પોરબંદર
પોરબંદર ના કલેકટરે ખાસ જેલ ની મુલાકાત લઇ કેદીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.
પોરબંદર જિલ્લા કલેકટર અશોક શર્માએ ખાસ જેલની મુલાકાત લઇને જેલર અને સ્ટાફ સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવાની સાથે બંદીઓ સાથે મુક્ત સંવાદ કર્યો હતો.જેલમાં વાંચન-આત્મચિંતન અને પરિવાર સાથે પત્રલેખનને પ્રોત્સાહન આપવા સુચન કર્યું હતું.બંદીઓના સ્કીલ મેપિંગ,અભ્યાસ,સ્વરોજગાર અને રમતગમત અને ધ્યાન-પ્રાર્થના અંગે વાર્તાલાપ કર્યો હતો.જેલ માત્ર બંદીખાનું ન બની રહેતાં માર્ગ ભૂલેલા નાગરિકો માટે સુધારગૃહ બની રહે તેમજ કેદમાંથી છૂટેલા ભાઈઓનું સામાજિક અને આર્થિક પુનઃસ્થાપન માટે પ્રયાસ કરવા માર્ગદર્શન આપ્યું હતું.
આ તકે કલેકટરે બંદીજનોને જરૂરી સુચન કર્યા હતા.જેમાં,જેલને દંડખાનું ન માનતાં શિસ્ત-સંયમનાના પાઠ શીખવાની શાળા માનીએ,માર્ગ ભૂલેલો પથિક ફરી સાચો માર્ગ હંમેશાં શોધી શકે,જેલવાસ આત્મચિંતન માટેનો અવસર,ડંખ ભૂલો. ડંખ મનમાં લાગેલ કાંટો છે.એને ઉંડો ઉતારવાને બદલે વાંચન અને ચિંતન દ્વારા સમૂળો ખેંચી કાઢો,તમારા પરિવાર માતાપિતા,પત્નિ-બાળકો,ભાઇબહેનોને નિયમિત પત્ર લખો.એ રીતે સામાજિક સેતુ જાળવો,જેલને પોતાનું હાલનું ઘર ગણી સ્વચ્છતા અને શાંતિ-ભાઇચારો કેળવી સ્વસ્થ રહો,જેલમાંથી છૂટીને બદલો લેવાની ભાવના ન સેવતાં પરોપકાર દ્વારા જાતે જ છબિ ઉજળી કરો,જે તમારા સામાજિક આર્થિક પુનઃસ્થાપનમાં મદદ કરશે. આમ કલેકટર શર્માએ ખાસ જેલની મુલાકાત લઇને બંદીઓને જીવન જરૂરી સૂચનો રજૂ કરી માર્ગદર્શન આપ્યું હતું.