પોરબંદર
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકના સરકારી કન્યા છાત્રાલય-પોરબંદરના મકાનનુ ખાતમુહૂર્ત સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ મંત્રી પ્રદિપભાઇ પરમારના હસ્તે કરાયુ હતુ. બે માળના ૨૪ રૂમ તથા ૧૦૦ બેડની કેપેસીટી ધરાવતા છાત્રાલય અંદાજે રૂ.૫૫૯.૦૮ લાખના ખર્ચે ૧૧ મહિનાની અંદર તૈયાર કરાશે. આ પ્રસંગે મંત્રી તથા મહાનુભાવોએ વિવિધ સહાયકીય યોજનાઓમા ૮૭ લાભાર્થીઓને ૨૧.૫૦ લાખથી વધુ રકમની સહાય/ કીટ વિતરણ કરી હતી.
આ પ્રસંગે મંત્રી પ્રદિપભાઇ પરમારએ જણાવ્યુ હતુ કે, છેવાડાના માનવીના વિકાસ માટે વર્તમાન સરકાર કટીબધ્ધ છે. દિકરીઓને ભણવાની તથા રહેવા માટે છાત્રાલય તથા જમવા માટેની સુવિધા વિનામૂલ્યે પુરી પાડવાથી છેવાડાના વિસ્તારની અનેક દિકરીઓ પોતાના સપનાઓને સાકાર કરી શકશે. મંત્રીએ આ પ્રસંગે બાબા સાહેબ આંબેડકરજીને યાદ કરીને કહ્યુ કે, સંઘર્ષ કરીને પોતાના સંતાનોને ભણાવતા વાલીઓના પડખે રાજ્ય સરકાર ઉભી છે. સ્કૂલ
શિષ્યવૃતિથી લઇને વિદેશ ઉચ્ચ અભ્યાસ સહાય યોજના સહિત અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકીને રાજય સરકારે વિધાર્થીઓ તથા તેમના પરિવારોના સપના સાકાર કર્યા છે. શિક્ષણ, સામાજિક ઉત્કર્ષ કે આરોગ્ય ક્ષેત્રે ખર્ચ કરવામા અમારી સરકાર હંમેશા કાર્યરત રહે છે. આ પ્રસંગે મંત્રીએ વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ લાભાર્થીઓને સહાય/કીટ વિતરણ કરીને ઉત્તરોતર પ્રગતિ કરવા શુભેચ્છાઓ પાઠવી હતી.
સરકારી કન્યા છાત્રાલયના મકાન માટે રૂ.૫૫૯.૦૮ લાખની તાંત્રિક મંજુરીની રકમ તથા રૂ.૪ કરોડ ૫૩ લાખથી વધુ રકમ ટેન્ડર મંજુરી છે.૧૦૦ બેડની કેપેસીટી ધરાવતી હોસ્ટેલ ૨ માળની છે જેમા પ્રથમ માળે ૧૨ રૂમ તથા બીજા માળે ૧૨ રૂમ છે.ગ્રાઉન્ડ ફલોર પર કીચન, કીચન યાર્ડ, સ્ટોર, વિઝીટર રૂમ, કોમન રૂમ, રૂમ ફોર ડીસેબલ, વોડર્ન રેસીડન્સ, ઓફિસ,ડાઇનિંગ,જનરલ ટોયલેટ-બાથરૂમ તથા ફસ્ટ ફલોર પર ૧૨ રૂમ, ૪ જનરલ ટોયલેટ-બાથરૂમ, ૨-વોટર કુલર રૂમ, ૨ વોશરૂમ એજ રીતે બીજા માળે સુવિધા ઉપલબધ કરાશે.
આ ઉપરાંત બિલ્ડીંગમાં સ્વતંત્ર વોટર હાર્વેસ્ટીંગ સીસ્ટમ, રૂ-પ્લાન્ટેશન, સેનેટરી એરેજમેન્ટ, પમ્પ રૂમ, સમ્પ, બોરવેલ, ટ્રી-મીલ્ય રોડ અને પેવર બ્લોક, પાક્રિગ રોડ, ફાયર સેફટી વર્ક તથા ગાર્ડનની વ્યવસ્થા ઉપલબ્ધ છે.
આ પ્રસંગે મંત્રીએ તથા મહાનુભાવોએ વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ લાભાર્થીઓને સહાય/કીટ વિતરણ કરી હતી. જેમા માનવ ગરીમા યોજના હેઠળ લાભાર્થીઓને સાધન સહાય, વિધાર્થિનીઓને સાયકલ, ૭.૫૦ લાખની વિદેશ ઉચ્ચ અભ્યાસ લોન સહાય, કુવરબાઇનુ મામેરૂ, સહાય યોજના, બૌંધિક અસમર્થતા ધરાવતી મનોદિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, ડો. આંબેડકર આવાસ યોજના સહિતની સહાયમાં સ્ટેજ પર ૨૫ લાભાર્થીઓને રૂ. ૧૫ લાખથી વધુની સહાય, સબ સ્ટેશજના ૬૨ લાભાર્થીઓને ૬ લાખથી વધુની સહાય આમ કુલ ૮૭ લાભાર્થીઓને ૨૧.૫૦ લાખથી વધુ રકમની સહાય ચૂકવવામાં આવી હતી.
આ પ્રસંગે વિવિધ સમાજ આગેવાનો દ્રારા મંત્રીનુ સન્માન કરાયુ હતુ. બોખીરાની મહેર રાસ મંડળી દ્રારા મણિયારો તથા ઢાલ તલવાર રાસ રજુ કરાયા હતા. કાર્યક્રમનુ સ્વાગત પ્રવચન નિયામકશ્રી, અનુ.જાતિ કલ્યાણ ગાંધીનગર બી.પી ચૌહાણ, તથા આભાર વિધિ નાયબ નિયામક અનુ.જાતિ કે.એફ. મકવાણાએ તથા કાર્યક્રમનુ સંચાલન નિરવભાઈ જોષીએ કર્યુ હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટર અશોક શર્મા,જિલ્લા વિકાસ અધિકારી વી.કે. અડવાણી, આસી. કમીશ્નર મંગેરા કૌશિકભાઇ, જોઇન્ટ ડાયરેકટર નયનાબેન શ્રીમાળી,સામાજિક ન્યાય સમિતિ જિલ્લા પંચાયતના ચેરમેન,તાલુકા પંચયત પોરબંદરના પ્રમુખ,નગરપાલિકા ઉપ પ્રમુખ,અનુ.જાતિ. મોરચો જીતુભાઇ,પ્રદેશ કારોબારી અનુ.જાતિ મોરચો હિરાભાઇ સોલંકી, પ્રમુખ અનુ.જાતિ મોરચો દિનેશભાઇ ચુડાસમા સહિત વિવિધ સમાજના આગેવાનો, વિધાર્થીઓ તથા લાભાર્થી ભાઇઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લા આરોગ્યની ટીમ દ્રારા તમામ મહેમાનોનુ હેલ્થ સ્ક્રીનીંગ કરાયુ હતુ.