પોરબંદરથી ૩૯૦ કી.મી. દુર દરિયામાં ૨૦૧૭ની સાલમાં કોસ્ટગાર્ડે ૪૫૦૦ કરોડ રૂપિયાના ડ્રગ્ઝ સાથે ૮ ભારતીયોને ઝડપી લીધા હતા અને આ શખ્સોની આકરી પુછપરછ કરતા કુલ ૧૩ શખ્શો સામે ગુન્હો નોંધાયો હતો. આ કેસ પોરબંદરની એડીશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ (સ્પેશ્યલ એન.ડી.પી.એસ.) કોર્ટમાં ચાલી જતા છ શખ્શોને વીસ વર્ષની અને ચાર શખ્શોને દસ વર્ષની સખ્ત કેદની સજા અને એક-એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે જયારે ત્રણ આરોપીઓનું ન્યાયીક કાર્યવાહી દરમિયાન મોત થયું હોવાનું જાહેર થયું છે.
કોસ્ટગાર્ડે ખાસ ઈનપુટ ના આધારે પોરબંદરથી ૩૮૮ કી.મી. દુર દરિયામાં તા. ૨૯-૭- ૨૦૧૭ના ખાસ પ્રકારના ઓપરેશન દ્વારા હેનરી નામની કાર્ગો શીપને પકડીને તેમાંથી ૧૫૦૦ કીલો હેરોઇન અને ચીતા ડ્રગ્સને કબ્જે લઇને દેશમાં ૪૫૦૦ કરોડનો ડ્રગ્સ પકડાયો હોવાનું પ્રથમ સફળ ઓપરેશન પાર પાડયું હતું. જેમાં ૧૩ શખ્શો સામે કાર્યવાહી થઇ હતી જેમાં શીપના કેપ્ટને ખુલાસો કરતા જણાવ્યું હતું કે, તે ઇરાનના મોરાની નામના આ હેનરી શીપના માલીક સાથે સંપર્કમાં આવ્યો હતો અને તેને જુલાઈ માસના પ્રથમ સપ્તાહમાં આ માલીકે બોલાવ્યો હતો અને ત્યારબાદ હેનરી શીપમાં ફેબ્રીકેશન કામ કરાવવા માટે સુચના આપતા કેપ્ટન સુરપ્રિત તિવારીએ ઇરાનના ચાહબાર પોર્ટ ઉપર આ હેનરી શીપમાં ફેબ્રીકેશન કામ કરાવ્યું હતું અને તેની અંદર ડ્રગ્સ છુપાવવા માટે મોટી ખાસ પ્રકારની પાણીની ટાંકી બનાવી હતી જેની અંદર ડ્રગ્સને છુપાવીને ઉપરથી સિમેન્ટ અને વેલ્ડીંગ દ્વારા સીલ કરી દેવાઇ હતી.
ભારતના કલકત્તાના કેપ્ટન સુરપ્રિત તિવારીને ઇરાનના માલીક દ્વારા આ પ્રોજેકટ સફળતાપૂર્વક પાર પાડવાના અંતે પાંચ કરોડ રૂપિયા આપવાની ઓફર સાથે સમજાવીને મોકલી આપ્યો હતો.હેનરી શીપના કેપ્ટન મુળ બિહારના અને હાલ કલકત્તાના સુરપ્રિત તિવારી સહિત અન્ય સાત ક્રુ મેમ્બર કાનપુરના હોવાનું જાહેર થયું હતું. અને ત્યારબાદ તે ડ્રગ્સ ડીલીવરીના ઓપરેશનને પાર પાડવા માટે તેના આકાઓની સુચના મુજબ ભારતીય જળસીમામાં પ્રવેશી હતી અને પોરબંદરથી ૩૮૮ કી.મી. દુર દરિયામાં તેને કોસ્ટગાર્ડે ઝડપી લીધી હતી. કોસ્ટગાર્ડ દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું ત્યારે પ્રાથમિક તબકકે શીપના કેપ્ટને આ શીપનું નામ પ્રિન્સ-ર સેટેલાઈટ દ્વારા અવાર-નવાર વાતચીતમાં જાહેર કર્યુ હતું અને તે મુજબ ગુજરાત આઈ.જી.એ. તે શીપ ઉપર દરિયામાં તપાસ માટે ઉડતા ડોનીયર વિમાન અને હેલીકોપ્ટરને પ્રિન્સ-રની ઓળખ કરવા માટે જણાવ્યું હતું પરંતુ દરિયામાં પ્રિન્સ-૨ નહીં પરંતુ હેનરી નામનું શીપ દેખાતા તેની ઉપર ચોકકસપણે શંકા ગઇ હતી
અને ત્યારબાદ તેને અટકાવીને પ્રાથમિક તપાસમાં કશું નહીં મળતા પોરબંદર તપાસ અર્થે લાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ સંપુર્ણ વિગત બહાર આવી હતી જેમાં શીપના કેપ્ટનને મીશન પુરૂ કરતા પ કરોડ રૂપિયા મળવાના હતા તેવું જણાવ્યું હતું અને સંપુર્ણ કરોડો રૂપિયાના ડ્રગ્ઝનો જથ્થોનો મુળ માલીક અફઘાનીસ્તાનનો હોવાનું બહાર આવ્યું હતું.
