પોરબંદર
પોરબંદર તા.૨૫, સમગ્ર દેશમાં ૨૫ જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિન તરીકે ઉજવવામાં આવે છે. જે પ્રસંગે “ ચાલો ચૂંટણી પ્રક્રિયાને સમાવિષ્ટ, સુગમ અને સહભાગી બનાવીએ” થીમ સાથે પોરબંદર જિલ્લા કક્ષાનો વર્ચુઅલ કાયક્રમ યોજાયો હતો. જે અંતર્ગત સવારે ૧૧ કલાકે કલેક્ટર કચેરી તથા બપોરે ૧ કલાકે ગુરૂકુળ મહિલા કોલેજ ખાતે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.
રાજ્યકક્ષાના વીડિયો લીન્ક વેબીનારમા નિવાસી અધિક કલેકટર સહિત ચૂંટણી શાખાના અધિકારીઓ તથા જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ જોડાયા હતા. આ ઉપરાંત પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ ગુરુકુલ મહિલા કોલેજમાં ઓનલાઈન મોડમાં મતદાન જાગૃતિ અંગે વેબીનાર યોજાયો હતો. જેમા મામલતદાર સંદિપ જાદવ, એજ્યુકેશન ઇન્સપેટર સંદીપ સોની, ગુરુકુલ મહિલા કોલેજના પ્રિન્સીપાલ ડૉ.નાગર અને સ્વીપ ટ્રેઈનર વાણવી તથા ચૂંટણી શાખા પોરબંદરના કર્મીઓ ઉપસ્થિત રહી વિધાર્થીઓને લોકશાહીમા મતદાન તથા મતદાતાનુ મહત્વ સમજાવ્યુ હતુ.
કોલેજના પ્રિન્સીપાલ ડૉ.નાગરે મતદાન જાગૃતિ તથા સરકારશ્રી દ્વારા થઈ રહેલા અનેકવિધ પ્રયત્નોની સરાહના કરી યુવાપેઢીને મતદાન જાગૃતિ માટે કાર્ય કરવા પ્રેરણા આપી હતી. ત્યારબાદ ઈ.આઇ સોનીએ મતદાન જાગૃતિ અને લોકશાહી વિષય પર પ્રેરક ઉદબોધન આપ્યુ હતુ. સ્વીપ ટ્રેઇનર વાણવીએ મતદાન માટે જરૂરી ઓળખ કઢાવવાની પ્રક્રિયા તથા અલગ અલગ નામ ઉમેરવા કે કમી કરવા કે સરનામા કે નામમાં સુધારા કરવા વગેરે માટે ક્યા ફોર્મ ભરવા તેની વિગત સાથે નમૂનાઓ રજૂ કરી માહિતી પૂરી પાડી હતી.
આ તબક્કે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ગુરુકુલ મહિલા કોલેજના મતદાન જાગૃતિ માટે થતાં કાર્યોને અને આ માટે નિમાયેલા કોલેજ કેમ્પસ એમ્બેસેડર કુ.પૂજા ઓડેદરા તથા કુ.પ્રાર્થના બાપોદરાને બિરદાવવામા આવ્યા હતા. સમગ્ર ઓનલાઈન કાર્યક્રમનું સંકલન અને સંચાલન કોલેજ એનએસએસ ઓફિસર ડો.નયન ટાંક તથા ડૉ.કેતકીબહેન પંડ્યા દ્વારા કરવામાં આવ્યુ હતું. અને ટેકનિકલ સેવા શ્રીમિત લાખાણી તથા કુ.અદિતિ દવેએ પૂરી પાડી હતી.