પોરબંદર
વર્લ્ડ મેમણ ઓર્ગેનાઈઝેશન અને હાજી અમીન ગાડાવાલા ફાઉન્ડેશન ટ્રસ્ટ,મુંબઈના સહયોગથી હનીફા સત્તાર એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ખીદમત-એ-ખલ્ક ગૃપ પોરબદર દ્વારા પ્રથમ સમુહ શાદી-૨૦૨૧ નું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સૌરાષ્ટ્રના ૨૯ દુલ્હા-દુલ્હનો શાદીના પાક બંધનમાં બંધાયા હતા.આ સમુહ શાદીમાં જુનાગઢના પીરે તરીકત હુઝુર ગુલઝારે મિલ્લત હઝરત અલ્લામા ગુલઝાર અહમદ સાહબ નૂરી(સજ્જાદાહ નશીન ખાનકાહે રઝવીય્યાહ નુરીય્યાહ,જુનાગઢ)તેમજ ખલીફા-એ-હુઝુર તાજુશરિયા વ ખલીફા-એ-અમીને મિલ્લત,હઝરત અલ્લામા વ મૌલાના મુફતી અરફરઝા સાહબ બુરહાની (દારૂલ ઉલુમ મદીનતુલ ઉલૂમ, રતનપુર ખેડા)ખાસ ઉપસ્થિત રહયા હતા.અને પોતાના અનોખા અંદાજમાં દુલ્હા-દુલ્હનોને નિકાહનું મહત્વ સમજાવી સમાજમાં તલાક જેવી બુરાઈઓથી બચવા સમજ આપી હતી.
નિકાહ ની રશમ પોરબંદરના હલીમા મસ્જીદના પેશઈમામ જલાલબાપુ, મીઠી મસ્જીદ ના ઇમામ અને મદ્રેસા સ્કુલના પૂર્વશિક્ષક જનાબ મોલાના યુસુફ દુફાની સાહેબ, સુન્નીવોરા મસ્જીદના પેશઈમામ ગુલામ હુસૈન બાપુ, માધુપુર ના મેંરાજઅલી બાપુ,શહેર કાજી હાજી અબ્દુલ રફીક નિકાહ ની રસમ અદા કરાવી હતી.જનાબ ઈક્બાલબાપુ તીરમીઝી સાહેબે આ શાદી માં સામેલ તમામ દુલ્હા દુલ્હનો માટે ખાસ દુઆઓ નો સંદેશો પાઠવ્યો હતો.
તમામ દુલ્હાઓ બુખારી મિલાદ પાર્ટી સાથે મિલાદ સાથે શાદી ના મંડપ માં પહોંચ્યા હતા.આ સમુહ શાદીમાં દુલ્હનોની આમીન નો પ્રોગ્રામ વિ.જે.મદ્રેસા ગર્લ્સ હાઈસ્કુલ, મેમણવાડ પોરબંદર ખાતે યોજાયો હતો.આ આમીન વેરાવળ ના આલેમાં અરેફાખાન હામિદરઝા ખાને કરાવી હતી જેમાં શાહીન સુર્યા તેમજ વિ.જે.મદ્રેસા કન્યાશાળાના સુપરવાઈઝર રાબિયાખાતુંન આલેમુસ્તફા કાદરી તેમજ સમગ્ર સ્ટાફે આયોજન ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.સમૂહ શાદીની ૨૯ દુલ્હનોને અઢળક કરીયાવર પણ અગાઉથી જ આપી દેવામાં આવ્યો હતો.
