પોરબંદર
દર વરસે શિયાળા ના સમય માં સુરખાબી નગરી પોરબંદર ખાતે લાખો ની સંખ્યા માં વિદેશી પક્ષીઓ ઉતરી આવે છે.આ વખતે પણ મોટી સંખ્યા માં પક્ષીઓ દ્વારા પડાવ નાખવામાં આવ્યો છે.આ પક્ષીઓ નો શિકાર અટકાવવા આ વખતે વન વિભાગે ગોસાબારા વેટલેન્ડ ખાતે ટેન્ટ મૂકી કાયમી થાણું બનાવ્યું છે.
પોરબંદર શહેર અને જિલ્લામાં શિયાળાના સમયમાં વિદેશી પંખીઓનું આગમન થાય છે.આ પંખીડાઓ પોરબંદર શહેરની મધ્યે આવેલા પક્ષી અભ્યારણ્ય,છાંયાનું રણ,મોકર સાગર,કુછડીનું રણ,બરડા સાગર સહિતના અલગ-અલગ ૨૧ જેટલા જળપ્લાવિત વિસ્તારોમાં વિહરતા નજરે પડે છે.વનપાલ આર બી મોઢવાડિયા એ જણાવ્યું હતું કે આ વખતે પણ લાખો ની સંખ્યા માં પેલીકન, કોમન ક્રેઈન, ડેમોસાઈલ ક્રેઈન,સોવેલીયર,મલાર્ડ,વ્હાઈટ સ્ટોક તેમજ દુર્લભ ગણાતા માર્બલ ટીલ, બ્લેક સ્ટોક, બાર હેડેડ ગુશ સહિતના પક્ષીઓ પણ મહેમાન બન્યા છે.
સુભાષનગર ખાડી માં 8 થી ૧૦ હજાર ફ્લેમિંગો તથા છાયા ખાડી માં પણ દસ હજાર ફ્લેમિંગો એ વસવાટ કર્યો છે.મોટા ભાગ ના જળ પલ્લવિત વિસ્તારો માં આ વખતે કુંજ ની સંખ્યા ખુબ જ સારી જોવા મળે છે.અને મોકર ના રણ પ્રદેશમાં સાંજ ના સમયે ૧૦ હજાર કરતા વધુ કુંજ પક્ષી જોવા મળે છે.માધવપુર થી મિયાણી સુધી ના દરિયા કાઠા ના વિસ્તારોમાં પણ આ વખતે ખુબ મોટી સંખ્યા માં દરિયાઈ પક્ષીઓ જોવા મળે છે.એ સિવાય મેઢાંક્રિક માં પાણી પુરતું હોવાથી અહી ડૂબકી બતક ની સંખ્યા વધુ જોવા મળે છે.તો પેલીકન પક્ષી પણ સારી એવી માત્રા માં જોવા મળે છે.
આ સિવાય લાર્ક ચકલીઓ,સુગરી,કીંચ,અને વૈયા સહીત ના પક્ષીઓ જોવા મળે છે ઉપરાંત રોઝી પેલીકન, લેઝર ફલેમિંગો, ગ્રેટર ફલેમીંગો, કરકરા, બ્રાઉન હેડેડ ગલ તથા બ્લેક હેડેડ ગલ, પિન ટેઇલ ડક, ગાર્ગીની ડક, બન્ટીંગ ડક, વિવિધ પ્રકારની લાર્ક્સ, ડાર્ટર, શિકારી પક્ષીઓમાં પેરેગ્રાઇન ફાલ્કન, માર્સ હેરીયર, સ્પોટેડ ઇગલ, વેગ ટેઇલ્સ વગેરે પણ મોટી સંખ્યા માં નજરે ચડે છે.આ પક્ષીઓ સાઇબીરીયા, અફઘાનિસ્તાન, બલુચિસ્તાન અને રશીયા વગેરે દેશો માંથી આવે છે.ત્યાં હાલ જળપલ્લવિત વિસ્તારો માં બરફ જામી ગયો હોવાથી હજારો કિમી ની ઉડાન ભરી અહી આવે છે.ફ્લેમિંગો ને અહી નું વાતાવરણ ફાવી ગયું હોવાથી મોટી સંખ્યા માં આવે છે.જેથી પોરબંદર નું બીજું નામ સુરખાબી નગરી છે.આ પક્ષી અહી મેટિંગ કરે છે અને નેસ્ટીગ કચ્છ માં કરે છે.
કુંજ પક્ષીઓ ના શિકાર ના બનાવ દર વરસે બને છે.જેથી આ વખતે પક્ષીઓ ના શિકાર અટકાવવા જ્યાં સૌથી વધારે કુંજ પક્ષીઓ નો મુકામ છે તે ગોસાબારા વેટલેન્ડ ખાતે વન વિભાગ દ્વારા ટેન્ટ મૂકી કાયમી થાણું શરુ કર્યું હોવાનું નાયબ વન સંરક્ષક દિપકભાઇ પંડ્યા એ જણાવ્યું છે.ઉપરાંત જીલ્લા ની દરિયાઈ પટ્ટી પર ફોરેસ્ટ ની ટીમ દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું.આ વખતે નિરમા કંપની નો પણ પૂર્ણ સહયોગ રહ્યો હોવાનું પણ તેઓએ જણાવ્યું છે.
(તમામ તસ્વીરો -આર.બી.મોઢવાડિયા,વનપાલ)