પોરબંદર
શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત અને શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, કૃષિ અને પશુપાલન વિભાગના સહયોગમાં તથા જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આયોજિત ‘નવી દિશા, નવું ફલક’ સાથે જિલ્લાકક્ષાનો કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ પોરબંદરની જી.એમ.સી સ્કૂલ ખાતે યોજાયો હતો.આ કાર્યક્રમમાં જુદા જુદા વિભાગોના નિષ્ણાતો દ્વારા ધો.૯ થી ધો.૧૨ ના વિદ્યાર્થીઓને કારકિર્દી લક્ષી માર્ગદર્શન અપાયું હતું.આ સાથે વિદ્યાર્થીઓ, વાલીઓ તથા મહાનુભાવોએ કારકિર્દી માર્ગદર્શન ઓનલાઇન કાર્યક્રમ પણ નિહાળ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી વી. કે. અડવાણીએ ઉપસ્થિત વિધાર્થીઓને સંબોધીને જણાવ્યું હતું કે,રાજ્ય સરકાર દ્વારા આયોજિત આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓ તથા તેઓના વાલીને કારકિર્દીલક્ષી મૂંઝવણ દૂર થાય અને વિદ્યાર્થીઓ પોતાને ગમતા ક્ષેત્રમાં આગળ વધે તથા પોતાનામાં રહેલી સ્કીલ બહાર લાવી દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે મુખ્ય હેતું છે. અત્યારનો સમય કોમ્પ્યુટરનો સમય છે જેથી વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરના માધ્યમથી પણ જનરલ નોલેજ તથા જુદા જુદા વિષયનું જ્ઞાન મેળવી શિક્ષણમાં રસ અને રુચિ કેળવે તે ખૂબ જ જરૂરી છે.
ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી નમ્રતાબેન વાઘેલાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, આજના કાર્યક્રમથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓને કારકિર્દીલક્ષી માર્ગદર્શન મળી રહેશે. તથા વિવિધ કોર્ષ વિશે વિસ્તારથી જાણકારી મળશે જેના થકી વિદ્યાર્થીઓ પોતાનું કરિયર બનાવી શકશે.આ પ્રસંગે સ્કૂલમાં ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓ તથા તેઓના વાલીઓએ ગુજરાત સરકાર દ્વારા સંચાલિત તથા ભારત સરકાર દ્વારા સંચાલિત વિવિધ કૌશલ્યવર્ધક કોર્ષ વિશે વિસ્તારથી જાણકારી મેળવી હતી. નેશનલ એજ્યુકેશન પોલીસી,સ્કીલ ઇન્ડિયા,મુખ્યમંત્રી એપ્રેન્ટીસ તાલીમ યોજના લર્નિંગ વિથ અર્નિંગ, કૌશલ્ય યુનિવર્સિટી દ્વારા સંચાલિત જુદા જુદા કોર્સ, ટેકનિકલ શિક્ષણ દ્વારા એન્જિનિયરિંગ કોર્સ, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના સહિત શૈક્ષણિક યોજનાઓ વિશે વિદ્યાર્થીઓને વિસ્તારથી જાણકારી પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત સ્થાનિક નિષ્ણાંતો દ્વારા વિદ્યાર્થીઓ તથા તેઓના વાલીઓ સાથે પ્રશ્નોત્તરી દ્વારા વિશેષ જાણકારી પૂરી પાડવાની સાથે અભ્યાસક્રમો વિશે વિસ્તારથી જાણકારી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં પોલીટેકનીક કોલેજના આચાર્ય, જિલ્લા ખેતીવાડી અધિકારી, આઈ.ટી.આઈ આચાર્ય, રોજગાર વિભાગ સહિત કચેરીઓના તજજ્ઞો ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. તથા કોર્ષ કર્યા પછી રોજગારીની તકો, કેવી રોજગારી મળે તેની જાણકારી પણ આપી હતી. કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન આવડાભાઈ ઓડેદરા, જી.એમ.સી. સ્કૂલના આચાર્ય,સ્ટાફ, સરકારી કચેરીઓના સ્ટાફ અધિકારીઓ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ તકે રોજગાર કચેરી, કૃષિ અને પશુપાલન વિભાગ, આઈ.ટી.આઈ વગેરે કચેરી દ્વારા સ્ટોલ રાખીને વિદ્યાર્થીઓને કારકિર્દી લક્ષી ટેમ્પ્લેટ આપવામાં આવ્યા હતા.કાર્યક્રમનું સંચાલન નીરવભાઈ જોશી તથા પૂજાબેન રાજાએ કર્યું હતું.