આ સમુહ શાદીમાં પોરબંદર-છાયા નગરપાલિકાના પ્રમુખ સરજુભાઈ કારીયા,પોરબંદર જીલ્લા ભાજપના પ્રમુખ કીરીટભાઈ મોઢવાડીયા,કેશુભાઈ બોખીરીયા,અર્જુનભાઈ કારાવદરા,દિલીપભાઈ કારાવદરા,કેશુભાઈ પરમાર, આનંદભાઈ નાંઢા,શિવરાજસિંહ જાડેજા,મનસુખ વ્યાસ,અને તેમની ટીમે ખાસ હાજરી આપી હતી.ઉપરાંત જેસીઆઈના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયા,શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઈ કારીયા,પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ જીગ્નેશભાઈ કારિયા,મહાલક્ષ્મી લાઈમના જનાબ સલીમભાઈ હામદાણી,ઉદ્યોગપતિ સલીમભાઈ દાંડીયા,ફારૂકભાઈ બઘાડ,જુનેદભાઈ કુરેશી,આરીફભાઇ રાઠોડ,ઈર્શાદભાઈ સિદ્દીકી,જુનાગઢના WMO સીટીચેરમેન મહેબુબભાઈ વિધા તથા પોરબંદર ના વિવિધ આગેવાનો એ ખાસ હાજરી આપી હતી.હાજર તમામ મહેમાનોનું શાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સ્વામી વિશ્વાનંદ ની પણ ખાસ ઉપસ્થતિ રહી હતી,તેઓ એ તમામ ને શુભેચ્છાઓ પાઠવી હતી.
નવદંપતીઓ ને ત્રણ દિવસ નો અજમેર પ્રવાસ
૨૯ દુલ્હા – દુલ્હનને આગામી ૧૪ જાન્યુઆરીએ ૩ દિવસનો અજમેર નો પ્રવાસ આયોજકો તરફથી જાહેર કરવામાં આવ્યો હતો.જે અનુસંધાને આ તમામ નવદંપતિઓ ૧૪ તારીખે સાંજે ૭ઃ ૪૦ ની ટ્રેનમાં અજમેર જવા રવાના થશે.અને ૧૫,૧૬,૧૭ ત્રણ દિવસ અજમેર રોકાણ કરી ૧૭ તારીખે રાત્રે અજમેરથી ટ્રેન મારફત પરત પોરબંદર આવવા રવાના થશે. આ અજમેરના પ્રવાસ દરમિયાન મીરા ટ્રસ્ટ તરફથી તમામ કપલ ને રોકડ ભેટ આપવામાં આવેલ છે.તમામ કપલ માટે ભારત સરકાર ના લઘુમતી મંત્રાલય દ્વારા નિમાયેલા દરગાહ કમિટી ના સભ્ય અને મુંબઈ wmo ના સીટી ચેરમેન જનાબ જાવેદભાઈ પારેખ ની ખાલ ભલામણ થી અજમેર દરગાહ શરીફની સામે હોટેલ ગરીબ નવાઝ માં રૂમ બુક કરવામાં આવ્યા છે.
આ સમુહ શાદી ના સમગ્ર આયોજન ને સફળ બનાવવા રશીદભાઈ નોવ્હી,ઓસમાણભાઈ મત્વા,આરીફભાઈ રાઠોડ તેમજ સમુહ શાદીના પ્રોજેકટ ચેરમેન સરફરાઝભાઈ મુંડા એ છેલ્લા બે મહીનાથી લગાતાર કાર્ય કરી સફળતા અપાવી હતી.તે તમામનો ટ્રસ્ટ વતી ફારૂકભાઈ સુર્યાએ શાલ ઓઢાડી આભાર વ્યક્ત કર્યો હતો.અને ૨૦૨૨ ના વર્ષમાં જરૂરીયાતમંદ દીકરીઓના નિકાહ આસાનીથી થાય અને ખોટા ખર્ચથી બચી શકે તે માટે ૨૦૨૨ ના વર્ષ દરમિયાન જુનાગઢના પીરે તરીકત હુઝુર ગુલઝારે મિલ્લત હઝરત અલ્લામા ગુલઝાર અહમદ સાહબ નૂરી ( સજ્જાદાહ નશીન ખાનકાહે રઝવીય્યાહ નુરીય્યાહ , જુનાગઢ ) તેમજ ખલીફા – એ – હુઝુર તાજુશરિયા વ ખલીફા – એ – અમીને મિલ્લત , હઝરત અલ્લામા વ મૌલાના મુફતી અરફરઝા સાહબ બુરહાની (દારૂલ ઉલુમ મદીનતુલ ઉલૂમ , રતનપુર ખેડા) ની નિગરાની માં સમગ્ર સૌરાષ્ટ્ર ના લોકો માટે વર્ષ દરમ્યાન સમયાંતરે છ વખત સમુહ શાદીઓનું આયોજન કરવાનું જાહેર કર્યુ હતું.