પોરબંદર
પોરબંદર ખાતે કાર્યરત જિલ્લા ક્ષય કેન્દ્રને ટી.બી નિવારણમા જિલ્લામા ઉત્તમ કામગીરી કરવા બદલ ભારત સરકાર દ્રારા સિલ્વર મેડલથી સન્માનિત કરાયા છે.૨૦૧૫ મા જેટલા ટીબી ના દર્દી હતા તેની સાપેક્ષ ૨૦૨૧ મા ૫૬ ટકાનો ઘટાડો થયો છે આ ઉત્તમ કામગીરી માટે સીલ્વર મેડલ એનાયત કરાયો છે.આ મેડલ મેળવવા માટેની પ્રક્રીયા ખુબ જ અઘરી હતી. ૧૮ ફેબ્રુઆરી થી ૯ માર્ચ સુધી નિષ્ણાંતોની ૧૦ ટીમો દ્વારા જીલ્લાના ગામો અને શહેરી વિસ્તારમા સર્વે કરી ૯૧૫૬ ઘરોમા જઇને ૩૫૪૪૦ લોકોને તપાસીને ૩૬૧ સેમ્પલોની અધ્યતન ટેકનોલોજીથી તપાસણી કરી હતી. આ તમામ સેમ્પલમા એક પણ ટીબી કેસ મળેલ ન હતો. તથા છેલ્લા ઘણા વર્ષોથી ટીબીના દર્દીઓની સારવાર પુરી કરાવીને ૮૮ ટકા દર્દીઓને સાજા થવાનો રેટ જાળવીને આગળ બીજા લોકોને ચેપ લાગતો અટકાવવામા આવેલ છે. જેથી ટીબીના કેસોની સંખ્યામા પોરબંદર જીલ્લામા સતત ઘટાડો થયેલ છે.
પોરબંદર જિલ્લાને ક્ષય મૂક્ત કરવા માટે જિલ્લા ક્ષય કેન્દ્ર તથા જિલ્લાની આરોગ્યની ટીમ સતત કાર્યરત છે. જિલ્લા આરોગ્ય ટીમ તથા જિલ્લા ક્ષય કેન્દ્રએ જહેમત ઉઠાવીને આવા દર્દીઓના નિયમીત નિદાન કરી, પોષણયુક્ત આહાર, યોગાસન કરવા માર્ગદર્શન આપી, સતત ફોલોઅપ લેવા સહિત ઉત્તમ કામગીરી કરી દર્દીઓની સંખ્યામા ૫૬ ટકા જેટલો ઘટાડો કર્યો છે જે ઉત્તમ કામગીરી કરવા બદલ ભારત સરકાર દ્રારા જિલ્લા આરોગ્યની ટીમને સિલ્વર મેડલ એનાયત કરાયો છે. આ પ્રસંગે જિલ્લા કલેકટર અશોક શર્મા તથા જિલ્લા વિકાસ અધિકારી વી.કે. અડવાણીએ ટીમ આરોગ્ય તથા જિલ્લા ક્ષય કેન્દ્રને શુભેચ્છા પાઠવી હતી છે.