પોરબંદર
પોરબંદર નજીકના મોકર ગામની શ્રી મોકર પ્રાથમિક સરકારી પ્રાથમિક શાળાના શિક્ષિકાને તલગાજરડા ખાતે મોરારીબાપુ ની ઉપસ્થિતિમાં ચિત્રકૂટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
ભાવનગરના મહુવા તાલુકાના તલગાજરડા ‘ચિત્રકૂટધામ’ ખાતે સંત મોરારીબાપુના વરદ્ હસ્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ નિષ્ઠાપૂર્વક કામ કરી રહેલા સમગ્ર રાજ્યમાંથી ૬૬ શિક્ષકોને ‘ચિત્રકૂટ પારિતોષિક’ અને ૨૫૦૦૦ રૂ।.નો રોકડ પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરાયા હતા.જેમાં પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાની શ્રી મોકર પ્રાથમિક શાળાના શિક્ષિકા લાખાણા ભાવિશા રામજીભાઇને મોરારી બાપુના વરદ્ હસ્તે ‘ચિત્રકૂટ પારિતોષિક’ મેળવવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું.
ભાવિશાબેન દ્વારા પ્રવૃત્તિમય શિક્ષણ, યોગાસન, ખેલમહાકુંભ, નવોદય અને એન.એમ.એમ.એસ. જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી, સાયન્સ ફેર, ઇનોવેશન ફેર, નેશનલ ટોય ફેર વગેરે જેવી પ્રવૃત્તિઓમાં સતત સક્રિય રહી શાળાને રાજ્ય અને નેશનલ કક્ષા સુધી સફળતાના શિખરે પહોંચાડેલ છે.
તેમણે કોરોનાકાળ જેવી કપરી પરિસ્થિતિમાં પણ શિક્ષણને જીવંત રાખવાના અનેક પ્રયાસો કર્યા હતા.હરહંમેશ બાળકો ની પ્રગતિની કેડી કંડારવા પ્રયત્નશીલ રહી ઓનલાઇન શિક્ષણ,શેરી શિક્ષણ, વાલી સંપર્ક વગેરે કરવામાં આવેલ અનેક પ્રયત્નોની નોંધ લેવાતા પોરબંદર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા દરખાસ્ત કરાઇ હતી.ભાવિશાબેન લાખાણાને ‘ચિત્રકૂટ પારિતોષિક’ મેળવવા બદલ ચિત્રકૂટધામ ટ્રસ્ટ, ગુ.રા. પ્રા. શિ.સંઘ,ગ્રામજનો,શાળા પરિવાર તેમજ સમગ્ર શિક્ષણ જગતે હર્ષની લાગણી સહ અભિનંદન આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ભાવિશાબેને શિક્ષિકા તરીકેની કામગીરી દરમ્યાન અનેક એવોર્ડ પ્રાપ્ત કર્યા છે.૨૦૦૮ની સાલથી તાલુકા,જિલ્લા અને રાજ્ય કક્ષાએ યોગમાં તેમના અનેક વિદ્યાર્થીઓએ મેદાન માર્યુ છે.તે ઉપરાંત યોગમાં ખેલ મહાકુંભની સ્પર્ધામાં પાંચ લાખ રૂપિયા જેટલાના રોકડ પુરસ્કાર તેમના વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યા છે.તેઓ દર વર્ષે જિલ્લા અને રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેરમાં અને વિજ્ઞાન પ્રદર્શનમાં પણ ભાગ લે છે.
ઇ.સ. ૨૦૦૯થી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ટયુશન આપવાની સાથોસાથ તેમના માર્ગદર્શન નીચે નવોદય વિદ્યાલયમાં ચાર બાળકો પસંદગી પામ્યા છે.એન.એમ.એમ.એસ. ટયુશન ફી આપવા સહિત ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને અંગ્રેજી અને ગણિતનું ટ્યુશન પૂરું પાડે છે.અને વર્ગકાર્યને જીવંત રાખવા પ્રયત્નો કરે છે. તેમના અનેક વિદ્યાર્થીઓ યોગ ઇન્સ્ટ્રકટર તરીકે નોકરી કરી રહ્યા છે.તે ઉપરાંત પ્રથમ નેશનલ ટોય ફેરમાં પણ તેમની કૃતિની પસંદગી થઇ હતી.કોરોના કાળમાં પણ ૪૦૦ જેટલા માસ્કનું વિનામૂલ્યે વિતરણ કરવા સહિત જુદી જુદી સેવા પ્રવૃત્તિઓ અને શૈક્ષણિક ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપ્યું હોવાથી તેમને સાન્દીપનિમાં સંત રમેશભાઈ ઓઝાના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો ગુરુ ગૌરવ એવોર્ડ, જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ વગેરે એવોર્ડ તેમને મળી ચૂકયા છે.અને હવે મોરારીબાપુની ઉપસ્થિતિમાં ચિત્રકૂટ એવોર્ડ એનાયત થતા તેમની કારકિર્દીમાં સોનામાં સુગંધ ભળી હોય તેવું માનવામાં આવે છે.