શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા મહેર જ્ઞાતિના સંત શિરોમણી પૂજ્ય માલદેવ રાણા કેશવાલાની ૫૭મી પુણ્યતિથી નિમિતે ઘેડ વિસ્તારના આંત્રોલી ગામ ખાતે ભાવાંજલિ કાર્યક્રમનું આયોજન તા.૧-૧-૨૦૨૩ કરવામાં આવેલ છે.
મહેર સમાજમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરનાર પૂજ્ય માલદેવબાપુ દ્વારા જ્ઞાતિના શૈક્ષણિક અને સામાજિક વિકાસ અર્થે અથાક પ્રયાસો કર્યા છે. તેમના જ્ઞાતિ પ્રત્યેની કામગીરીની અખંડ જ્યોત પ્રજ્વલિત રાખવા માટે શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સેલ સાથે સહયોગી સંસ્થાઓ શ્રી માલદેવ રાણા મહેર એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા મહેર શક્તિ સેના દ્વારા મેખડી અને આંત્રોલી ગામના સંયુક્ત રીતે પૂજ્ય બાપુની ૫૭મી પુણ્યતિથીની ઉજવણી કરવાનું આયોજન હાથ ધરેલ છે.
પૂજ્ય બાપુની ૫૭મી પુણ્યતિથી નિમિતે યોજાનારા ભાવાંજલિ કાર્યક્રમમાં પૂજ્ય બાપુએ કરેલ શૈક્ષણિક અને સામાજિક કાર્યોની આગામી સમયમાં વધુ ને વધુ ફેલાય તેના અનુસંધાને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમોમાં રક્તદાન કેમ્પ, વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવેલ મહેર જ્ઞાતિના ભાઈઓ-બહેનોના સન્માન, રાજકીય મહાનુભાવોનું સન્માન તેમજ પૂર્વ સાંસદ ભરતભાઈ માલદેવજી ઓડેદરાની રકતતુલા તેમજ તેમનું લાઈફ ટાઇમ અચિવમેન્ટ અવાર્ડથી સન્માનિત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
સમગ્ર ભાવાંજલિ કાર્યક્રમની સૂચી મુજબ સવારે ૧૦:૦૦ વાગ્યેથી આંત્રોલી મુકામે રક્તદાન કેમ્પની શુભ શરૂઆત કરવામાં આવશે અને રક્તદાતાઓને અપીલ કરવામાં આવે છે કે વધુ ને વધુ લોકો આ રક્તદાન કેમ્પમાં જોડાઈ માનસસેવામાં પોતાનું યોગદાન આપે એવી અપિલ કરવામાં આવે છે. ત્યારબાદ બપોરે ૦૨:૦૦ વાગ્યે ઝુંડાળા મહેર સમાજ ખાતે પૂજ્ય માલદેવ બાપુની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી ત્યાંથી હરીશ ટોકીઝ પાસે આવેલ બાપુની મૂર્તિ સમક્ષ ફૂલહાર દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ કરી પોરબંદર થી આંત્રોલી સુધી રેલી(સ્કૂટર – મોટર બાઈક તથા કાર)નું આયોજન કરવામાં આવેલ છે.
આથી પોરબંદર શહેર તેમજ બરડા તથા ઘેડ સહિતના વિસ્તારના મહેર જ્ઞાતિના ભાઈઓ બહેનો આ કાર્યક્રમમાં જોડાવા આહવાન કરવામાં આવે છે.
સાંજે ૦૬:૩૦ વાગ્યે આંત્રોલી ખાતે રેલીના આગમન સાથે દાંડિયારાસ નું આયોજન કરવામાં આવેલ છે, તેમજ સિદ્ધિ મેળવેલ મહેર જ્ઞાતિના ભાઈઓબહેનોના સન્માન, રાજકીય મહાનુભાવોનું સન્માન તેમજ પૂર્વ સાંસદ શ્રી ભરતભાઈ માલદેવજી ઓડેદરાની રકતતુલા તેમજ તેમનું લાઈફ ટાઇમ અચિવમેન્ટ અવાર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ રાત્રે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલ છે જેમાં લોક સાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી તેમજ જયદેવભાઈ ગોસાઈ દ્વારા લોકસાહિત્ય સાથે સુગમ સંગીત પ્રસ્તુત કરશે. આ ભાવાંજલિ કાર્યક્રમમાં સાંજે આમંત્રિત મહેમાનો તથા સમસ્ત ગામ જમણવાર રાખવામાં આવેલ છે.
પૂજ્ય માલદેવ બાપુની ૫૭મી પુણ્યતિથિ નિમિતે યોજાનારા ભાવાંજલિ કાર્યક્રમમાં સમસ્ત મહેર સમાજના આગેવાનો, મહેર સમાજની વિવિધ સંસ્થાઓ, કાર્યકર્તાઓ તેમજ બાળકો, યુવાનો તથા ભાઈઓ બહેનોને પધારવા શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ પરિવાર દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.