પોરબંદર
પોરબંદર ના કુછડી ગામ નજીક આવેલ ટોલનાકા ખાતે ટોલટેક્ષ ભર્યા વગર પસાર થતી બે કાર ને અટકાવતા ટોલટેક્ષ ના સિક્યુરીટી કર્મચારી પર બન્ને કાર ચાલકો એ હુમલો કર્યા ની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદર ના રાતડી ની કાટેલા સીમ વિસ્તાર માં રહેતા અને કુછડી ટોલનાકા ખાતે સિક્યુરીટી કર્મચારી તરીકે ફરજ બજાવતા કારાભાઈ ભીમાભાઇ ખીસ્તરીયા (ઉવ ૪૧)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તે ગઈ કાલે ચારેક વાગ્યે ટોલનાકે થી પોતાના ઘરે જતો હતો.અને રાતડી થી કાટેલા ગામ વચ્ચે ના રસ્તે પહોંચ્યો ત્યારે તેને ટોલનાકા ના કર્મચારી એ ફોન કરી જણાવ્યું હતું કે બે કાર ચાલક ટોલનાકે થી ફૂલ સ્પીડ માં ટોલ ટેક્ષ ભર્યા વગર બેરીયર સાથે કાર અથડાવી કાર લઇ ને નાસી ગયા છે.જે રાતડી તરફ આવી રહ્યા છે.જેને અટકાવવા જણાવ્યું હતું.
આથી કારાભાઈ એ ત્યાંથી પસાર થતી બન્ને કાર ને અટકાવી ટોલટેક્ષ અંગે પૂછ્યું હતું.આથી બન્ને કાર ચાલકો ઉશ્કેરાઈ ગયા હતા અને કારાભાઈ ને ઢીકા-પાટુથી મુંઢ માર માર્યો હતો.તથા લાકડાના મોટા ટુકડાથી માથામાં અને હાથ માં હુમલો કરી ઈજા પહોંચાડી હતી.અને ગાળો કાઢી હતી.તે દરમ્યાન ટોલનાકા ના અન્ય કર્મચારી આવી જતા બન્ને કાર ચાલકો કાર લઇ ને ત્યાંથી નાસી ગયા હતા.અને ઈજાગ્રસ્ત કારાભાઈ ને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા.પોલીસે ઈકો વાન નં.જીજે ૧૦ ડીએ-૫૮૯૨ તથા અલ્ટો કાર નં.જીજે -૨૧-બીસી-૮૨૯૬ ના ચાલકો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.