પોરબંદર
પોરબંદરમાં જનસેવા કેન્દ્ર ખાતે અરજદારોને હાલાકી વેઠવી પડી રહી છે વહેલી સવાર થી ટોકન લેવા ઘસારો થાય છે જેથી યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા સામાજિક કાર્યકરે રજૂઆત કરી છે.
પોરબંદર નાં સામાજિક કાર્યકર ઈસ્માઈલખાન શેરવાની એ તંત્ર ને કરેલી રજૂઆત માં જણાવ્યું છે કે જૂની કોર્ટ કમ્પાઉન્ડ ખાતે આવેલ જનસેવા કેન્દ્ર ખાતે વહેલી સવાર થી લોકો રાશનકાર્ડ, જાતિના દાખલા, આવકના દાખલા, નોનક્રિમિલેયર, ડોમિસાઈલ સર્ટીફીકેટ સહિતની કામગીરી માટે આવે છે પરંતુ ત્યાં ટોકન સીસ્ટમ અમલમાં હોવાથી સવારે ૮ વાગ્યાથી જ અરજદારો લાઈનમાં રાહ જોઇને બેસે છે. ૧૧ વાગ્યે જનસેવા કેન્દ્ર ખુલે ત્યારે ટોકન અપાઈ છે. તેમાં મર્યાદિત માત્રામાં ટોકન અપાતા હોવાથી દરરોજ ૭૦ ટકા લોકોને ટોકન મળતા નથી અને ત્રણ-ત્રણ દિવસથી લોકો ધકકા ખાઈ રહ્યા છે અને ટોકન લેવા અરજદારોની પડાપડી થાય છે. આથી અરજદારોને પડતી મુશ્કેલી દૂર કરવા અહીં વધુ સ્ટાફની વ્યવસ્થા કરી વધુ બારી ખોલવામાં આવે તેવું રજૂઆત માં જણાવ્યું છે.વધુ માં એવું પણ જણાવ્યું છે કે જનસેવા કેન્દ્ર એ વ્યક્તિગત પેઢી નથી કે અમુક સમયે જ ટોકન આપી શકાય.અરજદારો જયારે ઇચ્છે ત્યારે કામ માટે આવતા હોય છે. તેથી જીલ્લા કલેકટરે જનસેવા કેન્દ્રને સુચના આપીને લોકોને વેઠવી પડતી હેરાનગતિ દુર થાય તેવી વ્યવસ્થા ગોઠવી આપવી જોઈએ.