છે. પ000 રૂપિયા રહેવા જનારે ભરવાના હોય છે અને 45000 રૂપિયાની ગ્રાન્ટ સરકાર દ્વારા આપવામાં આવે ત્યારબાદ મકાનની ફાળવણી થતી હોય છે પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતા હાલ માં આ તમામ મકાનો ખંડેર માં ફેરવાઈ ગયા છે અહી ઠેર ઠેર દીવાલ માં પોપડા ઉખડી ગયા છે વાયરીંગ તથા પ્લમ્બિંગ કામ પણ તૂટી ફૂટી ગયું છે એક પણ મકાન માં કાચ ની બારીઓ સલામત રહી નથી દરવાજા પણ જર્જરિત હાલત માં જોવા મળે છે તો અહી બનાવવામાં આવેલ માર્કેટ માં પણ ઠેર ઠેર તિરાડો પડી ગઈ છે .ટોઇલેટ બાથરૂમ નું તમામ ફીટીંગ પણ તૂટી ફૂટી ગયેલ અવસ્થા માં જોવા મળે છે. ત્રણ ત્રણ વરસ થી નિર્માણ થયેલ આવાસ નું લોકાર્પણ ન થતા સમગ્ર બિલ્ડીંગો હાલ ખુબ બિસ્માર હાલત માં છે.
જુઓ આ વિડીયો
તાજેતર માં સમાજ કલ્યાણ વિભાગે જે લોકો એ ફોર્મ ભર્યા હતા તેની ૪૫ હજાર ની ગ્રાન્ટ ફાળવવા ઇનકાર કર્યો હતો અને પાલિકા ને પત્ર લખી ને જણાવ્યું હતું કે તમામ ઈમારતો નું જરૂરી સમારકામ કરાવવામાં આવે ત્યાર બાદ જ તે અંગે ની ગ્રાન્ટ મંજુર થશે અને ત્યાર બાદ જ તેની ફાળવણી શક્ય બનશે .હાલ તો તંત્ર દ્વારા નવા મકાનો નું સમારકામ શરુ કરવામાં આવ્યું છે પરંતુ તંત્ર ની બેદરકારી ના કારણે ૮૧ કરોડ જેવી માતબર રકમ ધૂળ ધાણી થઇ ગઈ છે અને જે ગરીબો ને આવાસ માટે નો હેતુ છે તે પણ હજુ સુધી સર્યો નથી અને ગરીબો પણ બબ્બે વરસ થી પોતાના ઘર ના ઘર નો ઈન્તેજાર કરી રહ્યા છે ત્યારે તેમને મકાન ક્યારે મળશે તે તો આવનારો સમય જ કહેશે
મકાનોની વિગત
પોરબંદરમાં બી.એસ.યુ.પી. તળે હાઉસીંગ પ્રોજેકટમાં 2448 મકાનો બનાવાયા છે. જેમાં કુલ 81.25 કરોડનો ખર્ચ થયો છે. બે રૂમ, રસોડુ, સંડાસ, બાથરૂમ વગેરે નો એક ફ્લેટ બન્યો છે જેમાં કાર્પેટ એરીયા 27.52 ચો.મી. અને બિલ્ટઅપ એરીયા 33.47 ચો.મી. છે . એક ફલેટના બાંધકામનો ખર્ચ 2,80,200 થયો છે અને તે પૈકી 80 ટકા રકમ કેન્દ્ર સરકાર, 10 ટકા રાજ્ય સરકાર અને 10 ટકા લાભાર્થીએ ચુકવવાની રહેશે તેવું જાહેર થયું હતું. પોરબંદરમાં 11 સ્લમ એરીયામાં 11,045 પરિવારો વસે છે તેમાંથી 2448 જેટલા પરિવારોને આ મકાન અપાશે તેવું જાહેર થયું હતું પરંતુ મકાન તૈયાર થઇ ગયાના ત્રણ વર્ષ પછી પણ ફાળવાયા નથી.
ર013માં થયું હતું ખાતુમર્હુત
પોરબંદરના બોખીરામાં ગરીબોને આપવાના આવાસની યોજનાનું કામનું ખાતમુર્હુત એપ્રિલ-ર013માં કરવામાં આવ્યું હતું અને એપ્રિલ-ર014માં એ કામ પૂર્ણ થઇ જવાનું હતું પરંતુ તેના બે વર્ષ પછી કામ થયું હતું અને મકાન બની ગયાના ત્રણ વર્ષ પછી પણ તેનું લોકાર્પણ થઇ શક્યું નથી
રાહ જોઈ કંટાળી અનેક ગરીબો એ અન્યત્ર મકાન લીધું
તંત્ર દ્વારા ૧૦૮૭ ગરીબો ના ફોર્મ મંજુર કરાયા હતા પરંતુ બાદ માં ૭૨૦ ગરીબો એ જ નિયત 5 હજાર ની રકમ જમા કરાવ્યા હતા અને તેમાંથી પણ અનેક લોકો મકાન ની રાહ જોઈ કંટાળી અને કેટલાક લોકો એ અન્યત્ર ઝુંપડપટ્ટી કે અન્ય પછાત વિસ્તાર માં કાચા મકાન લઈ લીધા છે. આમ ગરીબો માટે ની યોજના તંત્ર ની બેદરકારી અને અણઘડ આયોજન ના કારણે સંપૂર્ણ બિન ઉપયોગી નીવડી છે.
આવાસ યોજના ને લઇ ને રાજકીય પક્ષો વચ્ચે આક્ષેપબાજી ના કારણે ગરીબો મૂંઝવણ માં
પોરબંદરમાં નિર્માણ પામેલ આ ગરીબ આવાસ યોજના તેની ગુણંવતાને લઈને પણ વિવાદમાં રહી છે ભાજપ દ્વારા આ આવાસ યોજના ના મકાનો ની ગુણંવતા ખુબજ સારી ગણાવાઈ રહી છે તો કોંગ્રેસ દ્વારા આ મકાનોને મોતનો માચડો ગણાવવામાં આવ્યો હતો અને તેને લઇ ને સામસામી આક્ષેપબાજી પણ થઇ હતી . જેને લઇ ને અનેક ગરીબો મૂંઝવણ માં મુકાયા હતા .અને કરોડો રુપિયાના આંધણ કરીને તૈયાર કરવામાં આવેલ આ ગરીબ આવસ યોજનાના મકાનો લોકાર્પણ ની રાહ જોઈ રહ્યા છે .