પોરબંદર
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત રાજ્યમાં શરૂ કરાયેલ વંદે ગુજરાત રથનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યુ છે.ત્યારે પોરબંદર જિલ્લામાં કિંદરખેડા ખાતે વંદે ગુજરાત રથ પહોંચ્યો હતો.કિંદરખેડા મહેર સમાજ ખાતે આવેલા રથનું કિંદરખેડા,મોઢવાડા,કેશવ,શિંગડા,શીશલી અને આંબારામાના ગ્રામજનો દ્રારા સ્વાગત કરાયું હતું.આ તકે મહાનુભાવોના હસ્તે કિંદરખેડા ગામના રૂ. ૫ લાખ ૪૭ હજારના કામોનું લોકાપર્ણ તથા ખાતમુહૂર્ત કરાયા હતા.તથા રૂ. ૨ લાખ ૫૦ હજારના ખર્ચે કેશવ ગામની પ્રાથમિક શાળામાં પ્રાથના શેડનું કામનું ખાતમુહૂર્ત કરાયું હતું.આમ રૂ. ૧૫ લાખ, ૭૨ હજારથી વધુ રકામના વિકાસ કામોનું લોકાપર્ણ તથા ખાતમુહૂર્ત કરાયા હતા.
આ તકે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન આવડાભાઈ ઓડેદરા જણાવ્યું હતું કે, વંદે ગુજરાત વિકાસ યાત્રામાં આપને ગુજરાતની વિકાસગાથા જોઈ શકીએ છીએ.છેલ્લા ૨૦ વર્ષ સરકારના પુરુષાર્થ થકી આજે ગુજરાત તેમજ આપના જિલ્લામાં હરણફાળ પ્રગતિ થઈ છે.હવે સરકારી શાળામાં પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત થાય છે તે માટે લોકો પોતાના બાળકોને સરકારી શાળામાં અભ્યાસ કરાવે તેમજ શિક્ષણ સાથે આરોગ્ય કાળજી રાખવાની અપીલ ચેરમેને કરી હતી. તેમજ ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવે તેમ કહ્યું હતું.
વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય કીટ વિતરણ કરવામાં આવી હતી. જેમાં આયુષ્માન કાર્ડ, મુખ્યમંત્રી માતૃશક્તિ કીટ જેવી વિવિધ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા કિંદરખેડા ગામને કેરોસીન મુક્ત ગામ બનાવવા બદલ ગામના સરપંચને પ્રમાણપત્ર આપી સમ્માન કરવામાં આવ્યું હતું.
આ તકે જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન આવડાભાઇ ઓડેદરા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન કેશુભાઇ ઓડેદરા, ગામના ઉપસરપંચ લાખણશીભાઇ ઓડેદરા, તલાટી કમ મંત્રી, શિક્ષકો, આરોગ્ય વિભાગનો સ્ટાફ, આંગણવાડીના બહેનો સહિત અધિકારી,પદાધિકારીઓ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ગ્રામજનોને આરોગ્ય વિભાગની યોજનાઓ, મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાઓ સહિત જન કલ્યાણકારી યોજનાઓ બાબતે અધિકારીઓએ જાણકારી આપી હતી. કાર્યક્રમમાં મેડિકલ કેમ્પ પણ યોજાયો હતો જેમાં આયુષ્માન કાર્ડ અને વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી હતી.