ટગમાં ડીલીવરી આપવા આવનારાઓએ જે તે પોર્ટ ઉપરથી માલ ભરવામાં આવ્યો ત્યારે કોસ્ટગાર્ડ, નેવી, કોઈપણ સુરક્ષા એજન્સીઓ ટગમાં તપાસ કરે તો પણ પકડી શકાય
નહીં એ પ્રકારે અમુક પેકેટો પાણીની ટાંકીમાં નીચે નાખી દીધા હતા. વચ્ચે ઢાંકણું ફીટ કર્યુ હતું અને તેની ઉપર પાણી ભર્યું હતું તથા તે ઉપરાંત ટગમાં ચારે તરફ રેલીંગ તરીકે નાખવામાં આવેલા પાઇપોની અંદર એક એક પેકેટ જઇ શકે તેવી જગ્યા રાખીને બાકીના પેકેટો ભરી દીધા હતા અને પાઈપના મુખને વેલ્ડીંગ કરીને બંધ કરી દીધું હતું.કોસ્ટગાર્ડે પકડેલ ૪૫૦૦ કરોડના ૧૫૨૩ પેકેટોનો ઓર્ડર લેનાર જુદી-જુદી પાર્ટીએ આપ્યો હોય તે પ્રમાણે બ્લુ-લાલ, પીળો અને ઉપર બ્લુ પટ્ટી, સીલ્વર, સફેદ, કલરમાં પેકીંગ કરવામાં આવ્યું હતું જે ભારતની જુદી-જુદી ચારથી પાંચ પાર્ટીઓને ડીલેવરી કરવાની હોય એ પ્રકારના અલગ-અલગ જથ્થામાં હતા.
એડીશનલ પી.પી. અનીલભાઈ જે. લીલા એ આપેલા કેસની વિગત મુજબ એડીશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ પી.એચ. શર્માની સ્પેશ્યલ એન.ડી.પી.એસ. કોર્ટમાં આ કેસ
ચાલી જતાં ચુકાદો આવ્યો છે જેમાં સુપ્રીત એ. એન. તિવારી, સંજય લક્ષ્મણપ્રસાદ યાદવ, દેવેશકુમાર શ્રીદિનેશ, મુનીષકુમાર શ્રીમિલાપચંદ, વિનય દૂધનાથ યાદવ અને મનીષ સંજયકુમાર પટેલ વિરૂધ્ધ ગુન્હો સાબિત માનીને આ તમામ છ આરોપીઓને એન.ડી.પી.એસ. એકટની કલમ ૮(સી)૨૧(સી)૨૩(સી) સાથે કલમ ૨૫ અને કલમ ૨૯ના ગુન્હામાં તકસીરવાન ઠેરાવી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે જયારે સુજીત સંજયકુમારતિવારી,વિશાલકુમાર જીતેન્દ્રકુમાર યાદવ, સુલેમાન સીદીક ભડેલા, સાવુદ અસ્લમ પટેલ વિરૂધ્ધનો ગુન્હો પણ સાબિત માની અને દસ વર્ષની સખ્ત કેદની સજા અને એક લાખ રૂપિયાનો દંડ ફટકારતો હુકમ કર્યો છે જયારે આ કેસની ન્યાયીક કાર્યવાહી દરમિયાન અનુરાગ શિવબાબુ શર્મા, દિનેશકુમાર શ્રીદલ યાદવ અને ઇરફાનશેખ મહમ્મદ શરીફ મૃત્યુ પામ્યા હોવાથી તેઓ સામેનો કેસ એબેટ કરવામાં આવેલ છે.
