પોરબંદર
શહેરીકરણ વધ્યું, જમીન ઘટી, દુધાળા પશુઓની દેખરેખ રાખતા અમુક વર્ગની જીવન શૈલી બદલાઈ સહિતના સામાજિક પરિબળો કારણભૂત થતા પોરબંદર જિલ્લામાં ગાયની સંખ્યામાં 20246નો ઘટાડો નોંધાયો છે.જ્યારે ભેંસ, ઘેટા બકરાની સંખ્યા પણ ઘટી છે.19મી પશુધન વસ્તી ગણતરીમા જિલ્લામાં 268850 પશુ નોંધાયા હતા.જ્યારે 20મી પશુધન વસ્તી ગણતરીમાં 239915 દુધાળા પશુઓ નોંધાયા છે.
પોરબંદર જિલ્લામાં પશુઓની વસ્તી ગણતરી કરવામાં આવી હતી જેમાં જિલ્લા પંચાયત ખાતે આવેલ પશુપાલન શાખા દ્વારા ગત 2012મા 19 મી પશુધન વસ્તી ગણતરી કરવામાં આવી હતી બાદ 2018થી 20મી પશુધન વસ્તી ગણતરી કરવામાં આવી હતી. જેના આંકડા 2020 -21 મા બહાર આવ્યા છે. આ આંકડા મુજબ જિલ્લામાં 19 મી પશુધન વસ્તીની સરખામણીએ 20મી પશુધન વસ્તી મુજબ 20246 ગાયની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે, જ્યારે 1039 ભેંસની સંખ્યા પણ ઘટી છે. ઘેટા અને બકરાની સાંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. ગાય, ભેંસ, ઘેટા અને બકરાની સંખ્યાની વાત કરીએ તો 19મી પશુધન વસ્તી ગણતરીમાં આ દુધાળા પશુઓની સંખ્યા 268850 નોંધાઈ હતી. જ્યારે 20મી પશુધન વસ્તી ગણતરી મુજબ 239915 સંખ્યા નોંધાઈ છે. કારણકે, જે જ્ઞાતિ પરંપરાગત દુધાળા પશુઓને સાચવતી હતી તે જ્ઞાતિ માંથી અમુક જ્ઞાતિની જીવન શૈલી બદલાતા તથા આ જ્ઞાતિના યુવક યુવતીના લગ્ન અને શહેરીકરણનું પ્રમાણ વધ્યું છે. જમીન ઘટી છે, આ સહિતના સામાજિક કારણોસર ગાય અને ભેંસ રાખવાનું ટાળી રહયા છે.જેના કારણે ગાયની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે તેવું વેટરનીટી ઓફિસરે જણાવ્યું હતું.
ઘેટા બકરાની સંખ્યામાં કેટલો ઘટાડો નોંધાયો?
પોરબંદર જિલ્લામાં 19મી પશુધન વસ્તી ગણતરી મુજબ ઘેટાની સંખ્યા 21675 નોંધાઈ હતી અને બકરાની સંખ્યા 17891 નોંધાઈ હતી. જ્યારે 20મી પશુધન વસ્તી ગણતરી મુજબ 17061 ઘેટાની સંખ્યા નોંધાઈ છે જેથી 4614 ઘેટાની સંખ્યા ઘટી છે. જ્યારે 14855 બકરાની સંખ્યા નોંધાઈ છે જેથી 3036 બકરાની સંખ્યા ઘટી છે. ઘેટા બકરા પાડતા લોકો સમયાંતરે સ્થળાંતર કરતા હોય છે જેથી આ સંખ્યામાં વધારો ઘટાડો થતો રહે છે.
ઘરે ઘરે જઈને વસ્તી ગણતરી કરવામાં આવે છે
દર પાંચ વર્ષે પશુધન વસ્તી ગણતરી કરવામાં આવે છે. દૂધ ઉત્પાદનનો સર્વે, અછતના સમયમાં બહારથી કેટલો ઘાસચારો મંગાવવો પડશે તેનો અંદાજ જેવા અનેક કારણોસર પશુધન ગણતરી કરવામાં આવે છે. આ ગણતરી એક મહિનાના સમયની અંદર કરવાની રહે છે. પશુધન ગણતરી વસ્તી ગણતરીની જે પ્રક્રિયા છે તે જ રીતે ઘરે ઘરે જઈને કરવામાં આવે છે.
પશુની સંખ્યામાં ઘટાડો પણ ત્રાસ યથાવત
સરકારી આંકડા મુજબ પોરબંદર શહેર-જિલ્લામાં ખાસ કરીને ગાયની | સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ રખડતા ઢોર શહેરમાં જોવા મળે છે. પશુનો ત્રાસ યથાવત છે. પોરબંદરમાં છાસવારે રખડતાં ઢોરને કારણે દુર્ઘટના સર્જાઈ છે.
19મી પશુ ગણતરી મુજબ ગાય ભેંસની સંખ્યા તાલુકા વાઇઝ
તાલુકો ગાય ભેંસ
પોરબંદર 43252 80274
રાણાવાવ 21454 30263
કુતિયાણા 20005 34036
કુલ 84711 144573
20મી પશુ ગણતરી મુજબ ગાય ભેંસની સંખ્યા તાલુકા વાઇઝ
તાલુકો ગાય ભેંસ
પોરબંદર 38101 77184
રાણાવાવ 11846 24034
કુતિયાણા 14518 42316
કુલ 64465 143534