પોરબંદર
આજે હોળી નું પાવન પર્વ છે ત્યારે બરડા માં આવેલ કાનમેરા ડુંગર પર પ્રથમ હોળી પ્રગટ્યા બાદ જ પોરબંદર ભાણવડ સહીત આસપાસ ના પંથક માં હોળી પ્ર્ગ્તાવવાની પરંપરા રહેલી છે ત્યારે જાણીએ સમગ્ર પરંપરા વિશે.
ભગવાન શ્રીકૃષ્ણના ચરણોથી પાવન થયેલ બરડા પંથકમાં ઠેર ઠેર એવા સ્થળો આવેલા છે.કે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ વાસ કર્યો હતો.આજ પણ એની અનેક કથાઓ મળે છે.એમાંની જ એક વાત એટલે કાનમેરાની હોળી.
કાનમેરો શિખર એ બરડાના વેણુ અને આભપરા પછીનું સૌથી ઊંચું શિખર છે. એમ કહેવાય છે અહીંયા હજારો વર્ષો પૂર્વે ભગવાન શ્રીકૃષ્ણએ પોતે હોળી પ્રગટાવી હતી.ત્યારથી આજ સુધી આ કાનમેરા શિખર પર હોળી પ્રગટાવવામાં આવે છે.અને મોટી સંખ્યામાં આજ પણ લોકો અહીંયા હોળીના દર્શન/પૂજન કરવા આવે છે.
આ હોળીની જ્વાળાઓ છેક દ્વારકાથી જોઈ શકાય છે.અને બરડા પંથકમાં તેમજ પોરબંદર ના ગ્રામ્ય વિસ્તાર અને ભાણવડ સહિતના વિસ્તારોમાં કાનમેરાની હોળી પ્રગટે પછી બધા ગામોમાં હોળી પ્રગટાવવામાં આવતી. પરંતુ હવે અમુક ગામોએ જ આ પરંપરા જાળવી છે.બાકીના ઘણા ગામોમાં હોળી મુહૂર્ત મુજબ પ્રગટાવવામાં આવે છે.આજ પણ કાનમેરાની હોળી પ્રગટે ત્યારે લોકો ત્યાં સામ-સામે દુહાઓ ગાય છે,ગીતો ગાય છે.આ પરંપરા એક સમયે દરેક ગામોમાં હતી.દુહા ગાનાર પ્રતિસ્પર્ધી સામ-સામા એક પછી એક દુહાઓ લલકારતા. કલાકો સુધી આ દોર ચાલતો. લોકો એક ગામથી બીજા ગામ પણ દુહાઓ ગાવા જતા.
અહીંયા એક લોકવાયકા એવી છે કે ભગવાન શ્રીકૃષ્ણ રુક્ષ્મિણીનું હરણ કરી લાવ્યા અને અહીંયા એમનો વિવાહ થયો. એ દિવસ ફાગણ સુદ પૂનમનો હતો.એટલે ભગવાન શ્રીકૃષ્ણ એ અહીંયા હોળી પ્રગટાવી અને હોળી પૂજન કર્યું. અને લોકોએ હરખથી ઉત્સવ ઉજવ્યો,રાસ રમ્યા. ભગવાન શ્રીકૃષ્ણના વિવાહમાં અહીંયા માણસોનો મેળો ભરાયો એટલે આ શિખરનું નામ કાનમેરો કહેવાય છે.
જો કે ઇતિહાસવિદો આ શિખર નામકરણ પાછળ કઈંક જુદા જ તર્કો બતાવે છે.આ શિખર પર તમરાઓ બહુ પ્રમાણમાં છે.જેમ ફૂલછોડ પર મધમાખીઓ હોય એમ આ શિખરના વૃક્ષે-વૃક્ષે તમરાઓ છે.આ કાનમેરાના શિખરની દક્ષિણે સાંકળોજુ તળાવ છે.અને ઉત્તરમાં કરમદી, વાંસ અને ટીમરુંનું વન આવેલું છે.તેમાં બીજા વૃક્ષો પણ છે.પરંતુ બહુમાત્રમાં કરમદી, વાંસ અને ટીમરું છે.ત્યાં વનરાવનનો નેસ આવેલો છે. શક્ય છે એ જગ્યાના નામ વનરાવન પરથી નેસનું નામકરણ થયું હોય.
કાનમેરાની હોળી જ્યાં થાય છે ત્યાં પશ્ચિમમાં વીસેક ફૂટ નીચે બે ચાર પથ્થરોની નાનકડી ગુફામાં ગાત્રાળ માતાનું સ્થાનક છે.સ્થાનિકોનું કહેવું છે કે અહીંયા હોળી પૂજન કરી બધા સાંજે નીચે આવી જાય છે કોઈ ત્યાં રાતવાસો કરતું નથી.રોકાય તો કોઈક સ્થાનિક જ રોકાય છે.અને એવી ન માન્યતા છે કે હોળીનો કુંભ પણ કોઈ કાઢી શકતું નથી, કોઈ નિરાકર શક્તિ કુંભ કાઢી લે છે. સવારે કોઈ ત્યાં જાય ત્યારે કુંભ બહાર હોય છે. હોળીની જ્વાળાઓ કઈ દિશામાં જાય છે અને હોળીનો કુંભ કેવો પાક્યો એના પરથી એક જમાનામાં લોકો આગોતરા વર્ષનું અનુમાન લગાવતા.
પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકાના આદિત્યાણા-ખંભાળા વિસ્તારની વચ્ચમાં આવેલ બરડા ડુંગરની એક શાખ ટેકરી કાન મેરા ડુંગરની એક પ્રચલીત દંતકથા મુજબ હુતાશની પર્વના સાંજના હુતાશની પ્રગટાવવાના સમયે મહાભારત કાળ સાથે સંકળાયેલ ગુરૂદ્રોણાચાર્યના પુત્ર અશ્વથામા અહીં પધારે છે. કાન મેરાની હુતાશની પ્રગટાવે છે અને અદ્રશ્ય અંતરીક્ષ હાજરી હોય છે.
આ હુતાશની પ્રગટમાં અશ્વથામા અદ્રશ્ય રીતે હાજર રહે છે. હુતાશની પ્રગટ થઈ ગયા પછી અમુક સમય જ ડુંગરમાં ત્યાં વસતા માલધારીઓ રહી શકે છે.ત્યાર બાદ પૂર્ણ રાત્રી રોકાણ થઈ શકતા નથી. ક એવી પણ માન્યતા છે કે હુતાશની પ્રગટે તે પહેલા ગોળાકાર ખાડો કરવામાં આવે છે અને એક માટીનો પાણીનો ઘડો તેમા ઘઉં, ચણા ભરવામા આવે છે. હુતાશણી ખાડાની સાઈડમાં અંદરના ભાગે ખાડો કરી તેમા સુરક્ષિત કુંભ મુકવામાં આવે આખી રાત્રી અગ્નિમાં બફાય વહેલી સવારના આ કુંભ બહાર કાઢવામાં આવે ઘઉં ચણા બફાયે બહાર કાઢી પ્રસાદી વહેંચણી કરાય છે.પરંતુ કાન મેરા ડુંગરની હુતાશની કુંડમાંથી માટલી અદ્રશ્ય થઈ બહાર આવતી નથી.તેવી એક માન્યતા છે. બરડા ડુંગરની કાન મેરા હુતાશની પૂર્ણાહુતી અવસ્થામાં વિધ્યાચલ તરફ પ્રયાણ કરી જાય છે.તેવી એક માન્યતા દંતકથાથી જોડાયેલ છે.