પોરબંદર
લીડ બેંક સેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પોરબંદર દ્રારા સરકારની વિવિધ યોજનાકીય તથા ખાનગી લોન અંગે પોરબંદર બિરલા હોલ ખાતે “ક્રેડીટ આઉટરીચ” કાર્યક્રમ યોજાયો હતો.જેમા ધારાસભ્ય સહિત મહાનુભાવોના હસ્તે ૩૦૦ જેટલા લાભાર્થીઓને રૂપિયા ૩૦ કરોડની લોનનાં મંજુરીપત્રક/ચેક વિતરણ કરાયા હતા.જિલ્લાની વિવિધ બેંકો તા. ૧૨ જુન સુધી ખાસ ઝુંબેશ હાથ ધરશે.કેન્દ્ર તથા રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લક્ષ્યાંકને સિધ્ધ કરવા માટે ક્રેડિટ ધિરાણ કર બેંન્કિંગ સંસ્થાઓ તથા સરકારની અમલીકરણ એજન્સીઓના સંકલનથી તા. ૬ થી ૧૨ જુન સુધી ઝુંબેશના ભાગરૂપે ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમાં હાજર રહેલા ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ જણાવ્યું કે, રાજ્ય તથા કેન્દ્ર સરકારે લોકોના હિતકારી નિર્ણયો લીધા છે.મુદ્રાલોન, એજ્યુકેશન લોન, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, પી.એમ. સ્વનિધિ જનધન યોજના સહિતની યોજના શરૂ કરીને છેવાડાના માનવીનો વિકાસ કર્યો છે.આજે દરેક નાગરિકના બેંકમાં ખાતા છે. સરકારે વિનામૂલ્યે ગેસ કનેક્શન આપવાની સાથે લોક કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી. આ તકે ધારાસભ્યએ લાભાર્થીઓને ચેક વિતરણ કરી શુભેચ્છા પાઠવવાની સાથે લોન યોગ્ય સમયમાં ભરપાઇ કરવા અપીલ કરી હતી.
આ તકે અધિક કલેકટરએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવાની સાથે લાભાર્થીઓ આત્મનિર્ભર બને તેવી આશા વ્યક્ત કરી હતી.
આ તકે ઉપસ્થિત રહેલા ઉદ્યોગ સાહસિકો એ ગૃહ ઉધોગમાં પડેલી તકો તથા યુટ્યુબ જેવા સોશ્યલ મીડિયાનો ઉપયોગ બિઝનેશ આઇડીયા કરવા અપીલ કરવાની સાથે લાભાર્થીઓ પ્રગતિ કરે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.
એસ.બી.આઇ. દ્રારા યોજાયેલ કાર્યક્રમમાં ભુપેન્દ્રભાઇ રામાણી, ડિસ્કટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ ચેરમેન ભરતભાઇ, જિલ્લા ઉધોગ કેન્દ્રના અધિકારી સહિત જુદી-જુદી બેંકોના અધિકારીશ્રીઓ તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન લીડ બેંકના અમીત કુમાર તથા આરસેટીના ડાયરેકટ હરેશભાઇ મિસ્ત્રીએ કર્યુ હતું.