પોરબંદર
પોરબંદરમાં લમ્પી સ્કિન ડીસીઝના નવા 4 કેસ નોંધાતા કેસનો આંકડો 32 સુધી પહોંચી ગયો છે.જયારે વધુ 2 ગૌધનના મોત થયા છે.સામાજિક સંસ્થા દ્વારા વેક્સીન ના ૪૦૦૦ ડોઝ મંગાવવામાં આવ્યા છે.
પોરબંદર શહેરમાં લમ્પી સ્કિન ડીસીઝ ના કેસો માં વધારો થતો જાય છે.અગાઉ ૨૮ કેસ નોંધાયા બાદ વધુ 4 કેસ નોંધાતા કુલ કેસ ની સંખ્યા ૩૨ થઇ છે.જયારે આઇસોલેશન ખાતે સારવાર માં રહેલા વધુ 2 પશુના મોત થતા મૃત્યુ નો કુલ આંક 6 થયો છે.આઈસોલેશન વોર્ડમાં હાલ 24 પશુઓ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.અત્યાર સુધીમાં વિવિધ ગૌશાળા ખાતે 600થી વધુ ગૌધનને રસી અપાઈ ગઈ છે.ગૌધનનને રસી મૂકીને માર્કિંગ કરવામાં આવે છે.
આજે રાત્રિથી પશુપાલન વિભાગની ટીમ તથા ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનીમલ વેલ્ફેર ટ્રસ્ટની ટીમ દ્વારા રખડતા બિનવારસુ ગૌધનને રસી મુકવાની કામગીરી શરૂ થશે.સંસ્થા દ્વારા દાતાઓ ના સહયોગ થી 4000 વેકશીનના ડોઝ ખરીદવામાં આવ્યા છે.ગ્રામ્ય વિસ્તારમાં સરપંચ દ્વારા માલિકીના પશુઓ તથા રઝળતા પશુઓને ગૌશાળા ખાતે અથવા એક સ્થળે એકઠા કરી રસીકરણ માટે 5 જેટલા વ્યક્તિની વ્યવસ્થા કરવામાં આવે તો તે ગામમાં પણ વેકશીન આપવાની વ્યવસ્થા કરવામાં આવશે તેવું સંસ્થા દ્વારા જણાવાયું છે.ઉપરાંત જો કોઈ ગૌશાળા સંચાલકો અથવા જીવદયાપ્રેમીઓ રસ્તે રઝળતા પશુઓનું રસીકરણ કરવામાં ત્રણ દિવસ મદદ કરશે તો તેની ગૌશાળા કે ગામના પશુઓ ને વિનામૂલ્યે વેક્સીન આપવામાં આવશે.