પોરબંદર
પોરબંદર નજીક બળેજ ગામે ગત જાન્યુઆરી માસ માં ખાણખનીજ વિભાગે દરોડા પાડી ત્રણ સ્થળે થી ગેરકાયદેસર ખાણો ઝડપી હતી.જે અંગે ખાણખનીજ વિભાગે દંડ ની નોટીસ પાઠવ્યા બાદ દંડ ન ભરતા ત્રણ શખ્સો સામે ખાણખનીજ વિભાગે અલગ અલગ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પોરબંદર-માધવપુર હાઇવે પર આવેલ બળેજ ગામ ના સીમ વિસ્તાર માં ખાણ ખનિજવિભાગે ગત જાન્યુઆરી મહિનામાં દરોડો પાડીને ત્રણ જગ્યા એ થી ગેરકાયદેસર ખનન ઝડપી લાખો રૂપિયાનો મુદામાલ સીઝ કર્યો હતો.ત્યારબાદ ખાણખનીજ વિભાગે ખાણની માપણીની કાર્યવાહી કરી હતી.અને ત્યારબાદ ખાણ ખનીજ વિભાગ દ્વારા ત્રણેય ખાણ ના સંચાલકો ને નોટીસ પાઠવી દંડ ની રકમ ભરપાઈ કરવા જણાવ્યું હતું.પરંતુ રકમ ભરપાઈ નહી કરવામાં આવી હોવાથી ત્રણેય શખ્સો સામે ખનીજ ચોરી અંગે અલગ અલગ ફરિયાદ નોંધાવવા માં આવી છે.
જેમાં માઈન્સ સુપરવાઈઝર કેવિન યશવંતભાઈ ઉનડકટે માધવપુર પોલીસ મથક માં નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ચીંગરિયા ગામે રહેતા રાજેશગીરી ઉમેશગીરી ગૌસ્વામી એ બળેજ ગામે સરકારી જમીન માં ગેરકાયદેસર રીતે કુલ ૧૯૪૯.૧૮૪ મેટ્રિક ટન બીલ્ડીંગ લાઇમ સ્ટોન ખનીજ નુ અનધિકૃત રીતે ખોદકામ,વહન કરી એક મે.ટન રૂ.૪૦૦ લેખે કુલ .રૂ.૭,૭૯,૬૭૪ ની ખનીજ ચોરી કરી હતી તથા તે સ્થળે થી ખાણખનીજ વિભાગે ખનન માં ઉપયોગ માં લીધેલ સાડા ત્રણ લાખ ની કીમત ના ૩ ચકરડી મશીન તથા 1 જનરેટર કબજે કર્યા હતા.અને ખનીજચોરી અંગે દંડ ની રકમ ભરી ન હતી.
તે ઉપરાંત બળેજ ગામે ચારણ શેરી ચોક પાસે રહેતા વિજુભાઈ રામભાઈ મોડે પણ બળેજની સીમ વિસ્તારમાં ૧૪૬૨.૪૫૨ મેટ્રીક ટન બિલ્ડીંગ લાઈમ સ્ટોનની અનઅધિકૃત રીતે ચોરી કરીને રૂ ૫,૮૪,૮૯૧ની ખનીજ ચોરી કરી હતી. જેમાં સાડા ચાર લાખના ૬ કટર મશીન ઉપયોગમાં લેવાયા હતા.આ શખ્શે પણ સમાધાન દંડની રકમ ભરપાઈ કરી ન હતી.
એ સિવાય માધવપુર વાડી વિસ્તાર માં રહેતા રાજુભાઈ સામતભાઈ કરગટિયા એ પણ બળેજ સીમ વિસ્તારમાં આવેલી સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઈમ સ્ટોનનું ૨૦૭૯,૧૩ મેટ્રીક ટન ખનીજનું ખનન કરી રૂા. ૮, ૩૧, ૬૫ર ની ખનીજ ચોરી કરી હતી.જેમાં સાડા ત્રણ લાખના ૩ કટર મશીન પણ કબ્જે થયા હતા.તેણે પણ સમાધાન દંડની રકમ ભરપાઇ કરી ન હોવાથી તેના વિરુધ પણ ગુન્હો નોંધાતા પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.