કોસ્ટગાર્ડે ઇરાનથી નિકળેલી જે ટગને ડ્રગ્સ સાથે પકડી હતી તે ટગના ક્રુમેમ્બરોની પુછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. માલ ગુજરાતમાં પહોંચાડવા માટે ખુબ જ ભંગાર જૈવી ટગની ખરીદી કરીને તેને મેકઅપ ની જેમ નવારંગ રૂપ કલરકામ કરીને તૈયાર કરવામાં આવી હતી અને તેની પાછળ દોઢ-બે મહીના જેટલો સમય લાગ્યો હતો પરંતુ આ ભંગાર ટગના કાગળો-દસ્તાવેજો નહીં હોવાથી કોસ્ટગાર્ડ સમક્ષ ભાંડો ફુટી ગયો હતો.
ઇરાનના ચાબહાર બંદરથી મોટી માત્રામાં હેરોઈન ડ્રગ્સ ગુજરાતના દરિયા દ્વારા દેશમાં ઘુસાડવાનું દેશના ઇતિહાસનું સૌથી મોટું ઓપરેશન ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા સફળતાપૂર્વક પકડી પાડયું હતું ડ્રગ્સની હેરાફેરી કરનારાઓ પાસેથી બે સેટેલાઈટ ફોન મળ્યા હતા. તે ઉપરાંત કેટલાક મોબાઇલ ફોન પણ મળી આવ્યા હતા અને એ મોબાઇલ ફોનમાંથી માલ કોને આપવાનો હતો, કોણે આપ્યો હતો તેની વાતચીત થઇ હતી તેથી એના કોલડર્ડીટેઇલ કઢાવવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી.
ઇરાની નાગરિક શૈયદઅલી મોરાનીના વેસલમાં ડ્રગ્સની હેરાફેરી કરવાના આ ગુન્હામાં ઈરાની અને પાકિસ્તાની નાગરિકો સાથે મળીને ગુન્હાહિત ઇરાદો પાર પાડવા આ કાવતરૂ ઘડવામાં આવ્યું હતું પરંતુ આંતરરાષ્ટ્રીય ગુન્હાના આ ઈરાદાને પાર પાડવામાં તેઓને નાકામયાબી મળી હતી. એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ(સ્પે. એન.ડી.પી.એસ.) કોર્ટ માં ચાલી ગયેલ કેસ માં પ્રોસીકયુશન તરીકે સ્પે. પબ્લિક પ્રોસીકયુટર તરીકે એડવોકેટ એસ.આર.દેવાણીની નિમણૂંક કરવામાં આવેલ હતી. જે આ કેસની ટ્રાયલ ચાલતા દરમિયાન આવશાન પામતા ઉપરોકત કામે સ્પે. પી.પી. તરીકે એડવોકેટ ભાગ્યોદય મિશ્રાની નિમણૂંક કરવામાં આવેલ હતી. આ બનાવમાં પ્રોસીકયુશન તરફથી કુલ-૨૧૮ જેટલા દસ્તાવેજી પુરાવાઓની સાથે કુલ-૨૩ જેટલા શાહેદોને તપાસવામાં આવેલા હતા. તેમજ ધારદાર દલીલો રજૂ કરવામાં આવી હતી. ઉપરોકત કામે પ્રોસીકયુશન તરફે રજૂ કરવામાં આવેલ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ બન્ને પક્ષોની દલીલો સાંભળીને પોરબંદરના એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ પી.એચ. શર્મા દ્વારા આ કામના આરોપીઓ સામે ગુન્હો સાબિત માની સજા ફરમાવતો હુકમ કરવામાં આવેલ હતો.





