પોરબંદર
૨૦ વર્ષનો સાથ, ૨૦ વર્ષનો વિકાસ અંતર્ગત પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ તથા ધારાસભ્ય નાં હસ્તે વંદે ગુજરાત પ્રદર્શન તથા સખીમેળાનું ઉદઘાટન કરાયું હતું. ૧૩ જુલાઇ સુધી ચાલનારા આ પ્રદર્શન તથા સખી મેળામાં ગુજરાતની ૨૦ વર્ષની વિકાસયાત્રા પ્રદર્શિત કરવામાં આવી છે. તથા સખી મંડળો અને કારીગરોના ૫૦ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું કે, સૌનો સાથ, સૌનો વિકાસએ વર્તમાન સરકારનો મુખ્ય હેતુ છે. પુરુષોની જેમ મહિલાઓ પણ જુદી જુદી પ્રવૃત્તિમાં જોડાયને પોતાની આવડતથી ચીજવસ્તુનું ઉત્પાદન કરી વેચાણ કરી શકે તે માટે બહેનોને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ તાલીમ આપવાની સાથે લોન પણ આપવામાં આવે છે. આ ઉપરાંત વિનામૂલ્યે સ્ટોલ પણ આપવામાં આવે છે. સખી મંડળોથી મહિલાઓનું આર્થિક સશક્તિકરણ થયું છે.
ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા જણાવ્યું હતું કે, સ્વસહાય જૂથની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓનું વેચાણ થાય અને સખી મંડળો વધુ આર્થિક રીતે સધ્ધર થાય તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા યોજાતા મેળાઓમાં બહેનોને વિનામૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવે છે. મહિલાઓના સશક્તિકરણ માટે અમારી સરકાર કટિબદ્ધ છે. ધારાસભ્યશ્રીએ આ તકે શહેરીજનોને પણ અપીલ કરી હતી કે પ્રદર્શન અને સખી મેળાની મુલાકાત લેવાની સાથે સખીમંડળ દ્વારા તૈયાર કરાયેલ વસ્તુની ખરીદી કરો.
સ્વાગત પ્રવચનમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયાએ સખી મેળો પ્રદર્શન વિશે જાણકારી આપી સ્ટોલની મુલાકાત અને ખરીદી કરવા શહેરીજનોને અપીલ પણ કરી હતી.
સખીમેળામાં પેચવર્ક, જ્વેલરી, હેન્ડીક્રાફટ, કુર્તી, સાડી, કટલેરી, ડ્રેસ મટીરીયલસ, હોમ ડેકોર આઇટમ, ભરતગુથણની વસ્તુઓ, હસ્તકલા, અથાણા, ઓર્ગેનિક પ્રોડક્ટ સહિત ખાણીપીણીની તથા ઉત્પાદિત ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે.
કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી વી કે અડવાણી, કુતિયાણા તાલુકા પંચાયત પ્રમુખ અને કિરીટભાઈ મોઢવાડીયા સહિત અગ્રણીઓ,અધિકારીઓ,સ્ટોલ ધારકો તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ટીમ જહેમત ઉઠાવી હતી. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા માહિતી કચેરી દ્વારા વંદે ગુજરાત પુસ્તિકા વિતરણ કરાઈ
પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વંદે ગુજરાત વિકાસ યાત્રા હેઠળ વંદે ગુજરાત પ્રદર્શન તથા સખી મેળાનું મહાનુભાવના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું.આ મેળામાં આવતા મુલાકાતીઓને જિલ્લા માહિતી કચેરી પોરબંદર દ્વારા ગુજરાત પાક્ષિક તથા વંદે ગુજરાત પુસ્તિકા વિનામૂલ્યે વિતરણ કરાઈ હતી.
તા. ૧૩ જુલાઈ સુધી ચાલનારા આ સખી મેળામાં સખી મંડળોના ૫૦ જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જેની શહેરીજનો મુલાકાત લઇ રહ્યા છે. ત્યારે વંદે ગુજરાત: ૨૦ વર્ષનો વિશ્વાસ, ૨૦ વર્ષનો વિકાસ પુસ્તિકા વિતરણ કરવામાં આવી રહી છે. આ પુસ્તિકામાં સાબરમતી રિવરફ્રન્ટ, મહાત્મા મંદિર, દાંડી કુટીર, વિકસિત કરાયેલ પ્રવાસન સ્થળો, સરકાર દ્વારા કાર્યરત જન કલ્યાણકારી યોજનાઓની જાણકારી તથા સિદ્ધિઓ તથા વિવિધ ક્ષેત્રે ૨૦ વર્ષમાં થયેલા વિકાસની ગાથા આ પુસ્તિકામાં ફોટો સાથે પ્રકાશિત કરવામાં આવી છે.